એસટી બસ દુકાન તોડી દીવાલમાં ઘૂસી ગઇઃ બેનાં મોતઃ પાંચ ગંભીર

અમદાવાદ: હળવદ માળિયા રોડ પર એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ દુકાન તોડી દીવાલમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મુસાફરોના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે પાંચ મુુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે સંતરામપુર અંજાર રૂટની એસટી બસ મોડી રાત્રે હળવદ માળિયા રોડ પર રાતકડી હનુમાનજી મંદિર નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બસના ચાલકને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બસ રોડ પરની સ્પેરપાર્ટસની દુકાન તોડી દીવાલમાં ઘૂસી જતાં બસમાં બેઠેલા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી અને તમામના જીવ પકીકે બંધાઇ ગયા હતા. બસ ધડાકા ભેર દીવાલ સાથે અથડાતાં બસનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ઘટનામાં સંતરામપુરના રહીશ શૈલેશ રણછોડભાઇ કટારા અને સુમલીબહેન છગનભાઇ નામના બે મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે પાંચને ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી જઇ બસના પતરાં ચીરી લાશ બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.

આ ઉપરાંત અમદાવાદના બાપુનગરના રહીશ સુનીલભાઇ પંડયા પોતાના પરિવાર સાથે સોમનાથ દર્શન કરી કારમાં કોડીનાર ઊના રોડ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે સામે તરફથી આવી રહેલી અન્ય કાર સાથે તેમની કાર અથડાતાં સુનીલભાઇનું ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બંને કારમાં બેઠેલા ૧૧ જણાને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનાે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like