ગુજરાતી ટીનેજરનો ‘બેફામ સ્પીડ’નો શોખ અાખરે જીવલેણ સાબિત થયો

મુંબઈ: મુંબઈના વિક્રોલી (ઈસ્ટ)ના ટાગોરનગરમાં રહેતા અને સોમૈયા કોલેજના સાયન્સના ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા અંકિત પંચાલને લાઈસન્સ નહીં હોવા છતાં બેફામ ઝડપે કાર ચલાવવાનો શોખ ભારે પડ્યો અને તેણે ભયંકર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. એટલું જ નહીં તેની સાથે ગયેલા બે અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ કોમામાં સરી પડતાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.

આ ગંભીર કરુણાંતિકાની ઘટના એવી છે કે ધો. ૧૨માં અભ્યાસ કરતા અંકિત પંચાલે પોતાના પપ્પાએ કારની ચાવી છુપાવીને રાખી હોવા છતાં તે ગમે તેમ કરીને શોધી લઈને પોતે લાઈસન્સ ધરાવતો ન હોવા છતાં બેફામ ઝડપે કાર ચલાવતા પોતાનો જીવ ગુમાવ્યો છે. અંકિત પંચાલ પોતાના મિત્રોનો બર્થ ડે ઉજવવા વિક્રોલીની નજીક એક વેરાન જગ્યાએ ગયો હતો. જ્યાં તેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેના રિલેટિવ અને મિત્રો જિનલ પંચાલ અને વિધેશ પંચાલને ગંભીર ઈજા થતાં અત્યારે મુલુન્ડની ફોર્ટિસ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.

વિક્રોલી પોલીસે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું છે કે મંગળવારે અંકિતના સ્કૂલના ફ્રેન્ડ સાહિલ મેમણનો બર્થ ડે હતો એટલે વિક્રોલીની સિદ્ધિ વિનાયક સ્કૂલમાં સાથે ભણતી બે યુવતીઓ સહિત છ મિત્રોએ સેલિબ્રેશનનો પ્રોગ્રામ બનાવ્યો હતો. આ ટીનેજરો સેલિબ્રિશન કરવા વિક્રોલી પાસે આવેલી એક વેરાન જગ્યાએ અંકિતની કારમાં ગયા હતા.

અંકિત બે મિત્રોને વેરાન જગ્યાએ મૂકીને તેના અન્ય બે મિત્રો સાથે તેના એક મિત્ર વિધેશને હાઈ વે પર કારમાં લઈને પાછો આવી રહ્યો હતો તે વખતે ફૂલ સ્પીડમાં જઈ રહેલી કાર પર તેણે કાબૂ ગુમાવતાં કાર એક ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં અંકિતનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અંકિતની બાજુમાં બેઠેલી જિનલને અને પાછળની સીટ પર બેઠેલા વિધેશને માથા પર ગંભીર ઈજા થતા બંને કોમામાં સરી પડ્યા છે. અંકિત ૧૦૦થી વધુ સ્પીડમાં કાર ચલાવતો હતો અને કાર ઝાડ સાથે ટકરાતા અંકિતના શરીરમાં સ્ટીયરિંગ ઘૂસી જતાં તેની સ્થળ પર જ મોત થયું હતું. અંકિતના પપ્પા ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે તેઓ તે િદવસે બહારગામ હતા. અંકિત રફ ડ્રાઈવિંગ કરતો હોવાથી પપ્પાએ તેને કાર ચલાવવા સ્પષ્ટ ના પાડી હતી, પરંતુ તેની મમ્મી કિરણ પંચાલ સૂતી હતી ત્યારે ઘરમાંથી ચાવી શોધી લઈને તે મમ્મીને કોઈ પણ પ્રકારની જાણ વગર મિત્રો સાથે જતો રહ્યો હતો.

You might also like