મણિનગર ગુરૂજી બ્રિજ પર ઓવરસ્પીડમાં એક્ટિવા ચલાવનાર બે વિદ્યાર્થીનાં મોત

અમદાવાદ: શહેરમાં ઓવરસ્પીડનાં કારણે અકસ્માતોનાં બનાવો બનતા કેટલાય લોકો જિંદગી ગુમાવે છે. ૧૮ વર્ષથી નીચેનાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને તેના માતા-પિતા પણ બેજવાબદાર બની વાહન આપી દે છે. જેના કારણે તેઓ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા હોય છે અને અકસ્માત સર્જે છે. આવા જ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા આપતા માતા-પિતાએ તેમનાં પુત્રોને ખોવાનો વારો આવ્યો છે. શહેરનાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ ઓવરસ્પીડમાં એક્ટિવા લઇ ગુરૃજી બ્રિજ પર જતા હતાં ત્યારે બ્રિજ પર કાબૂ ગુમાવતા બંને બ્રિજ પરનાં કૂંડા પર ભટકાયા હતા અને તેઓનાં મોત નિપજ્યા હતાં. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મણિનગર સેવન્થ ડે સ્કૂલમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો સચિન ખત્રી (ઉ.વ.૧૫) (રહે- શ્યામદર્શન એપાર્ટમેન્ટ, મણિનગર) અને તેનો મિત્ર ઝાલા વિશ્વજિત દેવેન્દ્રસિંહ (ઉ.વ. ૧૬) બંને એક્ટિવા લઇ અને સ્કૂલેથી મણિનગર ગયાં હતાં. મણિનગરથી સ્કૂલ તરફ પરત ફરતાં હતાં ત્યારે સચિને પોતાનું એક્ટિવા પૂરપાટ ઝડપે બ્રિજ ઉપર ચલાવ્યું હતું. અને તેનો એક્ટિવા પર કાબૂ ન રહેતા બંને ઉછળીને કૂંડા સાથે ભટકાયા હતાં. જ્યાં બંનેને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં બંનેનાં મોત નિપજ્યા હતાં. અકસ્માતમાં મૃત્યુ પામનાર ઝાલા વિશ્વજિત રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં દેવેન્દ્રસિંહનો પુત્ર હતો જ્યારે સચિનનાં પિતા વેપારી છે. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

You might also like