સુરત-મોરબીમાં અકસ્માતઃ પતિ-પત્ની સહિત પાંચનાં મોત

સુરતઃ રાજ્યમાં દિન-પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, જેમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટે છે. સુરતનાં હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ટેન્કરચાલકે બાઇક પર જઇ રહેલાં પતિ-પત્નીને અડફેટમાં લેતાં તેમનાં ઘટનાસ્થળે મોત થયાં હતું જ્યારે મોરબીનાં ચાચાપર ગામ પાસે બાઇક પર જઇ રહેલા ત્રણ શખ્સોને કારચાલકે અડફેટમાં લેતાં મોત નીપજ્યાં છે.

સુરતનાં હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. પુરઝડપે આવી રહેલા ટેન્કરચાલકે બાઇક પર જઇ રહેલાં પતિ-પત્નીને અડફેટમાં લઇને કચડી માર્યાં હતાં, જે ગંભીર ઘટનામાં બન્ને જણાનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઈચ્છાપોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

હજીરા વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ વધુ હોવાથી ટેન્કર અને ટ્રકની અવરજવર વધુ રહે છે. ગઇ કાલે પુરઝડપે આવી રહેલા ટેન્કરચાલકે બાઇક પર જઇ રહેલા દંપતીને અડફેટે લીધાં હતાં, જેથી ઘટનાસ્થળે જ દંપતીનું મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ બાદ ટેન્કરચાલક ફરાર થઈ ગયો હતો. ‌હિટ એન્ડ રનની ઘટનામાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે દંપતીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ઈચ્છાપોર પોલીસે ઘટના સ્થળનાં સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત મોરબીનાં રાજપર ગામથી મિસ્ત્રીકામ પૂરું કરીને ઘર તરફ જતા ત્રણ યુવકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે.

મોરબીનાં રાજપર અને ચાચાપર વચ્ચે એક કારચાલકે બાઇક પર ટ્રિપલ સવારી જઇ રહેલા યુવકોને અડફેટમાં લીધા હતા, જેમાં ત્રણેય યુવકોના કરુણ મોત નીપજ્યાં છે. મોરબીમાં બેસતા વર્ષથી શરૂ થયેલ અકસ્માતની વણજાર અટકવાનું નામ લેતી નથી. હરબ‌િતયાળી પાસે બાઈક અને કાર વચ્ચેનાં અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં તો શનિવારે મોડી સાંજે એક સ્કૂલ બસની અડફેટે એક આધેડનું મોત થયું હતું.

માળિયા હાઇ-વે પર પણ બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું તો બેને ઇજા પહોંચી હતી. આ તમામ ઘટનામાં હજુ તો પોલીસે તપાસ શરૂ નથી કરી ત્યારે ગઇ કાલે ત્રણ યુવકોનાં અકસ્માતમાં ફરી મોત નીપજ્યાં હતાં.

મોરબીનાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા રાહુલ પ્રસાદ, ધર્મેન્દ્રકુમાર અને ધર્મેન્દ્રકુમાર કનોજીયા બાઇક પર ટ્રિપલ સવારી ચાચાપર રાજપર તરફથી આવી રહ્યા હતાં ત્યારે સામેથી આવતી મારુતિ એસક્રોસ કારે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના બાદ કારચાલક નાસી છૂટ્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત ત્રણેય યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ ત્રણેયનાં મોત થયાં હતાં. પોલીસે આ મામલે કારચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like