ટ્રકે ચાર વાહનોને અડફેટે લીધાં બેનાં મોત, સાતને ગંભીર ઇજા

અમદાવાદ, ગુરુવાર
બોરસદ નજીક આવેલા ડભાસી ગામ પાસે એક ટ્રકે ચાર વાહનોને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયા હતા જ્યારે સાતને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે બોરસદ-ડભાસી રોડ પરથી ધર્મજ તરફ જઇ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા સામેેથી આવી રહેલી પિયાગો રિક્ષાને ટક્કર મારી હતી.

આ રિક્ષામાં બેઠેલા મુસાફરો પૈકી બેનાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ચારને ગંભીર ઇજા પહોંચી હતી. આ પછી ટ્રક અન્ય એક કાર અને બાઇક સાથે ટકરાઇ હતી. જેમાં કાર પલટી ખાઇ કાંસમાં ખાબકી હતી. જ્યારે બાઇકચાલક રોડ પર પટકાતા તેને પણ ગંભીર ઇજા થઇ હતી.

આ પછી ટ્રક અન્ય એક ટેમ્પો સાથે અથડાઇ હતી આમ ટ્રકે ચાર વાહનોને અડફેટે લીધા હતા. ટ્રકચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના પગલે બોરસદ-ડભાસી રોડ પર ચાર કિ.મી. સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.

You might also like