કવાટ નજીક પાનવડ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતઃ પિતા-પુત્રીનાં મોત

અમદાવાદ: કવાટ નજીક પાનવડ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર પિતા-પુત્રીનાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ક્વાટ તાલુકાના ધનીવાડા ગામના રહીશ ધર્મેશ કનસિંગ રાઠવા તેમની પત્ની દીપિકા અને એક વર્ષની પુત્રી ‌ત્રિશા સાથે બાઇક પર નજીકમાં આવેલા અસાર ગામે તેની સાસરીમાં જવા નીકળ્યા હતા ત્યારે પાનવડ તરફથી કરજવાટ ગામ તરફ જતાં રસ્તાનાં વળાંક પર ટ્રકે બાઇકને અડફેટે લેતા થયેલા અકસ્માતમાં ધર્મેશભાઇ અને પુત્રી ત્રિશાને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.

જ્યારે તેના પત્નીને ઇજા પહોંચતા સારવારર્થે ખસેડાઇ હતી.  આ ઉપરાંત નેશનલ હાઇવે-૪૮ પર કોસંબા નજીક આવેલી આશીર્વાદ હોટલ પાસે સળિયા ભરેલી એક ટ્રક ખોટકાઇ જતા તેને રોડની એક તરફ પાર્ક કરેલ હતી.

આ પાર્ક કરેલી ટ્રક પાછળ પુરઝડપે આવી રહેલી આઇશર ઘૂસી જતાં અકસ્માત થયો હતો. જેમાં આઇશરના ચાલક અને ક્લિનરનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનામાં આઇશરનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જ્યારે ટ્રકને પણ નુકસાન પહોંચ્યું હતું. આ બનાવના કારણે રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like