લકઝરી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ પાંચનાં મોત, છ ગંભીર

અમદાવાદ: ભૂજ હાઇવે પર રુદ્રાણી પુલ પાસે મોડી રાત્રે લકઝરી બસ અને જીપ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યકિતનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે છ જણાને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં બેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ભૂજ હાઇ વે પર ખાવડા તરફ જતા રસ્તા નજીક રુદ્રાણી પુલ પાસેથી પસાર થઇ રહેલી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં સામેથી મુસાફરો ભરી આવી રહેલી જીપ સાથે બસ જોરદાર ધડાકા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં શકીલાબહેન, રૂકસાનાબહેન, મરિયમબહેન, શામજી પૂંજા સહિત પાંચ વ્યકિતના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં.

જ્યારે માલા વાલા, ગીતાબહેન, ઇમરાન, ચતુર, શંકર અને વીરમ સહિત વ્યકિતને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને ભૂજની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી બસનો ચાલક નાસી છૂટયો હતો. ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળે ટોળાં એકઠા થયાં હતાં. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત આ જ હાઇ વે પર માંડવી નજીક દહીંસરા રોડ પરથી પેસેન્જર ભરી પસાર થઇ રહેલ છકડો રિક્ષા પલટી ખાઇ જતાં બેનાં મોત થયાં હતાં. જ્યારે દસથી વધુ પેસેન્જરોને ઇજા થઇ હતી. તેમજ આસંબિયા નજીક પણ છોટા હાથીની અડફેટે બાઇક સવાર આવી જતાં તેનું પણ ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

You might also like