બગોદરા નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ ત્રણનાં મોત

અમદાવાદ: અમદાવાદ-લિંબડી હાઈવે પર બગોદરા નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અાજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત થયા હતા જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-લિંબડી હાઈવે પર બગોદરા નજીક કાનપરાના પાટિયા પાસે અાજે વહેલી સવારે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં બેઠેલ ત્રણ વ્યક્તિના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયા હોવાનું અને ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલીક બગોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. અા ઘટનાને પગલે અમદાવાદ-લિંબડી હાઈવે પર બગોદરા નજીક ટ્રાફિક જામ થઈ ગયો હતો અને રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પોલીસે અા અંગે અક્સમાતો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like