સાઈકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એક પરિવાર પર ઘાતકી હુમલો

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ડો.ગાંધીની ચાલીમાં રહેતા એક પરિવાર પર ચાલીમાં રહેતા કેટલાક શખ્સોએ તલવાર અને ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. એક્ટિવા અને સાઈકલ વચ્ચે અકસ્માત થતાં ગઇ કાલે સાંજે મામલો બીચક્યો હતો.

મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડો.ગાંધીની ચાલીમાં રહેતાં સંતોષબહેન દિનેશભાઇ પ્રજાપતિએ ૮ શખ્સો વિરુદ્ધમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ગઇ કાલે સાડા ચાર વાગ્યાની આસપાસ સંતોષબહેનનો પુત્ર રમેશ ઉર્ફે રો‌િહત કાપેલી સોપારી વેપારીને આપવા માટે સાઈકલ લઇને ગયો હતો તે સમયે ભૂરા પરિહારે એક્ટિવા સાઈકલ સાથે અથડાવ્યું હતું. ભૂરાએ તે સમયે રમેશને બીભત્સ ગાળો બોલીને જતો રહ્યો હતો. ત્યારબાદ ભૂરો તેના બે મિત્રોને લઇને ડો.ગાંધીની ચાલીમાં આવ્યો હતો. તે સમયે સંતોષબહેને ભૂરાને પૂછ્યું હતું કે મારા પુત્રને ગાળો કેમ આપતો હતો. સંતોષબહેનની વાત સાંભળીને ભૂરો એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના ઘરમાંથી તલવાર લઇને આવ્યો હતો.

ભૂરાની સાથે તેના ઘરમાંથી જ્યોતિબહેન, આયુષી, મનીષા વગેરે દોડી આવ્યાં હતાં અને સંતોષબહેનને માથાના વાળ પકડીને ગળદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં.

દરમિયાનમાં ભૂરાએ સંતોષબહેનના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. સંતોષબહેનને છોડાવવા માટે વચ્ચે પડેલા કમલેશભાઇ, મૂકેશભાઇ પ્રજાપતિ, રીંકુબહેન પ્રજાપતિ અને રમેશભાઇ પ્રજાપતિ પર તલવાર અને ચપ્પા વડે હુમલો કર્યો હતો. સાથોસાથ તેમના પર પથ્થરમારો પણ કર્યો હતો. મેઘાણીનગર પોલીસે આ ઘટનામાં ભૂરાભાઇ પરિહાર, વિશાલ પરિહાર, રવિ માળી, જ્યોતિબહેન, આયુષી, મનીષા, વિમલાબહેન તેમજ પપ્પુભાઇ પ્રજાપતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

You might also like