ઈનોવા કાર-લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ બેન્ક અધિકારી સહિત ચારનાં મોત

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા પાસે મોડી સાંજે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ બેન્ક અધિકારી સહિત ચાર વ્યક્તિનાં મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસે તાબડતોબ પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી.
રાજકોટ કો-ઓ.બેન્કના કર્મચારીઓ ગઈ કાલે સાંજે ઈનોવા કારમાં અમદાવાદથી કામકાજ પતાવી રાજકોટ જવા નીકળ્યા હતા. મોડી સાંજે ઈનોવા કાર રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર સાયલા નજીકના નવા સુદામડા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઈનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી.

અા વખતે જ સામેથી અાવી રહેલી એક લકઝરી બસ સાથે ઈનોવા કાર ધડાકાભેર અથડાતાં અા ગમખ્વાર ઘટના બની હતી. જેમાં બેન્કના ત્રણ અધિકારીઓ વૈષ્ણવ, સજનભાઈ પટેલ અને સર્વ મંગલ માલદિયાના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. અા ઘટનાને કારણે રોડ પરનો ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અા અકસ્માતમાં લકઝરી બસના ડ્રાઈવર અને ક્લીનર સહિત છ વ્યક્તિઓને ઈજા પહોંચતાં તમામને સાયલાના પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

અા ઉપરાંત કોડીનાર-વેરાવળ રોડ પર મોડી સાંજે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં કોડીનારની નાલંદા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિવેક પરબતભાઈ ગોહિલ અને મહેન્દ્ર ગુણુભાઈ ગોહિલનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like