કારને નડી નીલગાય તો થયો અકસ્માત, સાસુ-સસરા અને જમાઇનું મોત

અમદાવાદ, સોમવાર
ખંભાત-બામણવા રોડ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં હતાં. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખંભાતના જલુંધ ગામમાં રહેતા ગોરધનભાઇ કાશીભાઇ વાળંદ તેમની પત્ની મંજુલાબહેન અને પુત્રી અસ્મિતા સાથે રહેતા હતા. ગોરધનભાઇની બીજી પુત્રી નૈના તેની સાસરીમાં અમદાવાદ ખાતે રહે છે.

ગોરધનભાઇના કોઇ સગાને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી તેના જમાઇ પિંકેશભાઇ વિનુભાઇ પારેખ અને પુત્રી નૈના અમદાવાદથી કારમાં જલુંધ આવ્યા હતા અને જલુંધથી પિંકેશ, નૈના, ગોરધનભાઇ, મંજુલાબહેન અને અસ્મિતા આ પાંચેય જણાં કારમાં તેમના સગાને ત્યાં લગ્નમાં રૂદેલ ગામ ગયા હતા.
રૂદેલથી લગ્ન પ્રસંગ પતાવી આ પરિવારના પાંચેય સભ્યો કારમાં બેસી જલુંદ જવા નીકળ્યા હતા.

મોડી રાત્રે તેમની કાર ખંભાત બામણવા રોડ પર કિશનપુરના પાટિયા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે રોડ પર અચાનક જ નીલગાયનું ટોળું આવી જતા કારચાલક પિંકેશભાઇએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોંગ સાઇડમાં આવી જઇ જોરદાર ધડાકા સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર સાસુ, સસરા અને જમાઇના ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બંને પુત્રીઓને ગંભીર ઇજા પહોંચી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like