ટ્રકે બાઇકને અડફેટે લેતાં અકસ્માતઃ પતિ-પત્ની, પુત્રીનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ-હિંમતનગર હાઇવે પર પ્રાંતિજના ટુડોર પાસે બેફામપણે પસાર થઇ રહેલી ટ્રકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર દંપતી અને તેમની પુત્રીનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર નજીક આવેલા વાવોલના વતની રાકેશભાઇ મોહનભાઇ પ્રજાપ‌િત તેમનાં પત્ની આશાબહેન અને પુત્રી નિશીતાને બાઇક પર બેસાડી પ્રાંતિજ ખાતે રહેતા તેમના સાઢુભાઇને મળવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ઝડપે આવી રહેલી કારે બાઇકને ટક્કર મારતાં આ ત્રણેય રોડ પર પટકાયાં હતાં.

માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થવાના કારણે ઉપરોક્ત દંપતી અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના પગલે રોડ પરનો ટ્રાફિક પણ કલાકો સુધી જામ થઇ ગયો હતો. પ્રાંતિજ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત નડિયાદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા પરેશભાઇ ભગુભાઇ પટેલ તેમનાં પત્ની નયનાબહેનને બાઇક પર બેસાડી ડભોવ ગામે યોજાયેલા સંબંધીના લગ્નમાં જઇ રહ્યા હતા ત્યારે વસો નજીક ટુંડેલની સીમમાં સામેથી આવતા બાઇક સાથે તેમનું બાઇક અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં નયનાબહેનનું ગંભીર ઇજા થવાના કારણે મોત થયું હતું જ્યારે પરેશભાઇને ઇજા થઇ હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like