મજૂરોને લઈ જતો ટેમ્પો પલટી ખાઈ જતાં અકસ્માતઃ ત્રણનાં મોતઃ આઠની સ્થિતિ ગંભીર

અમદાવાદ, શુક્રવાર
ધ્રાંગધ્રાના રણ વિસ્તારના નરાળી ગામ પાસેના રોડ પર મજૂરોને લઇ જતો ટેમ્પો પલટી ખાઇ જતાં ત્રણ મજૂરોનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે આઠ મજૂરને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં આવેલી વાછડા દાદાની જગ્યામાં છેલ્લા કેટલાક વખતથી બાંધકામ ચાલે છે. ગઇ કાલે આ ધાર્મિક સ્થાનમાં સ્લેબ ભરવાનો હોઇ કોન્ટ્રાકટર ધ્રાંગધ્રાથી મજૂરોને ટેમ્પામાં લઇ વાછડા દાદાની જગ્યામાં લઇ ગયા હતા. સ્લેબનું કામકાજ પૂરું થયા પછી મજૂરોને લઇ ટેમ્પો ધ્રાંગધ્રા પરત જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ધ્રાંગધ્રા નજીકના નરાળી ગામ પાસે રોડ પરથી આ ટેમ્પો પસાર થઇ રહ્યો હતો ત્યારે ટેમ્પોચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ખાઇ જતાં મજૂરોએ ચીસાચીસ કરી મૂકી હતી.

આ ઘટનામાં ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે આઠ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી ત્રણેય લાશને પીએમ માટે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધ્રાંગધ્રા ખાતેની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like