હિંમતનગર અને ધંધૂકા હાઈવે પર અકસ્માતના બનાવ: પાંચનાં મોત

અમદાવાદ: હિંમતનગર હાઇવે પર હાજીપુર પાસે છોટા હાથીનું ટાયર ફાટતાં અને પલટી ખાઈ જતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ સાત લોકોને ઈજા પહોંચી હતી તેમાંથી ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જયારે ધંધૂકા-રાણપુર હાઇવે પર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અમદાવાદની બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. બને અમદાવાદ પરત ફરતા હતા ત્યારે ધંધૂકા પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી.

મળતી માહિતી મુજબ હિંમતનગરના વાઘેલાવાસમાં રહેતા પરિવારના લોકો જૂના કપડાની ખરીદી કરીને હિંમતનગર છોટા હાથીમાં પરત આવવા નીકળ્યા હતા. હિંમતનગર હાઇવે પર હાજીપુર પાસે અચાનક છોટા હાથીનું ટાયર ફાટતાં ગાડી પલટી મારી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બાકીના સાત લોકોને ઇજા થઇ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચાર લોકોની હાલત ગંભીર હોઈ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

બીજા બનાવમાં વેજલપુરના રહેવાસી ગિરીશભાઈ મકવાણા અને ચાંદલોડિયાના રહેવાસી કનૈયાલાલ મકવાણા રાણપુર ખાતે તેમના સંબંધીના ત્યાં ગયા હતા. રાણપુરથી કામ પતાવી રાતે ઘરે પરત ફરતા હતા ત્યારે ધંધૂકા- રાણપુર હાઈવે પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડ પરથી કાર નીચે ઊતરી ગઈ હતી.

કાર ઊતરીને ઝાડ સાથે અથડાઈ હતી જેમાં બંનેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. કારના આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. ધંધૂકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંનેની લાશને પી.એમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

You might also like