બસે સ્કૂટરને અડફેટે લેતાં પતિ-પત્ની અને પૌત્રનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: પાટણ-ડીસા હાઈવે પર બસ અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે પાટણના બલિયાપાડા મીઠાવાળાની શેરીમાં રહેતા અને શાક માર્કેટમાં પેઢી ધરાવતા ઈશ્વરભાઈ ત્રિકમભાઈ પટેલ રવિવારના પોતાના નૃત્યક્રમ મુજબ તેમની પત્ની હસુમતીબહેન, અાઠ વર્ષનો માસૂમ પૌત્ર અને તેમની ભાણીને સ્કૂટર પર બેસાડી માતરવાડી ડેમ પાસે અાવેલ મેલડી માતાનાં દર્શન કરી પરત અાવતા હતા.

ત્યારે ટીબી ત્રણ રસ્તા નજીક ગોપાલ શિક્ષણ સ્કૂલ પાસે હાઈવે પર એસટી બસે સ્કૂટરને અડફેટે લેતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈશ્વરભાઈ તેમના પત્ની અને પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેમની ભાણીને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અા ઉપરાંત રાજપીપળા નજીક ડુમખલ રોડ પર મુસાફર ભરેલી જીપ અકસ્માતે પલટી ખાઈ જતાં બે વ્યક્તિનાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે દસ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like