કાર પુલ સાથે અથડાઈ નીચે ખાબકતાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: ધ્રોલ-ટંકારા રોડ પરથી પસાર થતી કાર પુલ સાથે અથડાઈ નીચે ખાબકતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા જ્યારે રાજ્યના જુદા જુદા હાઈવે પર બનેલા વાહન અકસ્માતના બનાવમાં ૧૪ વ્યક્તિ મોતને ભેટી હતી અને ૩૦થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ધ્રોલ-ટંકારા રોડ પર લતીપર ગામ નજીકથી પસાર થઈ રહેલ મારુ‌િત રિટ્સ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પુલ સાથે અથડાઈ નીચે નાળામાં ખાબકતાં અરુણ ચંદુલાલ ઠક્કર, ઘનશ્યામ ગોસ્વામી અને સુરેશ ગોસાંઇ નામના ગાંધીધામના ત્રણ યુવાનના મોત થયા હતા. અા ત્રણેય ભાણવડથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અા ઘટના બની હતી. પાટણીના માલવાણા નજીક ટેલરે બાઈકને ટક્કર મારતા મીનાબહેન દશરથભાઈ કોળી અને મનીષાબહેન રઘુભાઈ નામની બે મહિલાનું મોત થયા હતા.

ગત રાતે રાજકોટ સરદાર રોડ પર લાખાપર પાસે બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થતાં બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે ૧૫ જણાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. થરાદ-ડીસા હાઈવે પર વહેલી પરોઢે ટેન્કરે જીપને અડફેટે લેતાં એક સગર્ભા સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જ્યારે સાત વ્યક્તિને ઈજા પહોંચી હતી. સાપુતારા નજીક એક સ્વિફ્ટ કાર ખીણમાં ખાબકતા કિશન ભવાનભાઈ પટેલ નામના યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળે છે. સુરતના કામરેજ નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવમાં બાઈક પર પસાર થઈ રહેલ કેશુભાઈ સાવલિયા અને પોપટભાઈ નામના બે વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. પોલીસે અા બનાવો અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like