પુણેમાં ABVP અને SFIના કાર્યકરો વચ્ચે મારામારીઃ ૧૦ની ધરપકડ

પુણે: દિલ્હી બાદ પુણેમાં પણ એબીવીપી અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકરો વચ્ચે યુનિવર્સિટીમાં પોસ્ટર લગાવવા મામલે વિવાદ થતાં મારામારી થઈ હતી. જે અંગે પોલીસે બંને જૂથના 10 કાર્યકરની ધરપકડ કરી હતી.
થોડા દિવસ પહેલાં ભાજપના એમએલસી પ્રશાંત પરિચારકે સૈનિકોની પત્નીઓને લઈને આપત્તિજનક નિવેદન આપ્યું હતું. જેના વિરોધમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 27મીએ એક કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. અને આ અંગે યુનિવર્સિટીમાં પોસ્ટર લગાવવામાં આવતાં હતાં ત્યારે એસએફઆઈએ આક્ષેપ કર્યો હતો કે એબીવીપીના કાર્યકરોએ તેમના પર કંઈપણ કહ્યા વિના મારપીટ કરી હતી. આ મામલે બંને જૂથ વચ્ચે સામસામે વિવાદ થયો હતો. ત્યાર બાદ ચતુશૃંગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈને બંને જૂથના 10 કાર્યકરની ધરપકડ કરી હતી.

સોલાપુરના એમએલસી પ્રશાંતે પંઢરપુરની સભામાં જણાવ્યું હતું કે પંજાબ અને અન્ય સરહદ પર જવાનો ‍વર્ષ ભર ફરજ બજાવતા હોવા છતાં તેમની પત્નીઓ બાળકો કેમ પેદા કરે છે? તેમના આ નિવેદનથી વિવાદ થતાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના નિવેદન બદલ માફી માગી હતી. આવી જ ઘટના દિલ્હીની રામજસ કોલેજમાં બની હતી. જેમાં એક સેમિનારમાં જેએનયુના પૂર્વ ઉપ પ્રમુખ શેહલા રાશિદને બોલાવવામાં આવતાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનામાં એબીવીપીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે એસએફઆઈના કાર્યકરો એબીવીપી મુર્દાબાદના નારા લગાવી રહ્યા હતા. તેમને રોકવામાં આવતાં તેઓએ મારામારી કરી હતી.
http://sambhaavnews.com/

You might also like