JUના દેશદ્રોહી વિદ્યાર્થીઓના ટાંટિયા તોડી નાખવા એબીવીપીની ધમકી

કોલકાતા: જાદવપુર વિશ્વ વિદ્યાલય(જેયુ)ના ડાબેરી સમર્થિત દેશદ્રોહી વિદ્યાર્થીઓને કોલેજ બહાર નીકળશે તો તેમના ટાંટિયા તોડી નાખવાની અેબીવીપીના પ્રદેશ સચિવે ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.  આ અંગે જેયુ યુનિવર્સિટી સંકુલ બહાર યોજાયેલી રેલીમાં અેબવીપીના પ્રદેશ સચિવ હલદરે જણાવ્યું હતું કે જાદવપુર વિશ્વવિદ્યાલય છેલ્લા કેટલાક સમયથી દેશદ્રોહીઓનો અડ્ડો બની રહ્યું છે. જો જેયુના આ દેશદ્રોહી ડાબેરી વિદ્યાર્થીઓ કોલેજ સંકુલ બહાર નીકળવાની કોશિશ કરશે તો તેમના ટાંટિયા તોડી નાંખવામાં આવશે. આ અંગે પૂછતાં હલદરે જણાવ્યું કે મારે કહેવાનો મતલબ અે છે કે આ તે વિદ્યાર્થીઓ છે જે આપણી માતૃભૂમિના ભાગલા પાડવા સૂત્રોચ્ચાર કરે છે. તેમણે જણાવ્યુ કે દેશને વિભાજીત કરવા આ વિદ્યાર્થીઓ અલગાવવાદીઓ સાથે મળીને સૂત્રોચ્ચાર કરે છે. તો પછી અમે આવી પ્રવૃત્તિને અટકાવવા ચોકકસપણે પગલાં લઈશું.

જ‌ેયુ પરિસરમાં કથિત દેશદ્રોહી પ્રવૃત્તિના વિરોધમાં દેખાવ કરતા અેબીવીપીઅે આ અંગે કાર્યવાહી કરવાની માગણી કરતા ગોલપાર્ક વિસ્તારમાથી જાદવપુર પોલીસ મથક સુધી રેલીનું આયોજન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા જાદવપુર યુનિવર્સિટીમાં પણ સંસદ પરના હુમલાના આરોપી અફઝલ ગુરુના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવાનો મામલો બહાર આવ્યો હતો.

You might also like