ફી વધારા મુદ્દે ABVPએ આપી ઉગ્ર આંદોલનની ચિમકી

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી એબીવીપી દ્વારા ફી વધારા અંગે વિવિધ કોલેજોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં બીકોમ, બેસીએ, અને બીબીએમાં કરવામાં આવેલા ફી વધારા અંગે એબીવીપી દ્વારા કોઈકને કોઈક કોલેજમાં વિરોધ ચાલતો જ રહેતો હોય છે. તેવામાં આજે એબીવીપી અને જે.જી. કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજમાં ફી વધારા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

છેલ્લા ઘણા સમયથી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં બીકોમ,બીસીએ, અને બીબીએના કોર્ષમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે. તેનો વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ ફી વધારાનો મામલો શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. એબીવીપી દ્વારા આ ફી વધારા અંગે વિવિધ કોલેજોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

એબીવીપીનું કહેવું છે કે ગુજરાત યુનીવર્સીટી દ્વારા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ફી વધારો કરવાની મંજુરી આપવામાં આવી છે. આ ફી વધારો હાલમાં અમદાવાદ શહેરના ડ્રાઈવ ઇન રોડ ઉપર આવેલી જે.જી. કોમર્સ કોલેજમાં અમલી બન્યો છે. જેનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ કોલેજના પ્રિન્સિપાલ પાસે પહોંચ્યા હતા. તેમજ કોલેજની સામે કોલેજ વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. એબીવીપી અને વિદ્યાર્થીઓએ આ કોલેજની પ્રાથમિક સુવિધાઓ વિષે પણ પ્રિન્સીપાલને રજૂઆત કરી હતી. જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર અંદોલન કરવામાં આવશે. એબીવીપીએ એવી ધમકી આપી હતી.

તો બીજી તરફ જે.જી. કોલેજના પ્રિન્સિપાલ સૌરભ ચોક્સીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની દરેક માંગ ગેરવ્યાજબી છે. અમને ગુજરાત યુનીવર્સીટી તરફથી ફી વધારા અંગે પરિપત્ર મળ્યો હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું. અમે આજે ફી વધારો લીધો છે તે યુનિવર્સીટીની મંજુરી મુજબ જ લીધો છે. તેમને કહ્યું હતું કે અમે બીકોમમાં ૨,૦૦૦ નો ફી વધારો કર્યો છે. જે સામાન્ય ફી વધારો છે. કારણકે ગવર્નમેન્ટ કોલેજોમાં પ્રોફેસરોના પગાર સરકાર આપતી હોય છે. પરંતુ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રોફેસરોના પગાર કોલેજે આપવાનો હોય છે. તેથી અમે ફી વધારો કર્યો છે.

You might also like