બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું વર્ષ બગડશે

અમદાવાદ: માર્ચ ર૦૧૮થી ધોરણ ૧ર સાયન્સની પરીક્ષા સેમેસ્ટર સિસ્ટમને બદલે જૂની પ્રણાલી પ્રમાણે યોજાઇ રહી છે ત્યારે અગાઉની જેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પણ નિયત કેન્દ્રોનાં વિદ્યાર્થીઓની જર્નલના આધારે લેવાશે. પરંતુ ર૦૧૮માં લેવાનારી પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરહાજર રહેનારો વિદ્યાર્થી જે તે વિષયમાં ફેઇલ ગણાશે. જેને રિપિટરનું સ્ટેટસ મળશે. પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષામાં કોઇપણ સંજોગોમાં ફરીથી નહીં લેવાની બોર્ડ જાહેરાત કરી દીધી છે.

અત્યાર સુધી પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હતી જેનું પરિણામ શાળાએ બોર્ડમાં સમયસર મોકલી દેવાનું રહેતું હતું સંજોગવશાત પ્રેક્ટિકલમાં ગેરહાજર પરીક્ષા અસામાન્ય સંજોગોમાં શાળા કક્ષાએ લેવાતી હતી.

આગામી શૈક્ષણિક વર્ષથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ બોર્ડ હસ્તક છે. બોર્ડ જાહેર કરશે તે નિયત સમય અને તારીખ પ્રમાણે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે જેમાંં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીને પહેલીવાર રિપિટર થવું પડશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧ર સાયન્સની ત્રણ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાનું પરિરૂપ જાહેર કરી દેવાયું છે તે પ્રમાણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીએ જર્નલ સાથે પરીક્ષા આપવા આવવાનું ફરજિયાત રહેશે. વિદ્યાર્થીએ જે પ્રેક્ટિકલ કરેલા હશે તેમાંથી બોર્ડ નક્કી કરેલા બે પ્રયોગ વિદ્યાર્થી પાસે કરાવવામાં આવશે.

પ્રાયોગિક પ્રેક્ટિકલ પરીક્ષામાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાયા બાદ જે તે પ્રયોગ ના આધારે વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા લેવામાં આવશે. જેના પ્રશ્નો બોર્ડ દ્વારા તૈયાર કરાશે. પરીક્ષામાં એ અને બી વિભાગમાં એક એક પ્રેક્ટિકલ પુછાશે તેમાં ચાર ઓપ્શન આપ્યા હશે દરેક પ્રેક્ટિકલના પ૦ માર્કસ હશે વિદ્યાર્થીએ ર૦ માર્કનો એક એવા બે પ્રયોગ કરવાના રહેશે. ૪ માર્કસ જર્નલ અને ૬ માર્કસ પ્રયોગ બાદની મૌખિક પરીક્ષાના રહેશે. દરેક શાળાઓએ પ્રયોગમાં વાપરવામાં આવનારા કેમિકલ્સની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે.

You might also like