કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં ચાર ધારાસભ્યોની ગેરહાજરી…!

બેંગુલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામો બાદ હવે તમામ પક્ષ દ્વારા રાજકીય તડજોડ ચાલુ થઈ ગઈ છે. રાજ્યમાં ભાજપ અને ઉતાવળે રચાયેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને સરકાર રચવાના દાવા રજૂ કરી દીધા છે. ભાજપ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે, પરંતુ બહુમતી માટેનો જાદુઈ આંકડો સિદ્ધ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

કર્ણાટકમાં આજે બેંગલુરુ ખાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સેક્રેટરી કે. સી. વેણુગોપાલ અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં બેઠક માટે પહોંચી ગયા છે.
કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં હજુ ચાર ધારાસભ્ય પહોંચ્યા નથી અને તેથી એવા તર્ક-વિતર્ક વહેતા થયા છે કે આ ચાર ધારાસભ્ય ભાજપની પાટલીમાં બેસી ગયા છે.

આ અહેવાલો અંગે પ્રતિક્રિયા આપતાં કર્ણાટકના વિદાય લેનાર મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે અમારા કોઈ ધારાસભ્ય લાપતા નથી અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે સરકાર રચી શકીશું.

કોંગ્રેસના નેતા શિવકુમારે જણાવ્યું છે કે ભાજપે અમારા ધારાસભ્યોની લે-વેચ શરૂ કરી દીધી છે. અમે આ વાત સારી રીતે જાણીએ છીએ, પરંતુ ભાજપ એમાં સફળ થશે નહીં. બીજી બાજુ ભાજપના ધારાસભ્ય કે. એસ. ઈશ્વરઅપ્પાએ જણાવ્યું છે કે ભાજપ સરકાર રચશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

You might also like