થેલિસિમિયાથી પીડાતાં ૧૦૦ જેટલાં બાળકોને અમદાવાદ પોલીસે દત્તક લીધાં

અમદાવાદ: ૧૪ જૂને વિશ્વ રક્તદાતા દિવસ અંતર્ગત શહેર પોલીસ દ્વારા ‘મુસ્કાન માટે રક્તદાન અંતર્ગત’ થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરવામાં આવી રહ્યું છે. દરેક પોલીસ સ્ટેશનદીઠ બે થેલિસિમિયાગ્રસ્ત બાળકોને દત્તક લઈ તેઓને એક વર્ષ સુધી રક્ત મળી રહે તેટલું રક્ત ભેગું કરવામાં આવશે. આજે સોલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર એ.કે.સિંઘે રક્તદાન કરી અભિયાનની શરૂઆત કરાવી હતી.

શહેર પોલીસ અને રેડ ક્રોસના સંયુક્ત અભિયાન દ્વારા થેલિસિમિયાગ્રસ્ત બાળકો કે જેઓને વધુ રક્તની જરૂર હોય છે તેઓ માટે આજથી ૧૧ જૂન સુધી પોલીસકર્મીઓ અને અધિકારીઓ રક્તદાન કરશે. ‘મુસ્કાન માટે રક્તદાન અંતર્ગત’ થેલિસિમિયાગ્રસ્ત બાળકો દત્તક લઈ તેઓને એક વર્ષ સુધી રક્ત મળી રહે તે માટે આ રક્તદાન કરવામાં આવશે.

શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે આજે સવારે સોલા પોલીસ સ્ટેશનથી આ રક્તદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઇ અને અન્ય પોલીસકર્મીઓ રક્તદાન કરી અભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો હાજર રહ્યા હતા. બાળકોને પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી ગિફ્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

૧૧ જૂન સુધી કોઈ પણ સમયે પોલીસકર્મીઓ, મહિલા પોલીસકર્મીઓ સોલા, રાણીપ, ગાયકવાડ હવેલી, શાહીબાગ, બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે, ઝોન-૬ ઓફિસ, સેટેલાઈટ તેમજ શાહીબાગ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રક્તદાન કરી શકશે.

You might also like