ગર્ભમાં પુત્રી હોવાની ખબર પડતાં ગર્ભપાત કરાવી પત્નીને કાઢી મૂકી

અમદાવાદ: ત્રણ પુત્રીઓને જન્મ આપનાર પત્નીના ગર્ભમાં પુત્રી હોવાનું જાણીને પતિએ ફરજિયાત ગર્ભપાત કરાવી તેને ઘરની બહાર તગેડી મૂકી હતી. કાલુપુરમાં મોલની પોળમાં રહેતી પુખરાજબાનુંનાં લગ્ન તા.૦૪-૦૪-૧૯૯૯ના રોજ વડોદરાના મુન્શી નગર કોલોનીમાં રહેતા શાહનવાઝ સમસુદ્દીન શેખ સાથે થયાં હતાં. લગ્ન બાદ પુખરાજબાનુંએ એક પુત્રી ખુશબૂને જન્મ આપ્યો હતો. પુત્ર પ્રાપ્તિની ઇચ્છા રાખનાર શાહનવાઝ શેખ પુત્રીના જન્મથી નાખુશ થયો હતો. ત્યારબાદ પુખરાજે વધુ બે પુત્રી સમીહા અને શેબાને જન્મ આપ્યો હતો. સતત ત્રણ પુત્રીઓથી નાખુશ થયેલ શાહનવાઝે પુખરાજ સાથે મારઝુડ તેમજ માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. તું પુત્રને જન્મ આપવાના લાયક નથી તેમ કહીને અવારનવાર મહેણાં ટોણાં મારવાનું શરૂ કર્યું હતું.

શાહનવાઝની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી પુખરાજે અમદાવાદથી કપડાં લઇ જઇને બરોડા ખાતે વેચવાનું શરૂ કર્યુ હતું . જેમાંથી તેણે રૂ.૪.રપ લાખની બચત કરીને પોતાનું મકાન ખરીદ્યું હતું. શાહનવાઝ ત્રણ પુત્રીઓની સારસંભાળ યોગ્ય રીતે લેતાે ન હોવાના પણ આક્ષેપ પુખરાજે કર્યા છે. પતિની પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પૂરી કરવા માટે પુખરાજ ચોથી વખત ગર્ભવતી બની હતી. બરોડા ખાતે પૂરવ હોસ્પિટલમાં પુખરાજની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન શાહનવાઝે ડોક્ટરને ગર્ભ પરીક્ષણ કરવાનું કહ્યું હતું જોકે ડોક્ટરે ગર્ભ પરીક્ષણ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

દરમિયાનમાં શાહનવાઝ તેમજ તેના બનેવી ઇમરાને પુખરાજની ટ્રીટમેન્ટ કોઠારી હોસ્પિટલમાં શરૂ કરાવી હતી. જ્યાં શાહનવાઝે ગર્ભપાત કરાવી દીધો હતો. શાહનવાઝે પુખરાજને ત્રણ પુત્રીઓ સાથે ઘરમાંથી કાઢી મૂકતાં તે તેના પિયર આવી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ એફ ડિવિઝનના એસીપી મંજિતા વણજારાને થતાં તેમણે તપાસ શરૂ કરી હતી. દરિયાપુર પોલીસે પતિ શાહનવાઝ અને તેના બનેવી ઇમરાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like