લગ્નજીવનને સફળ બનાવવા યુવાનોમાં બિફૉર મેરેજ ક્લાસિસનો ટ્રેન્ડ

જ્યારે લગ્ન થાય છે ત્યારે માત્ર બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવાર પણ એકબીજા સાથે હંમેશ માટે જોડાઇ જતા હોય છે. પરંતુ જો લગ્ન કરનાર બે વ્યક્તિના જીવનમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થાય છે તો તેની સાથે ઘણા બધા સંબંધો પણ વિખરાઇ જતા હોય છે. લગ્નજીવનને સુમધુર બનાવવા માટે આજના યુવાનો બિફોર મેરેજ ક્લાસિસ અટેન્ડ કરતા થયા છે……

એક સમય એવો હતો કે માતા-પિતા પોતાના બાળકોને લગ્ન પછી કેવી રીતે જીવન જીવવુ તેની સમજ આપતા પરંતુ આજે આ સમજ  યુવાનો ક્લાસિસમાં જઇ રૃપિયા ભરી મેળવે છે. વડીલો અને જાણકારો હંમેશાં કહેતા આવ્યા છે કે લગ્ન, ચાહે લવ હોય કે એરેન્જ મેરેજ અંતે તો ગાડી એક જ પાટા પર આવે છે. એટલે કે પ્રેમ કરતા હોવ ત્યારે સમય સૌથી સુંદર હોય છે. દુનિયામાં બધુ જ પ્રાપ્ત કર્યાનો આનંદ હંમેશાં ચહેરા પર રહેતો હોય છે. એવી જ રીતે એરેન્જ મેરેજમાં સગાઇ પછીના અને લગ્ન પહેલાના દિવસો ખૂબ જ સુંદર હોય છે દરેક સપનુ સાકાર થઇ જશે તેવી અનેક આશાઓ બંધાઇ જતી હોય છે. પરંતુ ખરો ખેલ તો લગ્ન પછી શરૃ થતો હોય છે. બંને પરિસ્થિતિમાં લગ્નના છ-સાત મહિનામાં રિયાલિટી સામે આવી જાય છે. જે યુવાનો સહજતાથી સ્વીકારી શકતા નથી. લગ્ન પહેલા જે સાસુ માતા જેવી અને નણંદ બહેનપણી જેવી લાગતી હોય છે તે લગ્ન બાદ સૌથી મોટા વિલન બની ગયા હોય તેવી ફિલિંગ્સ થાય છે. જ્યારે યુવકોનું પણ એવું જ હોય, તેમને પણ લાગે છે કે સસરા કે સાળાઓ બરોબર માન નથી આપતા. આવા કારણોસર પ્રેમીમાંથી પતિ-પત્ની બનેલા કપલ એક-બીજાથી દૂર થતા જાય છે અને અંતે ના બનવાનું બને છે.

જો કે આજના યુવાનો વધુ સ્માર્ટ બન્યા છે. લગ્ન પછી કયા રિલેશનને કેટલું મહત્વ આપવું અને કોની અપેક્ષા પર ખરા ઉતરવુ તે લગ્ન પહેલા જ વિચારતા થયા છે. લવ મેરેજ કરનાર કપલ તો કદાચ એકબીજાની કે એકબીજાના પરિવારની મનસ્વી પરિસ્થિતિ બરોબર જાણતા હોય છે પરંતુ ખરી મુશ્કેલી એરેન્જ મેરેજ કરનાર કપલને હોય છે.

શિવાની અને ઉત્તમ બન્નેએ એરેન્જ મેરેજ કર્યા છે. તેમનું કહેવું છે કે અમારી સગાઇ ત્રણ મહિના જ રહી હતી. માટે એક બીજાને સમજવુ થોડું મુશ્કેલ હતું. ઉત્તમ કહે છે કે “મારા ભાભીની બહેન બિફૉર મેરેજ વિશેની માહિતી પર્સનલ ક્લાસ દ્વારા આપતા હતા. તે પચાસ વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા હતા માટે જીવનનો સારો અનુભવ હતો. અમને તેમની પાસેથી સારૃં શીખવા મળ્યુ જેણે અમારા લગ્નજીવનને વધુ મજબૂત બનાવ્યું. જો લગ્ન પહેલા આવી સારી વાતો શીખવા મળે તો નવા જીવનની શરૃઆત વધુ સારી રીતે કરી શકાય.”

યુવાનોનો આ નવો ટ્રેન્ડ થોડો હટકે છે, પરંતુ એવુ કહી શકાય કે આજના યુવાનો પણ પોતાના રિલેશન સાચવવા માટે ગંભીર બન્યા છે. જે એક સારી અને ચોક્કસથી નવી શરૃઆત છે.

You might also like