એરિઝોનામાં ‘રહસ્યમયી બગ’ના ડંખથી હાથ પર વિચિત્ર ઉઝરડા

 

અમેરિકાના એરિઝોનામાં એક વ્યક્તિને હાથ પર કોઇ રહસ્યમયી બગ (કીડો)એ ડંખ માર્યા બાદ વિચિત્ર પ્રકારનાં ઉઝરડા ઉપસી આવ્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાવ્યો છે. ૪૧ વર્ષીય થોમસ જે સાથે જ્યારે આ ઘટના બની ત્યારે તે પોતાના ઘરમાંથી કચરો એકઠો કરી બહાર કાઢી રહ્યો હતો. થોમસના જણાવ્યા પ્રમાણે, ‘કોઇ અજાણ્યા કીડાએ હાથ પર ડંખ માર્યાે કે તુરંત જ મને તીવ્ર દર્દનો અહેસાસ થવા લાગ્યો હતો. હાથ પર વેદના વધવા લાગી હતી.’ જેની પત્ની ડી પેટ્રોવના કહેવા મુજબ કીડાએ હાથ પર જ્યાં બટકું ભર્યું હતું તે ભાગ ધીમે ધીમે કાળો પડવા લાગ્યો હતો. શરૃઆતમાં જખમ નાનકડા વર્તુળાકારમાં ફેલાયો. ધીમે ધીમે તેનો ઘેરાવો વધતો ગયો હતો. થોડા જ કલાકોમાં તો તેના હાથની એવી દશા થઇ ગઇ કે ઇમરજન્સી કોલ કરવો પડ્યો હતો.’ જેને તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૃ કરવામાં આવી હતી. સારવારના શરૃઆતના દિવસોમાં જેને હાથ પર તીવ્ર ખંજવાળની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. કીડાએ ડંખ માર્યાે હતો તે હાથની કામ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો હોવાનું તેણે અનુભવ્યું હતું. જેની પત્ની પેટ્રોવે જણાવ્યું કે, ‘તેના પતિના માનવા પ્રમાણે કીડા જેવું જણાતું જીવડું કેમલ સ્પાઇડર (કરોળિયાની પ્રજાતિ) જણાતું હતું.’ જેની સારવાર કરી રહેલા ડૉક્ટરો ડંખ મારનાર કીડા વિશે ચોક્કસ નથી. તેઓ બાયોપ્સીનો રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર જેના હાથના ફોટા જોયા બાદ સ્થાનિક રહીશો દહેશતમાં છે.

You might also like