બ્રિટનમાં દરિયાકિનારે મોટી સંખ્યામાં ઓક્ટોપસ તણાઇ આવ્યા

બ્રિટનમાં દરિયાકિનારે મોટી સંખ્યામાં ઓક્ટોપસ તણાઇ આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયુ છે. ઓક્ટોપસ કેવી રીતે કિનારે તણાઇ આવ્યા તેનુ રહસ્ય અકબંધ છે. દરિયાકિનારે ઓક્ટોપસ જોવા નથી મળતા પરંતુ અચાનક આટલી મોટી સંખ્યામાં ઓક્ટોપસ કિનારે જોવા મળતા તંત્ર પણ વિમાસણમાં મુકાયુ છે. આવું શા માટે થયું તેનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. વેલ્સ કોસ્ટના સેરેડિજિયન બીચ પર સૌપ્રથમ ઓક્ટોપસ જોવા મળ્યા હતા. દરિયાકિનારે જોવા મળેલા આ ઓક્ટોપસ માત્ર ૨૦ ઇંચની જ લંબાઇ ધરાવે છે. મોટે ભાગે આ ઓક્ટોપસ દરિયાકિનારે જમીન પર જોવા મળે તેવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ કોઇ એક જ સ્થળે એક જ સમયે આટલી મોટી સંખ્યામાં ઓક્ટોપસ મળી આવવાથી દરિયાઇ જીવસૃષ્ટિના અભ્યાસુઓ માટે પણ આ ઘટના સંશોધનનો વિષય બની છે. સેરેડિજિયન બીચ પર ‘ડોલ્ફીન ટૂર’ ચલાવતા બ્રેટ સ્ટોન્સએ સૌપ્રથમ રાત્રે આ ઓક્ટોપસને જોયા હતા. બ્રેટ સ્ટોન્સે બીબીસીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘બીચ પર લગભગ ૨૫થી પણ વધુ સંખ્યામાં ઓક્ટોપસ હતા. મેં મારી જિંદગીમાં તેમને પાણીની બહાર પેટે ઘસડાતા આ રીતે ક્યારેય જોયા નથી.’ કર્લ્ડ ઓક્ટોપસને ખાતી એટલાન્ટિક કોડફિશની માછીમારી હમણાથી વધી છે. તે પણ ઓક્ટોપસની સંખ્યા વધવાનું કારણ હોઇ શકે તેવું નિષ્ણાતોનું માનવું છે. આમ છતાં દરિયાકિનારે આ જીવ કેવી રીતે તણાઇ આવ્યા તેનું સત્તાવાર કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બ્રેટના જણાવ્યા પ્રમાણે તે હાલમાં તો તેનાથી બનતા પ્રયાસ કરી રહ્યો છે અને આ ઓક્ટોપસને પાછા સમુદ્રમાં છોડવાના કામમાં લાગેલો છે.

You might also like