વતનપ્રેમીએ ઋણ અદા કર્યું: રફાળાને બનાવ્યું ગોલ્ડન વિલેજ

પિન્ક સિટીનું નામ પડે એટલે જયપુર, વ્હાઈટ સિટી એટલે ઉદેપુર અને ગોલ્ડન સિટીની વાત નીકળે એટલે જેસલમેરની યાદ આવે છે પણ હવે સૌરાષ્ટ્રમાં એક એવા ગામનું નિર્માણ થયું છે કે ગોલ્ડન વિલેજનું નામ પડે એટલે નાના એવા રફાળાને યાદ કરવું પડે. અનોખા એવા ગોલ્ડન ગામમાં લટાર મારીએ.

 

સૌરાષ્ટ્રનું બગસરા ગોલ્ડન પ્લેટેડ દાગીના માટે દુનિયાભરમાં વિખ્યાત છે. હવે આ બગસરાની બાજુમાં જ આવેલા એક ખોબા જેવડા ગામ રફાળાએ ગોલ્ડન વિલેજની એક નવી ઓળખ મેળવી છે. બગસરાથી આશરે નવ કિ.મી. દૂર આવેલા રફાળા ગામમાં પ્રવેશ કરતાંની સાથે જ કોઈ પણ દંગ રહી જાય તેવું આ ગામ બન્યું છે. સુરતમાં વસતા સુખીસંપન્ન લોકોએ તેમનાં વતન સૌરાષ્ટ્રનાં ગામોમાં સેવાકીય કાર્યો કરી ગામનું ઋણ ચૂકવ્યુ હોય તે હવે કોઈ નવી વાત નથી રહી. આવા અનેક દાખલાઓ ગામે ગામ જોવા મળે છે. પણ સુરતમાં વર્ષોથી રહેતા એક દેશભકત વ્યકિતએ પોતાનાં વતનની સૂરત બદલાવીને એક નવી ઓળખ આપવાનું સરાહનીય કામ કર્યુ છે.

માત્ર એક હજારની વસ્તી ધરાવતા રફાળા ગામે આજે આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. લોકો આ ગોલ્ડન વિલેજને જોવા માટે આવી રહ્યા છે. ગામની ફરતે કલાત્મક ચાર આકર્ષક ગેઈટ ઉભા કરી તેને શહીદો અને મહાનુભાવોનાં નામ અપાયા છે. સરદાર ગેઈટ, ગાંધી ગેઈટ, લાડલી ગેઈટ  એવા નામ અપાયા છે. ગામમાં પ્રવેશતાની સાથે જ સરદાર ગેઈટ આવે છે. પ્રવેશ જ એવો કલાત્મક અને આકર્ષક છે કે ગામમાં પ્રવેશ કરનાર આ ગામની શરૃઆત જ આટલી ભવ્ય છે તો ગામ કેવું હશે તેની કલ્પનામાં રાચવા લાગે છે. પ્રવેશદ્વાર પર દસ પરીઓની ભવ્ય સ્વાગત કરતી હોય તેવી કૃતિઓ મૂકવામાં આવી છે. બે ગજરાજ, ગુંબજ, તુલસી કયારો અને હાથમાં ભાલાઓ સાથે સૈનિકો ઉભા હોય તેવી રાષ્ટ્રવાદની થીમ સાથેનો કલાત્મક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે.

ગામમાં પ્રવેશ કરીને આગળ ચાલતા જ ક્રાંતિ ચોક આવે છે. દેશને આઝાદી અપાવનાર વીરોનાં નામ સાથેની માહિતી આ ચોકમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને યુવા પેઢીને એ યાદ અપાવવાની કોશિશ કરવામાં આવી છે કે દેશને આઝાદી અપાવવા માટે મોટું બલિદાન અપાયું છે. આગળ જતાં શહીદ ચોક બનાવવામાં આવ્યો છે. આ ચોકમાં દિલ્હીમાં અમરજયોતિ જે શહીદોની સદાય સ્મૃતિ કરાવે છે તેવી આબેહૂબ અમરજયોતિ અને નજીકમાં જ ઈન્ડિયા ગેઈટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણી બગસરાનાં વતની હતા એટલે તેમની યાદમાં એક પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે.

સાસરે ગયેલી દીકરીઓની યાદમાં બન્યું લાડલી ભવન

રફાળા ગામમાં સૌ કોઈનું ધ્યાન ખેંચે છે લાડલી ભવન. ગામની લાડલી દીકરી જયારે સાસરે જાય છે ત્યારે સાસરિયામાં ગમે તેટલું સુખ હોય પણ તે કયારેય તેના પિયરને અને તેની બચપણની યાદોને ભૂલી શકતી નથી. રફાળામાં એક એવું ભવન તૈયાર કરાયું છે કે આ ગામની જે દીકરી સાસરે ગઈ હોય તેના ફોટા અને તેના હાથનાં પંજાના નિશાનીવાળા ફોટા અહીં મૂકવામાં આવ્યા છે. દીકરી સાસરે જાય ત્યારે ઘરમાં તેની નિશાની રહે તે માટે દીવાલ પર થાપા મારે છે. આ રિવાજ આજે પણ ગામડામાં મોજુદ છે. આ યાદ જયાં સચવાઈ છે એ ભવનને સમયોચિત એવું લાડલી ભવન નામ આપવામાં આવ્યું છે. આ નામ જ તેની મહત્તા વધારે તેવું છે. આઝાદીથી અત્યાર સુધીમાં સાસરે ગઈ હોય તેવી આશરે ૪૦૦ દીકરીઓની તસવીર અને હાથનાં પંજાના નિશાન અહીં મૂકવામાં આવ્યા છે. સવાલ એ થાય કે ગામે ગામ દીકરીઓ પરણાવી હોય તો કેવી રીતે તસવીરો અને પંજાના નિશાન લીધા હશે. પણ આ કાર્ય માટે અમદાવાદ, સુરત, રફાળામાં ખાસ કેમ્પ રાખવામાં આવ્યા હતા અને ગામની દીકરીઓને મહેમાન તરીકે બોલાવીને આ કાર્ય કરાયું હતુ.

રાષ્ટ્રવાદની સાથે આધુનિકતાનાં પવનથી ગામ વંચિત ના રહે તે માટે આખા ગામને વાઈફાઈની સુવિધાથી સજજ બનાવવામાં આવ્યું છે. પાણીનાં બચાવ અને સ્વચ્છતાને ધ્યાને રાખીને ધોબી ઘાટ બનાવવામાં આવ્યો છે. એસી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને તેને નામ આપવામાં આવ્યુ છે પ્રસ્થાન કેન્દ્ર. શાળાને સરસ્વતી મંદિર નામ અપાવીને રિનોવેટ કરવામાં આવી છેે. ગામમાં રોડ સિમેન્ટનાં બનાવવામાં આવ્યા છે. ગામનાં સ્મશાનમાં મહિલાઓ માટે સત્સંગ હોલ બનાવવામાં આવ્યો છે. મહિલાઓમાં સ્મશાનનો ડર નીકળે તે હેતુથી હોલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આખા ગામને ગોલ્ડન કલરનો ટચ આપવામાં આવ્યો છે. કલર કંપની સાથે આ અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. આશરે ૩૦૦ બેરલ એટલે અંદાજે ૯૦૦૦ હજાર લીટર ગોલ્ડન કલર વાપરવામાં આવ્યો છે. આશરે છ મહિનાની જહેમત બાદ આ ગોલ્ડન વિલેજ તૈયાર કરવામાં આવ્યું છે.

અનોખુ પિતૃ તર્પણ

આજે જયારે શહેરીકરણનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે લોકોને ફરી એક વાર ગામડાઓ તરફ વાળવા રફાળા એક મિશાલ બની રહ્યું છે. સુરતનાં ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયાએ વતન રફાળાને ગોલ્ડન વિલેજ બનાવવા માટે આજથી લગભગ વીસેક વર્ષ પહેલા વિચાર કર્યો હતો. બે દાયકા પહેલાં સેવેલું સપનું આજે સાકાર થયું છે. રફાળા ગામની સૂરત બદલવાનો આ વિચાર કેવી રીતે આવ્યો તેની પાછળ પણ રસપ્રદ વાત છે. સવજીભાઈ અભિયાનને કહે છે, મારા દાદા મોહનભાઈ ડાયાભાઈ વેકરિયા રફાળા ગામનાં વીસેક વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. તેઓ સતત ગામનાં વિકાસની ચિંતા કરતા હતા. દાદા મોહનભાઈનું અવસાન થયું ત્યારે તેમની ઈચ્છા મુજબ અમે પરિવારનાં સભ્યોએ તેમની પાછળ દાડો અને જે ધાર્મિક વિધિ થતી હોય છે તે કરી ન હતી, પણ અમને સતત એમ રહ્યા કરતું હતું કે દાદાનો આ ગામ પ્રત્યે જે લગાવ હતો તેને ધ્યાનમાં રાખીને ગામનાં વિકાસ માટે કંઈક કરવું છે. દાદાની હયાતીમાં જ અમે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. તેના નેજા હેઠળ જ આસપાસનાં વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃતિઓ વર્ષોથી કરવામાં આવે છે. શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. ધીરે ધીરે આ ટ્રસ્ટનો વ્યાપ વધાર્યો અને ગામને ગોલ્ડન વિલેજ બનાવવાનું વિચાર્યુ હતું. આજે રફાળા ગોલ્ડન વિલેજ બનતાં અમારો સંકલ્પ સિદ્ધ થયો છે. મોરારિબાપુનાં હસ્તે સરદાર પટેલની જન્મજયંતિએ તા. ૩૧ ઑકટોબરે એક ખાસ કાર્યક્રમ રખાયો હતો. તેઓ કહે છે, રફાળામાં મેં પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને વીસેક વર્ષની ઉંમરે રફાળા છોડીને સુરત કામધંધા માટે આવ્યો હતો. સુરત આવ્યા તેને ત્રણ દાયકા થઈ ગયા પણ વતન ભૂલાતું નથી જેટલું શકય હોય તેટલું ગામ માટે કરવાની નેમ છે.

અમરેલી જિલ્લાનું આ એક નાનું ગામ છે. એક સમય હતો કે અમરેલીમાં જયારે અમે જઈએ અને કોઈ પૂછે કે કયા ગામના? તો રફાળા કહીએ ત્યારે કોઈ આ ગામને ઓળખતું ન હતું. ત્યારે જ વિચાર આવતો હતો કે જયારે તક મળે ત્યારે રફાળા ગામના નામને દુનિયા ઓળખે તેવું કંઈક કરવું છે અને આજે એ સપનું સાકાર થયું છે તેનો આનંદ છે. આ કોઈ એક વ્યકિતનું કામ નથી. ગામનાં તમામ લોકોના સહયોગથી આ શકય બન્યું છે. ગામનાં લોકો જેઓ સુરત વસે છે તેઓએ સચ્ચિદાનંદ યુવક મંડળ બનાવ્યું છે. આ મંડળના ૮૦ જેટલા યુવાનોએ મહેનત કરી છે. આ મંડળના યુવાનો પંદર પંદર દિવસ સુધી ગામમાં રોકાયા છે. આમ સહિયારા પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે ગામની સિકલ બદલાઇ ગઈ છે.

You might also like