અભિયાનઃ પંચામૃત – ભૂપત વડોદરિયા

પહેલાં તમારી જાતને ક્ષમા આપો

કેટલાક માણસો એટલા બધા ભારેખમ અને ગંભીર બની જાય છે કે તેમને જીવવાની મજા જ આવતી નથી. ગંભીરતા હોવી જોઈએ પણ ગંભીરતાનું પ્રમાણ એકદમ વધારી દેવામાં આવે અને પ્રસન્નતાની માત્રા એકદમ ઘટાડી દેવામાં આવે તો પછી જિંદગી જીવવાની મજા આવે નહીં. જિંદગી એક ગંભીર દફ્તરી કારોબાર બની જાય અને એમાંથી ખરેખર કશું જ નીપજે નહીં.

વધુ પડતી ગંભીરતા અને વધુ પડતું ભારેખમપણું પ્રબળ અહંભાવથી ઉદ્ભવે છે. સ્વમાન સારી વાત છે, પણ તેને ફુગ્ગાની જેમ ફુલાવીને જબરા અહંકારમાં ફેરવી નાખવામાં આવે ત્યારે માણસને ડગલે ને પગલે ઠોકર વાગવાનો અનુભવ થાય છે. કોઈકે અહંવાદી ‘ઇગોઇસ્ટ’ની વ્યાખ્યા એવી કરી છે કે અહંવાદી એટલે એક એવો માણસ જે એમ માને છે કે હું આ દુનિયામાં જન્મ્યો ન હોત તો લોકોના અચંબાનો પાર રહ્યો ન હોત કે હું કેમ હજુ જન્મ્યો નથી! માણસનો આ અહંકાર અનેક જબાનમાં બોલે છે. એક પ્રૌઢ બુદ્ધિશાળી માણસ પ્રશ્ન કરે છે કે આમ તો બધું સારું છે, પણ એક પ્રશ્ન મને ચેન પડવા દેતો નથી. મૃત્યુ પછી મારું શું થશે? મારો જીવ કેવી ગતિ પામશે? હું ક્યાંક જન્મ લઈશ કે પછી હરિનાં ચરણોમાં સ્થાન પામીશ? બીજું તો ઠીક, હું કીડી-મંકોડાનો જન્મ તો નહીં પામું ને?

આ સવાલો એટલા બધા ગંભીર અને ગૂઢ છે કે કોઈ પણ માણસ નિરુત્તર રહી જાય. પણ આવો પ્રશ્ન કરનાર સમજદાર માણસને કોઈ સામો પ્રશ્ન જરૃર કરી શકે કે ભલા માણસ, આવો ઊંચો લાંબો હનુમાન-કૂદકો શું કામ મારો છો? મૃત્યુ પછી શું થશે તેની આટલી બધી ચિંતા શું કામ કરો છો? તમને જ કોઈ એવો પ્રશ્ન કરે કે તમે આ પૃથ્વી ઉપર જન્મ પ્રાપ્ત કર્યો તે પહેલાં ક્યાં હતા? તમે અહીં જન્મ્યા એ પહેલાં શું હતા? માણસ હતા-દેવ હતા-હાથી હતા કે ઘોડા હતા? આવો પ્રશ્ન આપણે કદી વિચારતા નથી. માત્ર પ્રબળ અહંકારથી પીડાતો માણસ જ અહીં જીવવાનું બંધ કરીને પૂર્વજીવનના પ્રશ્નાર્થોમાં ભૂલા પડવાનું પસંદ કરે.

કેટલાક માણસો દરેક બાબતમાં ચીકાશ કર્યા કરે છે અને ઝીણું ઝીણું કાંત્યા કરે છે. પછી જિદંગીનો સાચો તાર જ તેમને દેખાતો નથી. નાની નાની વાતોનું પિષ્ટપિંજણ કર્યા જ કરે છે. પોતાના દરેક કાર્યને સૂક્ષ્મદર્શક યંત્ર મૂકીને જૂએ છે. નાની નાની વાતોમાં પસ્તાયા કરે છે. પ્રસંગ વીતી ગયો, વાત પતી ગઈ- પણ તેનું પૃથક્કરણ કરવામાંથી એ ઊંચા આવતા જ નથી. તેમને એટલો ખ્યાલ આવતો નથી કે એમની આ ચેષ્ટામાં જિંદગીના શાંત જળને અકારણ ડહોળીને નીચે બેસી ગયેલા કાદવને સપાટી પર લઈ આવવા જેવું જ પરિણામ નીપજી શકે. આવા માણસો સતત પોતાના ભૂતકાળ વિશે પસ્તાવો કર્યા જ કરે છે. જીવતો માણસ ઠોકર પણ ખાય. તેને ધક્કો પણ વાગે. ક્યારેક ઈજા પણ થાય અને પોતે પણ જાણે-અજાણ્યે કોઈને ધક્કો મારી બેસે કે ઈજા કરી બેસે, માણસ પોતાના જ હાથે પોતાના સ્વજનને હાનિ પહોંચાડી બેસે એવું પણ બને છે. તે માટે તેને દુઃખ થાય- પસ્તાવાની લાગણી થાય તે સ્વાભાવિક છે. પણ સાચો પસ્તાવો તો માણસ પોતાની જાતને બદલવાનો, સુધારવાનો સંકલ્પ કરે તે જ છે. પસ્તાવાની ચેષ્ટા કરીને માત્ર પોતાની જ ઉપર દયા ઢોળ્યા કરે તેનો શું અર્થ? આવો માણસ વારંવાર ઇશ્વરને સાદ પાડ્યા કરે છે. હે પ્રભુ! તું તો બધું જૂએ છે ને? મને માફ કરી દે! ભલા માણસ! ઇશ્વર તમારી અંદર જ છે અને તમારા જ પસ્તાવાને તમે ઇશ્વર વતી સ્વીકારી લો અને આ બાબતને ત્યાં જ પતાવી દો અને નવાં નવાં તપાસપંચના ચક્કરમાં ન પડો. તમે પોતે પહેલા તમારી જાતને ક્ષમા આપવા તૈયાર થાવ- પછી ઇશ્વર તેની પર ક્ષમાનો શેરો મારી દેશે. એક ખોટું કામ થઈ ગયું તેનો માત્ર પસ્તાવો કરવાથી ખોટું કામ તો સુધરી જતું નથી. બે સારાં કામ કરીને માણસ એક ખોટા કામનો ડાઘ ધોઈ શકે છે.

એક મિત્રે હમણાં કહ્યું કે હું રોજ શિવજીને પ્રાર્થના કરું છું કે મને અંશભાર પણ તેમના જેવું ભોળપણ આપે. શિવજીમાં ક્યાંય ડંખ નથી. હું કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું છું કે મને તેમના જેવી અંશભાર પણ પ્રેમ કરવાની શક્તિ આપે અને ખાસ તો એમના જેવી થોડી મસ્તી-શરારત પણ મને આપે!

———————–.

લેખકકશ્રીના પસંદ કરાયેલા નિબંધોને પાંચ પુસ્તકોના સેટમાં પ્રકાશિત કરેલા છે.

જેમાં ‘પ્રેમ’ – ‘માનવતા’ – ‘આશા નિરાશા’ – ‘ધર્મ શ્રદ્ધા’ અને ‘સંબંધ’ પુસ્તકોમાં વર્ગીકૃત કરેલા લેખોનો સંગ્રહ છે.

You might also like