પેરેડાઇઝ પેપર્સમાં સંડોવાયેલા ભારતીયો સામે કાર્યવાહી થશે?

 

પેરેડાઇઝ પેપર્સના નામે જાહેર થયેલા દસ્તાવેજોએ ભારત સહિત દુનિયાભરમાં હલચલ મચાવી છે. આ અગાઉ પનામા પેપર્સે પણ આવી હલચલ મચાવી હતી. બિનહિસાબી નાણાને ટેક્સ-હેવન ગણાતા દેશોની બેન્કોમાં રાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ વિશ્વભરના ધનકુબેર લોકોમાં સમાન પ્રકારે હોવાનું અનુભવાય છે. સૌ પ્રથમ ૨૦૧૦માં વિકિલિક્સ દ્વારા સંવેદનશીલ તારની વિગતો જાહેર કરવામાં આવી ત્યારે વિશ્વ ચોંકી ગયું હતું. અલબત્, તેમાં આર્થિક ગોલમાલ કે કૌભાંડની વાતો કરતા સંરક્ષણ અને ડિપ્લોમેટિક જેવી સંવેદનશીલ બાબતોની વિગતો વધારે હતી. ૨૦૧૫માં પનામા પેપર્સ નામે દસ્તાવેજો જાહેર થયા એ બધા માત્રને માત્ર નાણાકીય ક્ષેત્રને લગતા હતા.  ૨૦૧૫માં એક અજ્ઞાત સ્ત્રોતે જર્મન અખબાર જ્યુડ ડૉયચ સાઇડૂંગનો સંપર્ક કર્યો હતો અને પનામાની કાનૂની સેવા આપતી પેઢી મોસાકા ફોન્સેકાના એન્ક્રીપ્ટેડ દસ્તાવેજો આપ્યા હતા. તેમાં વિશ્વના ૧૨૦થી વધુ રાજકારણીઓ, અધિકારીઓ, અસંખ્ય અબજોપતિઓ અને ખેલાડીઓના નામો હતા. પાકિસ્તાનના નવાજ શરીફને આ દસ્તાવેજો જાહેર થવાના કારણે જ વડાપ્રધાનપદ ગુમાવવું પડ્યું. હવે પેરેડાઇઝ પેપર્સના નામે દસ્તાવેજો જાહેર થયા છે. તેમાં વિશ્વના ૧૮૦ દેશોના લોકોએ કરચોરી માટે વિદેશમાં કાળું નાણું છુપાવવા માટે ટેક્સ-હેવન દેશોમાં કરેલા રોકાણ સાથે સંકળાયેલી કુલ ૧.૩૪ કરોડ ફાઇલો છે. આ ફાઇલોમાં ભારત સહિત અન્ય અનેક દેશોના વગ ધરાવતા લોકોના નામો સામેલ છે. તેમાં બ્રિટનના રાણી એલિઝાબેથ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક પ્રધાન અને ભારતના કેટલાક પ્રધાનોના નામો સહિત અનેક સેલિબ્રિટીના નામો છે. આ માહિતીને સૌપ્રથમ જર્મનના એક અખબારે મેળવી અને એ પછી ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટની ટીમે તેની તપાસ શરૃ કરી, આ દસ્તાવેજો જાહેર કર્યા છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી પેરેડાઇઝ પેપર્સમાં ૭૧૪ ભારતીયોના નામ છે અને ૧૮૦ દેશોમાં ભારત ૧૯મા નંબરે છે. જો કે આ દસ્તાવેજોને લગતા બીજા ૪૦ રિપોર્ટ્સ આવવાના બાકી છે. પેરેડાઇઝ પેપર્સમાં મોટી સંખ્યામાં લીક થયેલા દસ્તાવેજો છે, તેમાં મોટાભાગના દસ્તાવેજ બરમૂડાની ઑફશોર કાનૂની ફર્મ એપલબી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત સિંગાપુરની કંપની એશિયા સિટી ટ્રસ્ટ અને કરચોરો માટે સ્વર્ગ ગણાતા ૧૯ દેશોમાં નોંધાયેલ કૉર્પોરેટ કંપનીઓ અંગેના એક કરોડ ૩૪ લાખ દસ્તાવેજો છે. એપલબી કંપની ૧૧૯ જૂની છે. એ વકીલો, એકાઉન્ટન્ટ્સ, બેન્કર્સ અને અન્ય લોકોના નેટવર્કની એક સભ્ય કંપની છે. આ નેટવર્કમાં પોતાના ગ્રાહકો માટે વિદેશમાં કંપનીઓ સ્થાપિત કરનાર અને તેમના બેન્ક એકાઉન્ટ્સ સંભાળનાર લોકો પણ સામેલ છે, જે તેના ગ્રાહકોને નાણાકીય બાબતોની સલાહ પણ આપે છે. નાણાના રોકાણ માટે દુનિયાભરના લોકો અને કંપનીઓ તેની સેવા લેતી હતી. ઑફશોર કંપનીઓ એવી કંપની હોય છે જે કોઇ અન્ય દેશમાં હોય અને ત્યાં જ મોટા ભાગનો બિઝનેસ કરે છે. તેનો સીધો હેતુ કર બચાવવાનો હોય છે. આ ઑફશોર કંપનીઓની કાયદેસરતા હંમેશ વિવાદાસ્પદ રહી છે. તેના બચાવમાં આ કંપનીઓ ગેરકાનૂની નથી એવી દલીલ કરવામાં આવે છે. દુનિયાભરમાં નાણાની લેવડદેવડના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો દાવો ઑફશોર ફાઇનાન્સિયલ સેન્ટર દ્વારા કરવામાં આવે છે.

પેરેડાઇઝ પેપર્સમાં જે ભારતીયોના નામો ખૂૂલ્યાં છે તેમાં વિજય માલ્યા, ડૉ. અશોક સેઠ, નીરા રાડિયા, આર. કે. સિંહા, જયંત સિંહા તેમજ ભારતીય કંપનીઓ ફિટ્જી, હેવેલ્સ, જીએમઆર, હિન્દુજા ગ્રૂપનો સમાવેશ થાય છે. ભારતીય બેન્કોની લોનોના નાણા ભરપાઇ કર્યા વિના વિદેશ ચાલ્યા ગયેલા વિજય માલ્યાની કંપની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ ઇન્ડિયાએ ડિયાજિયો ગ્રૂપને ૨૦૧૩માં ખરીદી લીધા બાદ બ્રિટિશ વર્જિન આયલૅન્ડ્સ સ્થિત કંપની અને યુકેની ત્રણ સબસિડિયરી કંપનીઓ મારફત દોઢ અબજ ડોલરનું દેવું માફ કરાવ્યું હતું. ફોર્ટિસ-એસ્કોર્ટસ હૉસ્પિટલના ચેરમેન અશોક સેઠને પેરેડાઇઝ પેપર્સના દસ્તાવેજો અનુસાર સ્ટેન્ટ બનાવનારી સિંગાપુરની એક કંપનીએ ૨૦૧૪માં તેના શેર આપ્યા હતા. તેના બદલામાં સેઠે દર્દીઓને આ કંપનીના સ્ટેન્ટ મુકાવવાની સલાહ આપી. અશોક સેઠને પદ્મશ્રી અને પદ્મભૂષણ ખિતાબ મળેલા છે. સંજય દત્તની પત્ની માન્યતા (દિલનશીં)નું નામ પણ તેમાં છે. તે સંજય દત્તની પ્રોડક્શન કંપનીમાં બોર્ડની સભ્ય છે. આ ઉપરાંત તે બીજી અનેક કંપનીના બોર્ડમાં છે. કૉંગ્રેસી નેતા વીરપ્પા મોઇલીના પુત્ર હર્ષ મોઇલીનું નામ પણ પેરેડાઇઝ પેપર્સમાં આવ્યું છે.

ભારતમાં પરિસ્થિતિ એવી છે કે પનામા પેપર્સમાં જાહેર થયેલા ભારતીયો સામે કોઇ તપાસ કે પગલાં લેવાયા હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. જ્યારે પાકિસ્તાનમાં આ જ પ્રકરણમાં કોર્ટમાં નવાજ શરીફ સામે કેસ ચાલ્યો અને તેમને વડાપ્રધાનપદ છોડવું પડ્યું છે. પેરેડાઇઝ પેપર્સમાં જાહેર થયેલા ભારતીયો અને ભારતીય કંપનીઓ સામે શું પગલાં લેવાય છે તેનો ઇંતેજાર રહેશે.

You might also like