અભ્યારણ્યમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો…

વાઘોના સંરક્ષણ માટે જાણીતા અભ્યારણ્ય જિમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજાજી ટાઇગર રિઝર્વ પાર્ક પ્રવાસીઓમાં અનેરુ આકર્ષણ ધરાવે છે. મુલાકાતીઓ મોટી સંખ્યામાં આ બંને અભ્યારણ્યની મુલાકાત લેતા હોય છે. જોકે, હવે મુલાકાતીઓ આ નેશનલ પાર્કમાં રાતવાસો પણ કરી શકશે. અગાઉ નિયત સમય દરમિયાન અભ્યારણ્યની મુલાકાત લેવી પડતી હતી. જોકે, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનાથી આ અભ્યારણ્યમાં પ્રવાસીઓને રાત્રિરોકાણની સવલત પણ પૂરી પાડવામાં આવશે. જિમ કોર્બેટ નેશનલ પાર્ક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ઝિરના, ઢેલા અને ઢિકાલા. ઝિરના અને ઢેલા ઝોન પ્રવાસીઓ માટે વર્ષ દરમિયાન ખુલ્લો રહે છે, જ્યારે ઢિકાલા ઝોન જૂન મહિનાથી નવેમ્બર મહિના સુધી બંધ થઇ જાય છે અને સાથે જ નેશનલ પાર્કમાં બધાં જ ઝોનમાં આવેલાં ગેસ્ટ હાઉસ પણ છ મહિના માટે બંધ થઇ જાય છે. જોકે, હવે બધાં ગેસ્ટ હાઉસને આખા વર્ષ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડાં દિવસો અગાઉ કર્ણાટકના નગરહોલ નેશનલ પાર્કમાં જંગલ સફારી દરમિયાન વનન્યજીવોને હેરાનગતિ થવાની વાત પ્રકાશમાં આવી હતી. સંરક્ષિત વિસ્તારોમાં પણ પ્રવાસીઓ વન્યજીવોને રંજાડતા હોવાની વાતને લઇને જંગલ સફારીની સંખ્યામાં અને સમયમાં ઘટાડો કરવાની વાત કર્ણાટક સરકારે કરી હતી. જ્યારે બીજી તરફ જિમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજાજી નેશનલ પાર્કમાં પ્રવાસીઓ માટે સુવિધા ઊભી કરવાની વાત સ્વાભાવિક રીતે આનંદ પમાડે એવી છે.

You might also like