વિજયંત બિજાલી ટેન્કના આવા હાલ?

સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર આપણે ત્યાંં પરેડનું આયોજન કરવામાં આવે છે અને આ પરેડ દરમિયાન ભારતની સૈન્ય શક્તિ અને ટેકનોલૉજીનું પ્રદર્શન કરવામાં આવે છે. દેશની સુરક્ષામાં જેટલું મહત્ત્વ સૈન્યનું છે, એટલું જ મહત્ત્વ યુદ્ધમાં વપરાતા શસ્ત્રો તથા અસ્ત્રોનું પણ છે અને તેથી જ તે આપણી મહામૂલી વિરાસત પણ છે. જોકે, આ વિરાસતનો ઉપયોગ કેટલીકવાર કપડાં સૂકવવા માટે પણ થાય એવું બનતું હોય છે.

મહારાષ્ટ્રના અહેમદનગર રેલ્વે સ્ટેશનની બહાર પ્રદર્શનમાં મૂકવામાં આવેલી વિજયંત બિજાલી ટેન્કની સુરક્ષા માટે બનાવેલી વાડ અને જગ્યાનો ઉપયોગ આસપાસના રહેવાસીઓ કપડાં સૂકવવા માટે કરી રહ્યા છે. વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની સાક્ષી રહેલી આ ટેન્કને ભારતીય સૈન્યએ વર્ષ ૨૦૦૮માં સેવા નિવૃત્ત જાહેર કરી હતી. ત્યારબાદ આ ટેન્કને અહેમદનગર રેલ્વે સ્ટેશન બહાર જાહેર જનતા માટે પ્રદર્શનીમાં મૂકવામાં આવી હતી. આ રીતે ટેન્ક પ્રદર્શનીમાં મૂકવાનો આશય આપણા વારસાની જાળવણીનો અને લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને સતત ઉજાગર કરતા રહેવાનો હોય છે. જોકે, તંત્ર દ્વારા સેવાઇ રહેલી ઉપેક્ષાને પગલે ટેન્ક હવે રાષ્ટ્રીય વારસો ન બની રહેતાં સામાન મૂકવાનું અને કપડાં સૂકવવાનું સ્થાન બની ગયું છે. આ એ જ અહેમદનગર રેલવે સ્ટેશન છે, જેણે દેશમાં સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

You might also like