બોલિવૂડમાં બાયોપિકનો દૌર

બોલિવૂડમાં એક નવા જ દૌરની શરૃઆત થઇ છે. કાલ્પનિક વાતોથી આગળ વધીને હવે બોલિવૂડમાં નામી વ્યક્તિ કે તેમના જીવનમાં બનેલી મહત્વની ઘટનાઓ પર ફિલ્મો બની રહી છે. તો બીજી બાજુ એવું પણ લાગી રહ્યું છે કે, હવે ફિલ્મી રસિયા ધીમે-ધીમે કલ્પનાની દુનિયાથી વિશેષ કંઇક ઓરિજનલ જોવાનું પસંદ કરે છે.

 

 બોલિવૂડમાં બાયોપિકની વાત આવે એટલે અક્ષયકુમારને યાદ કર્યા વગર ના ચાલેે ૨૦૧૬નું વર્ષ બાયોપિક ફિલ્મો અને અક્કીના નામે રહ્યુ. આ સમયે દંગલ, એમ.એસ ધોની, ધ-અનટોલ્ડ સ્ટોરી અને નીરજા જેવી ફિલ્મો હતી તો બીજી બાજુ અક્ષયની એરલિફ્ટ, હાઉસફૂલ-૩ અને રૃસ્તમે તેના ચાહકોને નવા જ ટેસ્ટની મજા આપી હતી. જ્યારે ૨૦૧૮ પણ અક્ષયના ચાહકો માટે સારી રહેશે. અક્કી એેક બે નહીં પરંતુ ત્રણ બાયોપિક કરવા જઇ રહ્યો છે. જેમાં ટી-સિરિઝના ગુલશનકુમાર પર બનનારી મોગલ ફિલ્મ, હોકીના દિગ્ગજ બલવીરસિંહ પર બનનારી ગોલ્ડ ફિલ્મ અને ગ્રામીણ ભારતમાં સેનેટરી પેડ ક્રાંતિ લાવનારા અરૃણાચલમ મુરૃગનથમના જીવન પર આધારિત પેડમેનનો સમાવેશ થાય છે. આ જોતાં સ્પષ્ટ થાય છે કે માત્ર અક્ષય જ નહીં પરંતુ સમગ્ર બોલિવૂડ બાયોપિક તરફ પ્રયાણ કરી રહ્યું છે આવુ કેમ બની રહ્યુ છે.

આ વિશે દંગલ અને શાહીદ જેવી બાયોપિક ફિલ્મોના નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂર પોતાનુ મંતવ્ય રજૂ કરતા કહે છે કે, આજે આપણે એવા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ જ્યાં ઓરિજિનલ હીરોની શોધ જાણે કે જરૃરી બની ગઇ છે. અત્યાર સુધીમાં આપણી આજુબાજુ જે પણ કેરેક્ટર રહ્યા છે તે કાં તો કાલ્પનીક છે અથવા તો કોઇને કોઇ રીતે દાગી સાબિત થયા છે. તેવા સમયે સમાજ માટે કંઇક કરી છૂટ્યા હોય તેવા રીલ હીરો કરતા રિયલ હીરોને મળવુ દર્શકોને પસંદ પડે છે. માટે જ આજે બોલિવૂડમાં બાયોપિકનો દૌર શરૃ થયો છે તો વળી દર્શકો પણ પૂરી મોકળાશથી આવી ફિલ્મોને વધાવી રહ્યા છે. ભાગ મિલ્ખા ભાગથી લઇને મેરીકોમ, દંગલ, એમ. એસ.ધોની, નીરજા અને ડૈડી જેવી ફિલ્મો તેના ઉત્તમ ઉદાહરણ છે. દંગલે ૨ હજાર કરોડ જેટલી કમાણી કરી એટલું જ નહીં ચીનમાં પણ તેની કમાણી ૧૨૦૦ કરોડ પાર થઇ છે. બન્ને દેશોમાં પરિવારની રચના અને મહિલાઓની સ્થિતિ લગભગ સરખી જ છે જેના કારણે આ ફિલ્મને રેકોર્ડબ્રેક લોકોએ પસંદ કરી માટે જ એવું કહેવુ સહેજ પણ અતિશ્યોક્તિભર્યું નહીં કહેવાય કે દંગલની અધધ કમાણી જોતા બોલિવૂડમાં બાયોપિકનો સૂર્યોદય થયો છે. હાલમાં બોલિવૂડમાં આવી બાયોપિક કહી શકાય તેવી ડઝનથી વધુ ફિલ્મો બની રહી છે જે માત્ર જાણીતી બોલિવૂડ હસ્તી કે ખેલમાં મહારથી હોય તેવા જ કેરેક્ટર છે તેવું નથી આ ફિલ્મોની યાદીમાં સામાન્ય જીવનના નાયકો પણ છે.

બોલિવૂડ કલાકારોની વાત કરીએ તો સંજય દત્તના જીવન પર રાજુ ઇરાની ફિલ્મ બનાવી રહ્યા છે. જ્યારે કિશોર કુમારના જીવનને અનુરાગ બાસુ પડદા પર ઉતારવાના છે. આ બન્ને ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં રણબીરકપૂર જોવા મળશે. તો વળી ખેલ-કુદની વાત કરીએ તો

પી. વી. સિંધુ, સાઇના નેહવાલ, કપિલ દેવ અને બલવીરસિંહ સિનિયરના જીવન પર ફિલ્મો બની રહી છે. આ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ, રાણી પદ્મિની પર પદ્માવતી અને ઝાંસીની રાણી પર મણિકર્ણિકા બની રહી છે જેમાંથી પદ્માવતી તો રજૂ થવાની તૈયારીમાં છે. જ્યારે અવકાશ યાત્રી રાકેશ શર્મા પર બની રહેલી બાયોપિકમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જોવા મળશે. ગણિતજ્ઞ અને સુપર-૩૦ના સંસ્થાપક આનંદકુમાર પર બની રહેલી ફિલ્મમાં રીતિક જોવા મળશે. એવી જ રીતે નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી  પર બની રહેલી ફિલ્મ ઝલકીમાં બોમન ઇરાની જોવા મળશે. તો કુખ્યાત આતંકી ઉમર શેખના જીવન પર હંસલ મહેતા ફિલ્મ બનાવી રહ્યા છે.

બોલિવૂડ અને ક્રિકેટ દરેકના જીવનને સ્પર્શે છે જેથી તેના પર બનતી ફિલ્મોને દર્શકો વધુ પસંદ કરે છે. છતાં પણ એક બાજુ જ્યાં એમ. એસ. ધોની અને ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મો સફળ થઇ રહી છે ત્યાં બીજી બાજુ સચિન ધ બિલિયન ડ્રીમ્સ અને અઝહર જેવી ફિલ્મો પ્રેક્ષકોની ઉમ્મીદ પર ખરી નથી ઉતરી શકી. અઝહર ફિલ્મે ૩૩.૦૩ કરોડની કમાણી કરી તો સચિને ૫૦.૮૯ કરોડની કમાણી કરી. જેના કારણે એવા નિર્માતાઓ જે ખેલાડીઓના જીવન પર ફિલ્મો બનાવી રહ્યા છે તે ચોક્કસથી નિરાશ થયા છે.

ધીમે-ધીમે લેખક અને નિર્માતા એવા નાયકોેને શોધી રહ્યા છે જેને ઓછા લોકો જાણે છે અથવા એવું કહી શકાય કે કામની તુલનામાં તેમને પ્રસિદ્ધિ ઓછી મળી છે. મેરીકોમ અને નીરજા જેવી ફિલ્મોની પટકથા લખી ચૂકેલા સાઇવિન ક્વાઇડસનું માનવું છે કે, કાલ્પનિક સ્ટોરીની તુલનામાં સત્ય પર રજૂ થતી સ્ટોરી ઘણી મહત્વની હોય છે. જ્યારે સામાન્ય માણસના જીવનમાં ડોકિયું કરવામાં આવે ત્યારે જ ખબર પડે છે કે તેણે કેટલી મુસીબતોનો સામનો કરી શિખર સર કર્યુ છે. બાયોપિક ફિલ્મ હોય એટલે સારી કમાણી કરી આપશે તેવું માનવુ અયોગ્ય છે એમ વિચાર રજૂ કરતા મહેતા કહે છે કે બાયોપિક સામાન્ય માણસના જીવનને રજૂ કરે છે. સારી વાત દર્શકો સુધી પહોંચાડી છે તેવી ખુશી અમને રહે છે. બોલિવૂડમાં માત્ર એકની એક જ સ્ટોરી રજૂ થાય છે તે વાત બાયોપિક દ્વારા નિરર્થક સાબિત થાય છે. મહેતાની શાહીદ ફિલ્મ વકીલ શાહીદ આઝમી પર આધારિત હતી જે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાંથી હાંકી કાઢવામાં આવેલા સમલૈંગિક પ્રોફેસર રામચંદ્ર સિરાસ પર રજૂ થઇ છે. જ્યારે તેમની રજૂ થનારી ફિલ્મ ઉમર શેખ આતંકી પર છે. બંનેના પાત્ર લગભગ સરખા છે પણ એક પાત્ર માણસાઇ માટે લડે છે જ્યારે બીજુ પાત્ર હિંસા માટે. એક ફિલ્મ નિર્માતા હોવાના નાતે બતાવી શક્તુ કોણ સાચું અને કોણ કોણ ખોટું છે કારણ કે બંને પાત્રને પોતાનુ કામ સાચું લાગતુ હોય છે. આવી વાતને પ્રેક્ષક સમક્ષ રજૂ કરવી સહેલી હોતી નથી. મહેતાના વિચારો આટલેથી અટકતા નથી. તેમનું માનવુ છે કે દરેક વખત એક નવી સરકાર આવે છે અને જે ઇતિહાસના નવા રૃપને આપણી સમક્ષ દર્શાવે છે. આ ઇતિહાસમાં હંમેશાં વિજયી સમ્રાટ, રાજા, નેતાઓ અને તેમની વાર્તાઓ આધારિત જ હોય છે. પરંતુ હકીકતમાં સાચો ઇતિહાસ સામાન્ય માણસોના જીવનથી જ બનતો હોય છે.

વિશ્લેષકોનું માનવુ છે કે બાયોપિક ફિલ્મોથી સાચો લાભ તો કલાકારોને થાય છે. કારણ કે તેમાં તેમને પોતાની અભિનય ક્ષમતાની રજૂઆત કરવાનો પૂરો મોકો મળે છે. સંજય દત્ત પર બની રહેલી ફિલ્મમાં સંજયને ભગવાન હોય તેવી રીતે રજૂ કરવામાં આવ્યો છે. જે પરથી એવું લાગી રહ્યુ છે કે સંજય દત્તના સારા પાસાને જ આ ફિલ્મ ઉજાગર કરશે. હવે રણબીર કપૂર કેવો ન્યાય આ ફિલ્મને આપે છે તે તો સમય જ બતાવશે. પરંતુ આ ઉપરાંત બાયોપિકની હોડમાં અક્ષય કુમાર, રીતિક રોશન, કંગના રાણાવત, શ્રદ્ધા કપૂર જેવા અનેક કલાકારો છે જે પોતાનું બેસ્ટ આપવા થનગની રહ્યા છે છતાં પણ એ તો માનવુ જ પડશે કે બાયોપિક અવૉર્ડ ફંકશનમાં જરૃર છવાઇ જાય છે.

 

આવી રહી છે આ બાયોપિક

સંજ્ય દત્ત      (અભિનેતા)     રણબીર  કપૂર

ઉમર શેખ      (આતંકવાદી)   રાજકુમાર રાવ

મનમોહનસિંઘ  (પૂર્વ પ્રધાનમંત્રી)       અનુપમ ખેર

સાઇના નેહવાલ (બેડમિંટન ખેલાડી)     શ્રદ્ધા કપૂર

બલવિરસિંહ સિનિયર   (હોકી ખેલાડી)  અક્ષયકુમાર

ગુલશન કુમાર  (ટી સિરિઝના સંસ્થાપક)         અક્ષય કુમાર

ઝાંંસીની રાણી (ઐતિહાસિક પાત્ર)      કંગના રાણાવત

કૈલાશ સત્યાર્થી (નોબેલ પુરસ્કાર વિજેતા)       બોમન ઇરાની

આનંદકુમાર    (સુપર-૩૦ના સંચાલક)  રીતિક રોશન

કપિલ દેવ      (ક્રિકેટ ખેલાડી) રણવીર સિંહ

અરૃણાચલમ મુરુગનથમ        (સામાજિક કાર્યકર્તા)    અક્ષયકુમાર

રાકેશ શર્મા     (અંતરિક્ષ યાત્રી)        આમિર ખાન

કિશોરકુમાર    (ગાયક) રણબીર કપૂર

You might also like