આ ‘ર.પા.’ તો માત્ર છીંડે ચડ્યો ચોર છે!

આપણા એક ૭૦ વર્ષના જાણીતા કવિશ્રીએ આ ઉંમરે એક પત્રકાર યુવતીને અશોભનીય મેસેજ કરતા તેના છાંટા સમગ્ર ગુજરાતી સાહિત્ય જગત પર પડ્યાં છે. જો કે, આપણા એ સાહિત્યકારશ્રી તો છીંડે ચડ્યાં ચોર માત્ર છે. બાકી આવા તો બીજાયે કેટલાય જીભ લબલબાવતા મોજૂદ છે.

 

ગુજરાતી સાહિત્યકારો વિશે આપણા મનમાં એક ચોક્કસ છાપ ઘર કરી ગઈ છે. લઘરવઘર વાળ, ઈસ્ત્રી કર્યા વિનાનો ખાદીનો ઝભ્ભો, વધી ગયેલી દાઢી, પગમાં કાનપુરી ચપ્પલ, કાયમ ખભે લટકતો ખાદીનો થેલો અને તેમાં સદાય જોવા મળતા સ્વરચિત પુસ્તકોનો જૂનો સેટ. ચીપી ચીપીને બોલાતી ગુજરાતી ઉપરાંત જેવા કોઈ પોતાની રચનાના વખાણ કરે કે તરત તેને પોતાનું કોઈ જૂનું પુસ્તક ભેટમાં આપી દઈને કાયમ માટે પોતાના કરી લેવાની સ્ટાઈલ ગુજરાતી સાહિત્ય જગતમાં બહુ જૂની છે. આ એ સમયની વાત છે જ્યારે પરિષદ અને અકાદમી સિવાય સાહિત્યનો બીજો કોઈ ચોકો નહોતો.

 પણ ગુજરાતી સાહિત્યકારોની આ કાયમી છબિને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ જડમૂળથી બદલી નાખી છે. હવેના કવિ, સાહિત્યકારો ફેસબુક, ટ્વિટર સહિતના સોશિયલ પ્લેટફોર્મ પર હાજર છે. તેનાથી સાહિત્યરસિકોની સંખ્યામાં વધારો થયો એટલું જ નહીં લોકો તેમના ગમતા લેખક, કવિ સાથે સીધો સંવાદ સાધતા પણ થયા. કવિ, લેખક, સાહિત્યકાર પોતાની નવી રચના કે લેખ સીધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકતા હોઈ યુવાનોમાં સાહિત્ય પ્રત્યેની રુચી પણ વધી. એટલું જ નહીં કવિઓ, લેખકો પણ તેમની નવી ઈમેજ ઉભી કરી શક્યા. પુસ્તક કે મુશાયરાની સરખામણીએ આ માધ્યમ તેમને બહોળી પ્રસિદ્ધિ અપાવતું થયું છે. જો કે દરેક બાબતના હોય છે તેમ આના પણ કેટલાક ગેરફાયદા છે. કેટલાક સાહિત્યકારો મોકળા આ મેદાનને પોતાની વિકૃતિ સંતોષવાનું સાધન બનાવી બેઠા છે. સમયાંતરે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ગણ્યાંગાંઠ્યા આવા તત્વોના કારણે સમગ્ર સાહિત્ય જગતને નીચાજોણું થાય છે.

આવો જ એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. ર.પા.નામધારી આપણા એક સાહિત્યકારે ફેસબુક પર એક મહિલા પત્રકારને અણછાજતા મેસેજ કર્યા. પણ આપણા સાહિત્યકારશ્રીના ધાર્યા કરતા તે યુવતી જુદી માટીની નીકળી અને તેણે આખો મામલો ફેસબુક પર જાહેર કરી દીધો. એટલું જ નહીં કવિશ્રીએ કરેલા અશોભનીય મેસેજોના સ્ક્રીનશોટ્સ પણ મૂક્યા. હદ તો ત્યારે થઈ જ્યારે તેમની આવી હરકતોનો ભોગ બનેલી અન્ય યુવતીઓ પણ પત્રકાર યુવતીના સહકારમાં સામે આવી અને તેમણે પણ પોતાના અનુભવો જાહેર મંચ પર મૂકી દીધા. પરિણામે જોતજોતામાં આખો મામલો વાયરલ થઈ ગયો. સોશિયલ પ્લેટફોર્મ પર બીજી પણ અનેક મહિલાઓ યુવતીના સપોર્ટમાં સામે આવી. યુવતીના પત્રકાર પતિ, મિત્રો પણ તેના સહકારમાં આગળ આવ્યા. આ તરફ પોતાનો ભાંડો ફૂટી જતા સાહિત્યકારશ્રીએ યુવતીના પતિને એકથી વધુ વખત મેસેજ કરીને માફી માંગી. સાહિત્યકારશ્રીના દીકરાએ તેમના વતી માફી માગવી પડી. કવિશ્રીએ સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું. એટલું જ નહીં તેની નવી ચૂંટાયેલી મધ્યસ્થ સમિતિના સભ્યપદેથી પણ હાથ ધોવા પડ્યાં. સોશિયલ મીડિયા પર તો તેમના વિરુદ્ધ રીતસરની ઝુંબેશ શરૃ થઈ ગઈ. જેમાં તેમને અપાયેલો રાજ્ય સરકારનો કાનજી ધનજી અવૉર્ડ પણ પરત ખેંચી લેવાની વાતો થઈ.

ર.પા. ના કેસમાં ભોગ બનનાર પત્રકાર યુવતીનો ‘અભિયાને’ સંપર્ક કરતા તેણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેના કહેવા પ્રમાણે તે ક્યારેય તેમને મળી નથી. જો કે સાહિત્યનો શોખ હોવાનું જાણીને તેમણે અન્ય મહિલા દ્વારા મળવા આવવા કહ્યું હતું. જો કે તેણી ન જતા કવિશ્રીએ ફેસબુક પર મેસેજ કરવાનું શરુ કર્યું હતું. તેમાં પણ તેણી થેંક્યુ સરથી વધુ જવાબ ન આપતી હોઈ તેમની હિંમત વધતી ચાલી. આખરે સતામણી હદ બહાર વધી જતા તેણે ફેસબુક પર આખી વાત જાહેર કરી દીધી અને સાહિત્યકારશ્રીનો ભાંડો ફૂટી ગયો. પત્રકાર યુવતીની હિંમત જોઈને બીજી ૬૦ યુવતીઓએ ર.પા. ઉપરાંત અન્ય કેટલાક સાહિત્યકારોએ તેમને અશોભનીય મેસેજ કર્યા હોવાના પુરાવા મોકલી આપ્યા. હવે વિચારો, જો એ પત્રકાર યુવતી આ તમામ મેસેજ જાહેર કરી દે તો બીજા કેટલા સાહિત્યકારોના કાંડ ખૂલ્લા પડી જાય ? અહીં કહેવાનો આશય એવો જરાય નથી કે બધા સાહિત્યકારો એકસરખા હોય છે. પણ આવા કેટલાક લોકોના કારણે સમગ્ર સાહિત્ય જગતને તેના છાંટા ઉડે જ. ત્યારે સવાલ એ થાય કે શું હવે સાહિત્યકારોને પણ તેમની મર્યાદા શીખવવી પડશે ?

You might also like