પોકેટ કુર્તી પાડશે વટ

હિસ્ટ્રી રિપિટ્સ ઇટસેલ્ફ એટલે કે ઇતિહાસ હંમેશા દોહરાય જ છે એવું એક વાક્ય છે અંગ્રેજીમાં. ફેશનના ક્ષેત્રમાં પણ આ વાત એટલી જ આનુષંગિક છે. સમયાંતરે ફેશનમાં પરિવર્તન આવતું રહે છે પણ વળી વળીને પાછી પહેલાં આવી ગયેલી ફેશન થોડાં નવા-રૃપરંગ સાથે રિપિટ થતી હોય છે.

 

પોકેટ કુર્તી આજકાલ ધૂમ મચાવી રહી છે. પોકેટ કુર્તી વાંચીને એમ લાગે કે ભાઇ પોકેટ સાઇઝની કુર્તી કેવી હોય. પોકેટ કુર્તી એટલે કુર્તીમાં ખિસ્સું આપેલું હોય. પહેલાં ફ્રોક અને પંજાબી ડ્રેસમાં ખિસ્સા આવતાં જ હતા. પછી ધીરે ધીરે ખિસ્સાવાળા કપડાંનો ટ્રેન્ડ ઓછો થતો ગયો. જોકે, જે મહિલાઓ ફ્રોક અને ડ્રેસ કાપડ લઇને સિવડાવે છે અને જેમને ખિસ્સા રાખવા ગમે છે તેઓ તો હંમેશાથી દરજી પાસે ડ્રેસમાં ખિસ્સું બનાવડાવતા જ આવે છે. જોકે, હવે રેડિમેઈડ કુર્તીમાં પોકેટ ટ્રેન્ડ સારો એવો પ્રચલિત બન્યો છે. લોન્ગ કુર્તી હોય કે શોર્ટ કુર્તી બંને પ્રકારની કુર્તીમાં ખિસ્સાનો ટ્રેન્ડ જોવા મળે છે. સિલ્ક, કોટન, ખાદી, લિનન વગેરે મટીરિયલમાં ઉપલબ્ધ કુર્તીમાં સાઇડ પોકેટ ઉપરાંત ફ્રન્ટ પોકેટ ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યા છે. કેટલીક કુર્તીઓમાં સાઇડમાં પોકેટ આપવામાં આવે છે, જ્યારે કેટલીક કુર્તીઓમાં ફ્રન્ટ પોકેટ આપવામાં આવે છે. જોકે, ફ્રન્ટ પોકેટ મહદઅંશે ડિઝાઇન માટે જ હોય છે. તેમાં ઝાઝી વસ્તુઓ નથી મૂકી શકાતી. સાઇડ પોકેટમાં વસ્તુઓ રહે તેવી વ્યવસ્થા હોય છે. ફ્રન્ટ ડિઝાઇનમાં વિવિધ આકાર આપવામાં આવે છે. એટલે કે મગ આકારની ડિઝાઇનનું ખિસ્સું હોય, ફૂલ આકારની ડિઝાઇનનું ખિસ્સું હોય વગેરે. જ્યારે સાઇડ પોકેટમાં કોઇ

ડિઝાઇનની જરૃર ન પડે તે સ્વાભાવિક છે. પ્રિન્ટ અને પ્લેઇન એમ બંને પ્રકારની કુર્તીમાં પોકેટ ઉપલબ્ધ છે પણ પ્લેઇન કુર્તીમાં ડિઝાઇનવાળું પોકેટ અને ડિઝાઇનવાળી કુર્તીમાં પ્લેઇન પોકેટ વધુ સારા લાગે છે. પ્રિન્ટેડ કુર્તીમાં તેના જેવું જ ફ્રન્ટ પોકેટ હોય તો તે કુર્તીનો ઊઠાવ નથી આવતો પણ પ્લેઇન કુર્તીમાં પ્રિન્ટેડ પોકેટ આંખે ઉડીને વળગે છે અને હટકે લૂક પણ આપે છે. જો તમારી પાસે પણ પ્લેઇન કુર્તી હોય તો તમે તેના મેચિંગનું પ્રિન્ટેડ ડિઝાઇનવાળું પોકેટ દરજી પાસે સિવડાવી શકો છો. જોકે, આ ટ્રીક તો ફ્રન્ટ પોકેટ ડિઝાઇનની છે. આ પોકેટમાં ફોન ન રહે એ સ્વાભાવિક છે પણ રૃપિયા કે ચાવી જેવી વસ્તુઓ રાખી શકાય છે. જો ન રાખવી હોય તો પણ કંઇક અલગ ડ્રેસિંગ કર્યાની ફીલિંગ આપે છે.

You might also like