ખુલ્લેઆમ લૂંટ ચલાવતી ખાનગી શાળાઓનો શ્રેષ્ઠ વિકલ્પ – અભિનવ સરકારી શાળાઓ

ગુજરાતભરમાં હાલ ખાનગી શાળાઓની ફીનો મામલો ચર્ચાની એરણે છે. દરેક પક્ષે પોતપોતાના તર્ક છે, પરંતુ આ બધામાં મૂળ મુદ્દો તો સારા શિક્ષણનો જ છે. સ્પર્ધાના આ યુગમાં દરેક માતા-પિતા પોતાના સંતાનને સારું શિક્ષણ મળે તેવું ઇચ્છે છે અને આ જ બાબત ખાનગી શાળાઓના વધી રહેલા મહત્ત્વ પાછળનું મુખ્ય જવાબદાર કારણ પણ છે. બાળકને સારું શિક્ષણ અને સારા સંસ્કાર ખાનગી શાળામાં જ મળે તેવી લોકોના મનમાં ઘર કરી ગયેલી માનસિકતા પણ આની પાછળ જવાબદાર ગણાય છે ત્યારે આજે આપણે ગુજરાતની એવી સરકારી શાળાઓની વાત કરવાની છે જે પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને નવતર અભિગમને કારણે ચર્ચામાં છે. આ સરકારી શાળાઓમાં એવું તે શું છે કે તે બાળકો અને વાલીઓને આકર્ષે છે? આવો જાણીએ……

 

ફી નિયમન ધારા સામે હાઈકોર્ટમાં હાર્યા પછી ખાનગી શાળાઓ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓનું સ્વરૃપ વિલન જેવું વર્તાય છે. સગવડભર્યું જીવન જીવવા માટે ભારે મથામણ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સામાંથી કમાણીની મોટા ભાગની રકમ આ સંસ્થાઓ ફી પેટે ઉઘરાવી લે છે. વાલીઓના ભારે ખેદ છતાં ઉચ્ચતર શિક્ષણની વાત તો ઠીક પ્રાથમિક શિક્ષણમાં પણ કમ્મરતોડ ફી વસૂલતી શિક્ષણ સંસ્થાઓ ફેક્ટરીઓની જેમ ધમધમે છે. શા માટે સમાજ આવી શિક્ષણ સંસ્થાઓને તાબે થયો છે. શું તેમની પાસે કોઈ વિકલ્પ નથી? છે, સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતાં પણ સારું શિક્ષણ અને વધુ સગવડો મળી શકે છે. કેટલીક સરકારી શાળાઓનાં ઉદાહરણથી સમજીએ…

સાવ અંતરિયાળ એવા ઘોઘા તાલુકાના એક ગામમાં સરકારી શાળા કેવો શિક્ષણ યજ્ઞ ચલાવે છે તે સમજવા જેવું છે. એ નમૂનેદાર પણ છે. ઘોઘા તાલુકાના મોરચંદ ગામની શ્રી રાણાધાર પ્રાથમિક શાળા વાડી વિસ્તારમાં આવેલી છે અને આ ગામમાં ઘણી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. ગામની કેટલીક સુવિધાઓ પ્રાથમિક શાળા પૂરી પાડે છે. જેમકે આ અમારા ગામમાં વાળંદ જ નથી. અહીં વિદ્યાર્થીઓના વાળ કાપવા શાળા તરફથી ધોઘા શહેરમાંથી વાળંદને બોલાવવામાં આવે છે. આમ કરતા વાલીઓની એક દિવસની મજૂરી બચે, કેમકે અમે જો બાળકના વાળ કપાવવા માટે વાલીઓને કહીએ તો તેમને તે માટે ઘોઘા જવંુ પડે. વિદ્યાર્થીની એક દિવસની શાળામાં રજા પડતી તે બચી. ત્રીજો ફાયદો, બુનિયાદી શિક્ષણમાં આપણા વ્યવસાયકારોનો પાઠ આવે છે તે અંતર્ગત બાળકોનો વ્યવસાયકાર સાથે રૃબરૃ પરિચય કરાવવામાં આવે છે. રાણાધાર પ્રાથમિક શાળા સરકારી હોવા છતાં શાળામાં એક પણ બાળક ચાલીને આવતું નથી. તમામ બાળકોને લાવવા લઈ જવા માટે શાળા તરફથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દર મહિને એક વિદ્યાર્થીના ૩૦૦ રૃપિયા ટ્રાન્સપોર્ટેશનના ચૂકવે છે. દાતાઓ પાસેથી દાન મેળવીને રાણાધાર પ્રાથમિક શાળાએ રમતોત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઊભી કરી છે. વિજ્ઞાન દિવસે બાળ વિજ્ઞાનીઓ તૈયાર કરવા આજુબાજુના ગામની અન્ય શાળાઓને આમંત્રી ૧૦૦ પ્રયોગોનો યજ્ઞ થાય છે. કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વગર બાળકો પોતાની કોઠાસૂઝ વાપરીને આ પ્રયોગો કરે છે. સમાજવિજ્ઞાનના શિક્ષક પોતાના વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન આપે છે. ઉદાહરણ તરીકે ભૂગોળ ભણાવતી વખતે શિક્ષક ગ્રાઉન્ડમાં ચિરોડીની મદદથી ભારતનો નકશો ચીતરે છે અને ભૂગોળનો પરિચય આપે છે. શાળામાં નબળા બાળકોને હોશિયાર બનાવવા શિક્ષક વિપુલભાઈએ ‘સીમ ટોળી’ નામે સફળ પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ હેઠળ, હોશિયાર વિદ્યાર્થી શાળાનો સમય પૂરો થતાં ત્રણ નબળા વિદ્યાર્થીઓને ઘરે જઈને અડધો કલાક વધારાનું શિક્ષણ આપે છે.

શાળામાં સૌથી સુઘડ બનીને આવેલાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને રોજ પ્રાર્થનામાં ‘આજનું ગુલાબ’ શીર્ષક હેઠળ ગુલાબ આપીને નવાજવામાં આવે છે. આ પ્રવૃત્તિથી સ્વચ્છતાનો પાઠ શીખવાડે છે. શાળામાં દરેક દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે. ઍરફોર્સ દિવસ, શહીદ દિવસ, શિક્ષણ દિવસ વગેરે તમામ દિન વિશેષ વિશે માહિતી આપવામાં આવે છે. શાળા ‘રાણાધારનો રણકાર’ ૨૧ પાનાંનું માસિક બહાર પાડે છે. તાજેતરમાં સંપન્ન થયેલા ઇનોવેશન ફૅરમાં રાણાધાર પ્રાથમિક શાળાની માસિક પત્રિકાને રાજ્યકક્ષાએ સ્થાન મળ્યું હતું. વિદ્યાર્થીઓ પાસેથી ‘મારે શું બનવું છે?’ વિષય પર નિબંધ લખાવીને શ્રેષ્ઠ નિબંધને માસિકમાં સમાવવામાં આવે છે. પત્રિકામાં બાળકવિનો એક વિભાગ રાખ્યો છે. પ્રાસ મળે કે ન મળે બાળકોએ પોતાની રીતે બનાવેલી કવિતાને તેમાં પ્રગટ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી રાણાધારના લગભગ બધાં જ બાળકો કવિતા લખતા થઈ ગયા છે. પત્રિકામાં કોયડા અને કુતૂહલનો વિભાગ રાખ્યો છે. એમાં વિદ્યાર્થીઓએ જ શોધી લાવેલા ઉખાણાને મૂકવામાં આવે છે. પત્રિકામાં દરેક તાલુકા અને જિલ્લાની સમજ, મહિનામાં આવતા તહેવારોની સમજ શિક્ષકો આપે છે. એક મહિનામાં શાળામાં થયેલી પ્રવૃત્તિઓની તસવીરી ઝલક મુકાય છે.

શાળા પંચાયતની રચના કરવામાં આવી છે. શાળા પંચાયત હેઠળ પ્રાર્થના મંત્રી, સેનિટેશન મંત્રી, બાગાયત મંત્રી, સફાઈ મંત્રી, બુલેટિન બોર્ડ મંત્રી, લાઇબ્રેરી મંત્રી જેવા ૧૨ વિદ્યાર્થી મંત્રીઓ નિમવામાં આવ્યા છે. દર બે મંત્રી દીઠ એક શિક્ષકને વડા તરીકે નિમવામાં આવ્યા છે. જે-તે સમિતિની સમસ્યા મંત્રી તેના વડા સમક્ષ રજૂ કરે એ સાથે જ તે સમસ્યાનું નિરાકરણ આવી જાય છે. જેમકે સાવરણા, સાવરણી ખૂટે ત્યારે સફાઈ મંત્રી સમિતિના વડા શિક્ષકને રજૂઆત કરે.

શાળામાં ૪૫ મિનિટની રિસેસમાં ૨૦ મિનિટમાં જમી લીધા પછી બાકીની ૨૦-૨૫ મિનિટ લાઇબ્રેરીમાં રહેલી ૨૫૦ જેટલી બાળવાર્તાઓની ચોપડીમાંથી બાળકો પોતાને ગમતી ચોપડી વાંચે છે. ૧૫ મિનિટની નાની રિસેસમાં વિદ્યાર્થીઓને ૧૦ મિનિટનો મહાભારત સિરિયલનો એપિસોડ બતાવવામાં આવે છે. રમતોત્સવમાં તમામ રમતોમાં શાળા જિલ્લા કક્ષાઓ અવ્વલ આવે છે. શાળામાં બે બગીચા છે અને બંને બગીચાની કાળજી શાળાનાં બાળકો જ લે છે. ધોરણ પ્રમાણે બાળકો બોક્સના ખાલી ખોખામાં ઘઉં, બાજરો જેવું અનાજ લાવે છે. આ અનાજ નિશ્ચિત સ્થાને મુકેલી ડોલમાં ભેગંુ કરવામાં આવે છે અને તેને બગીચાના એક ખૂણામાં બનાવેલા ચબૂતરે પક્ષીઓની ચણ માટે વેરી દેવામાં આવે છે. માળાઓ પહેલાં દાતાઓની મદદથી લીધા હતા. હવે બાળકો જાતે માળા બનાવે છે. હાલ ૬-૭ માળામાં ચકલીએ ઈંડાં મુક્યાં છે.

ગામનું પાણી ક્ષારવાળુ હોવાથી પથરીની સમસ્યા રહે છે, ગામમાં નર્મદાનું પાણી હજુ પહોંચ્યું નથી. રાણાધાર શાળામાં બે વૉટર પ્યુરિફાયર મૂકવામાં આવ્યાં છે. ઑટોમેટિક અદ્યતન સુવિધાવાળું ટોઇલેટ ૧૦ લાખના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે. શાળામાં ૮ ધોરણ છે અને ૯ ઓરડાઓ છે. સાથે વિશેષ પ્રાર્થના ખંડ છે. મધ્યાહ્ન ભોજનમાં સંપૂર્ણ સાત્ત્વિક અને રોજના મેનુ પ્રમાણે ઢોકળાં, લાપસી, દાળભાત વગેરે રસોઈ જમાડવામાં આવે છે. સરવે મુજબ ઘોઘા તાલુકો કુપોષિત તાલુકામાં આવે છે. સરકારની દૂધ સંજીવની યોજના હેઠળ શાળાને બાળક દીઠ રોજ ૨૦૦ મિલી ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. મોરચંદ ગામની શ્રી રાણાધાર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ બારૈયા કહે છે, ‘આ દૂધ વિતરણથી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ઘણી વધી છે. સામાન્ય રીતે મજૂરી કામ કરતા ગામલોકો બાળકોને બે-પાંચ રૃપિયા આપીને કામે જતા રહેતા. ઘરે બેસતાં આ બાળકો ફ્લેવર્ડ દૂધ મળતાં દૂધના લોભે પણ શાળાએ આવતાં થયાં છે.’

શાળામાં સ્કાઉટ ગાઇડની પ્રવૃત્તિઓ થાય છે. વિવિધ કેમ્પ થાય છે. શાળામાં ૧૨ કોમ્પ્યુટર સાથેની લેબનો દરરોજ સમયપત્રક પ્રમાણે નિયમિત ઉપયોગ થાય છે. બાયસેગ દ્વારા પ્રસારિત થતાં પાઠો નિયમિત બતાવવામાં આવે છે. સરકાર દ્વારા ઇ-કન્ટેન્ટ હેઠળ એનિમેશન દ્વારા વિષયોને ભણાવવામાં આવે છે. બાળકો સારી રીતે રમી શકે તે માટે વિશાળ મેદાન છે.

દરેક વિદ્યાર્થીનો જન્મદિવસ ઊજવવામાં આવે છે, કોઈ ખર્ચ વગર. શાળાના બગીચામાંથી ચૂંટેલા ફૂલ આપીને. બાળક આ દિવસે એક સારો ગુણ આત્મસાત કરવાનો અને દુર્ગણને છોડવાનો સંકલ્પ કરે છે. જેમકે અંગ્રેજી ન આવડતું હોય તો તે શીખવાનો સંકલ્પ લેવો અને ઉંમરમાં મોટા ભાઈ-બહેનને તોછડાઈથી બોલાવતાં હોય તેને માનથી બોલાવવાનો સંકલ્પ લે છે.

શાળામાં શિક્ષક ખોડાભાઈ મકવાણા ‘રામ હાટ’ ચલાવે છે. શિક્ષણ માટે જરૃરી તમામ સ્ટેશનરી ખોડાભાઈ ભાવનગરથી હોલસેલમાં ખરીદીને લાવે છે અને તે જ ભાવે શાળાના રામહાટમાં વેચવામાં આવે છે. સંચાલન બાળકો જ કરે છે. રામહાટના કારણે કોઈ વિદ્યાર્થીએ વાલી પાસે કોઈ વસ્તુ મંગાવવી પડતી નથી.

ભરતભાઈ બારૈયાની રાણાધાર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક થયે માત્ર ત્રણ વર્ષ થયાં છે. આટલા ટૂંકા ગાળામાં શાળાની શિકલ એટલી તો બદલાઈ ગઈ કે પહેલા ગામથી ૧૫ કિલોમીટર દૂર સોખિયાની ખાનગી શાળામાં ૧૬ જેટલા સદ્ધર પરિવારનાં બાળકો જતાં હતાં, હવે તેમાંથી ૧૨ જેટલાં બાળકો ફરીવાર રાણાધારની સરકારી શાળામાં ભણવા આવી ગયાં છે. આ શાળામાં હાલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૨૫ છે.

મોરચંદ જેવી જ ગરીબ વસ્તી મહુવા તાલુકાના મોણપર ગામની છે. મોણપરમાં મોટાભાગની ગરીબ, મજૂર વર્ગની વસ્તી છે, છતાં આ ગામની સરકારી શાળાનું પરિસર ફાઇવ સ્ટાર હોટલ જેવું સુવિધાયુક્ત છે. એક સમયે છત્રી લઈને ભણવા બેસવું પડે એવી સ્થિતિ ધરાવતી મોણપરની કન્યાશાળાએ જિલ્લા કક્ષાએ બે વાર શ્રેષ્ઠ શાળાનો ઍવોર્ડ મેળવ્યો છે અને તેનો શ્રેય આચાર્ય ગોસાઈ ભગીરથભાઈને જાય છે. આ શાળામાં ઉત્તમ શિક્ષણ મળતું હોવાથી ગામની કોઈ કન્યા પ્રાઇવેટ શાળામાં ભણતી નથી. કેવી રીતે ચાલે છે આ કન્યાશાળાનો શિક્ષણયજ્ઞ તે જોઈએ.

મોણપરની કન્યાશાળામાં ૧થી ૮ ધોરણ સુધીની આ કન્યાશાળામાં ૨૯૩ કન્યાઓ અભ્યાસ કરે છે. આ શાળામાં નમૂનેદાર બગીચો છે. અદ્યતન જળકુટિર છે. પીવા માટેના પાણીના ૧૩ નળ અને હાથ ધોવા માટેના ૪ નળ અલગથી મુક્યા છે. આખી શાળામાં તમને ક્યાંય પાણીનું નાનું સરખું ખાબોચિયંુ પણ જોવા નહીં મળે. કેમકે બધું જ પાણી ચાર ઝાડ વચ્ચે ભૂગર્ભમાં બનાવેલા શોષ ખાડામાં શોષાઈ જાય છે. આ કારણે ગંદકી કે માખી-મચ્છર ક્યાંય જોવા મળતાં નથી. શાળામાં એક અલાયદંુ શારદા મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં બાળકો રોજ શાળા શરૃ થતાં પહેલાં આરતી કરે છે. શાળામાં ૨૪ કોમ્પ્યુટરની ઍરકન્ડિશન્ડ લેબ છે. સરકારે કોમ્પ્યુટરની સુવિધા આપી તે પહેલાંથી આ શાળામાં ૨૦૦૮થી કોમ્પ્યુટરનું મફત શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે બાવીસ લાખ રૃપિયાના અનુદાનથી પ્રાર્થના ખંડ બંધાઈ રહ્યો છે. શાળામાં ૧૦ વર્ગખંડ છે.

શાળાએ બાળકોની ૧૦૦ ટકા હાજરી માટે ‘મારો માર્ચ પ્યારો માર્ચ’ નવતર અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન રાજ્ય સ્તરે વખણાયું હતું. સરકારી નિયમ પ્રમાણે વર્ષમાં બે પરીક્ષાઓ-છમાસિક અને વાર્ષિક જ લેવાય છે. જ્યારે મોણપરની કન્યાશાળામાં માસિક પરીક્ષાઓ લેવાય છે. ધોરણ-૩થી ૮ સુધીમાં શાળામાં પહેલા નંબરે આવેલી વિદ્યાર્થીને ૩ હજાર રૃપિયાની એફડી આપવામાં આવે છે, બીજા અને ત્રીજા નંબરે આવેલાને અનુક્રમે બે અને એક હજારની એફડી આપવામાં આવે છે. કન્યા પુખ્ત થાય ત્યારે પાકે એ પ્રમાણે વર્ષની ગણતરી કરીને એફડી આપવામાં આવે છે. આ ક્રમાંકિત વિદ્યાર્થીની માતાઓને એક-એક સાડી આપવામાં આવે છે.

શાળાની એક વિશેષતા ઉપર ભાર મૂકતા ભગીરથભાઈ કહે છે, ‘મોણપરની કન્યાશાળા અન્ય સરકારી શાળાઓથી એ રીતે પણ અલગ પડે છે કે આ શાળાને સરકાર તરફથી કદી પૂરતા શિક્ષક ફાળવવામાં આવ્યા નથી તેમ છતાં શાળામાં કદી શિક્ષકની ઘટ પડવા દેવામાં આવી નથી. જરૃરી વધારાના શિક્ષકને શાળા તરફથી પગાર(અનુદાનમાંથી મળેલી રકમમાંથી) આપીને રોકવામાં આવે છે.’

ભગીરથભાઈ આ શાળામાં ૧૯૮૯થી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ૨૦૦૯થી આચાર્ય તરીકે નિયુક્ત થયા હતા. ભગીરથભાઈ આચાર્ય બન્યા પહેલાં આ શાળામાં અભ્યાસ માટેના માત્ર બે ઓરડાઓ હતા. ભગીરથભાઈ કહે છે, ‘એ વર્ગોમાં પણ વિદ્યાર્થીઓએ છત્રી લઈને ભણવા બેસવું પડે એટલી જર્જરિત અવસ્થા હતી શાળાની. શિક્ષકો માટે બેસવા માટે નહોતી ખુરશી કે નહોતું આસન. શિક્ષક કોથળો પાથરીને બેસતા અને આસપાસ ઝાડી ઝાંખરાઓ ઊગી નીકળ્યા હતા.’ શાળા તો ઠીક, ભગીરથભાઈએ અનુદાન મેળવીને ૭૫ લાખ રૃપિયાનાં વિકાસકાર્યો ગામમાં કર્યા છે. ગામમાં નમૂનેદાર મોક્ષધામ બનાવ્યું છે. એ માટે ભગીરથભાઈએ પોતે શાળા પટાંગણમાં બેવાર રામકથાનું વાંચન કર્યું હતું અને ૧૮ લાખ રૃપિયા એકત્ર કર્યા હતા. ગામમાં ઘેરઘેર શોષખાડા બનાવ્યા છે.

એક નામશેષ થવાને આરે આવેલી શાળા. વર્ગખંડમાં જતાં બીક લાગે એટલી જર્જરિત એની ઇમારત અને ખાનગી શિક્ષણની બોલબાલા વચ્ચે ભવ્ય ભૂતકાળ છતાં લગભગ લોકસ્મૃતિમાંથી ભૂંસાવા આવેલી આ શાળાને કેવી રીતે પુનઃસ્થાપિત કરાઈ? આવો જોઈએ…

મહુવા તાલુકાના ૨૦ હજારની વસ્તી ધરાવતાં એકકાળે ભવ્ય એવી ભાદ્રોડ ગામની કેન્દ્રવર્તી શાળાની હાલત થોડાં વર્ષો પહેલાં બહુ ખરાબ હતી. અડધા દાયકાથી સમારકામના અભાવે શાળાની ઇમારત પડુ-પડુ થતી હતી. ગામમાં નવી બનેલી ચારથી પાંચ ખાનગી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ ફંટાયા હતા, પરંતુ ત્રણ વર્ષ પહેલાં એચ-ટાટ હરેશભાઈ કાતરિયાની આચાર્ય તરીકે નિમણૂક થતાં જ પરિસ્થિતિ બદલાઈ છે. હરેશભાઈએ ગામના શ્રેષ્ઠીઓ પાસે ટહેલ નાખી અને શાળાને નમૂનેદાર બનાવવાનો નિશ્ચય કર્યો. તેમણે આ શાળાને અઢી વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાની સીસીટીવી કેમેરા ધરાવતી પ્રથમ સરકારી શાળા બનાવી. શાળામાં અત્યારે લાઇવ એચડી કેમેરા લગાવવામાં આવ્યા છે. જિલ્લામાં કોઈ સરકારી શાળા પાસે ન હોય તેવો વિશાળ પ્રાર્થનાખંડ બનાવ્યો. શાળા માટે નવું મેદાન મેળવ્યું (એ મેદાન બનાવવા માટે ખિસ્સામાંથી ૪૦ હજાર રૃપિયા રોક્યા). જૂના ૯ વર્ગખંડ પાડીને નવા બનાવવામાં આવ્યા છે. સ્પોકન ઇંગ્લિશના વધારાના વર્ગો ચલાવવામાં આવે છે. ધોરણ પાંચ માટેના વધારાના નવોદયના વર્ગો ચલાવવામાં આવે છે. વિદ્યાર્થી સળંગ બે દિવસ ગેરહાજર રહે તો શિક્ષક વાલીનો સંપર્ક કરે છે. શાળા પ્રવૃત્તિનો વાર્ષિક અંક બહાર પાડે છે. શાળાની લાઇબ્રેરીમાં ૩૦૦૦ જેટલાં પુસ્તકો છે અને વિદ્યાર્થીઓને લાઇબ્રેરીનો સંગ કરતા કર્યા છે. હરેશભાઈને બે વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો ઍવોર્ડ મળ્યો હતો. હરેશભાઈ કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાં ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળામાં આચાર્ય તરીકે મારી નિમણૂક થઈ ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦ હતી. આજે આ શાળાની પ્રતિષ્ઠાને પગલે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા દાખલ થયા છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૪૪૫ની થઈ છે.’ હરેશભાઈની ઉત્તમ કામગીરીને કારણે ગામની આસપાસના ગામની ખાનગી શાળાઓને ઘણો ફટકો પડ્યો અને હરેશભાઈ આ શાળાઓના સંચાલકોની ઇર્ષાનો ભોગ બન્યા છે. તેઓ કહે છે, ‘મારી વિરુદ્ધમાં જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ૪ નનામી અરજીઓ થઈ છે અને તેમાં મારી ખરાબ કામગીરી બદલ બદલી કરવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષણાધિકારીઓ મારા કામથી વાકેફ હોવાથી આવી અરજીઓને ધ્યાને નથી લેતા. મને આડકતરી ધમકીઓ પણ મળી છે.’  ૧થી ૮ ધોરણ સુધીના વર્ગો ધરાવતી આ શાળામાં અત્યારે ૧૪ શિક્ષકોનો સ્ટાફ છે. હરેશભાઈ આ શાળામાં આવ્યા ત્યારે સ્ટાફ ૯ શિક્ષકોનો હતો, વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં સ્ટાફ વધારીને ૧૪ શિક્ષકોનો થયો છે.

હરેશભાઈને સાથી શિક્ષકોનો પણ સારો સહયોગ મળ્યો છે. તેઓ કહે છે, ‘શિક્ષક ઇબ્રાઇમભાઇએ ગત વૅકેશનમાં ૨૧ દિવસ શાળામાંં હાજર રહીને બાંધકામમાં સેવાઓ આપી છે. જાતે પાયામાં પથ્થરો પૂર્યા છે. મધ્યાહ્ન ભોજન સંભાળતા લલિતભાઈ વાઘ પણ પૂરી નિષ્ઠાથી કામ કરે છે. તેમની શાળામાં ૨-૩ કલાકથી વધુ હાજરીની જરૃર નથી, પરંતુ તેઓ ૮-૯ કલાક હાજરી આપે છે અને શાળાના ઉત્કર્ષ માટે પોતાનાથી યથાશક્તિ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરે છે.’

અંતરિયાળ ગામમાં એક શિક્ષક રાષ્ટ્રવાદના એવા પાઠ ભણાવે કે એનો વિદ્યાર્થી આર્મીમાં જોડાય અને કુપવાડામાં ફરજ પરથી એના શિક્ષકને યાદ કરતો ફોન કરે. શાળા ઓછી અને ભૂતિયું મકાન વધુ લાગતી કંટાળાની સી શ્રેણીની સરકારી શાળાને એક આચાર્યે કેવી રીતે એ શ્રેણીમાં લાવી મુકી તે જાણીએ.

ભાવનગર જિલ્લાની કંટાળા પ્રાથમિક શાળામાં ૧થી ૮ ધોરણના વર્ગો ચાલે છે. વિદ્યાર્થીની સંખ્યા ૩૧૧ છે. ૧૧નો સ્ટાફ છે. આ શાળા ત્રણ વર્ષ પહેલાં ‘સી’ કેટેગરીમાં આવતી હતી. ત્યાર બાદ દિપેનભાઈ આચાર્ય તરીકે જોડાયા અને ત્રણ વર્ષમાં શાળા પ્રગતિ કરતી આજે ‘એ’ કેટેગરીમાં આવી ગઈ છે.

દિપેનભાઈ આ શાળામાં આચાર્ય તરીકે જોડાયા ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર બહુ રહેતા હતા. આ સમસ્યા દૂર કરવા તેમણે જે વિદ્યાર્થીઓ સૌથી વધુ દિવસો શાળામાં હાજર રહે તેને પ્રમાણપત્રો આપવાનું ચાલુ કર્યું છે. આ પ્રયોગના કારણે શાળામાં ગેરહાજરીનું પ્રમાણ ઘટ્યું. બીજો નવતર પ્રયોગ એવો કર્યો કે, આખા અઠવાડિયા દરમિયાન વર્ગખંડમાં વિદ્યાર્થીઓ જે કંઈ શીખ્યા હોય તેનું પ્રાર્થનાસભામાં નાટ્યરૃપાંતર કરીને રજૂ કરે. અંગ્રેજી, સંસ્કૃતના પાઠોની નાટિકા ભજવે.

વાલીઓને શાળા સાથે જોડવા એક વર્ષે પ્રજાસત્તાક દિવસે ગામના ૩૮ સરકારી નોકરિયાતોનું પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માન કર્યું, બીજા વર્ષે વૃદ્ધોનું ધાર્મિક પુસ્તક આપીને સન્માન કર્યું, આ વખતે દિવ્યાંગોનું સન્માન કરશે. આ ગામમાં ગરીબ, મજૂર વર્ગ વધુ છે. આ વર્ગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે તે માટે તેમણે ૨૦ હજાર રૃપિયાનાં પુસ્તકો વસાવ્યાં છે અને ગ્રામ પુસ્તકાલયનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

દિપેનભાઈ કહે છે, ‘મને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદનું સિંચન કરવાનું બહુ ગમે. મારા ૧૨ જેટલા વિદ્યાર્થીઓ આર્મીમાં નોકરી કરે છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ફરજ બજાવતા મારા એક વિદ્યાર્થીએ હમણાં જ મને ફોન કર્યો અને કહ્યંુ હતું કે તમે જે રાષ્ટ્રવાદના પાઠ ભણાવો છો તેનો અમે અહીં અમલ કરીએ છીએ.’

આ શાળાના શિક્ષકોએ દર મહિને ૧૦૦ રૃપિયા તારવીને અલગ ભંડોળ ઊભંુ કર્યું છે. તાજેતરમાં એક શૈક્ષણિક પ્રવાસમાં ફી નહીં ભરી શકતાં ૬ બાળકોની આ ભંડોળમાં ફી ભરવામાં આવી. શિયાળામાં ગરમ કપડાં નહીં ખરીદી શકતાં બાળકોને ગરમ કપડાં લઈ આપવામાં આવે. ગરીબ બાળકોના જન્મદિવસ ઊજવે.

રિપોર્ટિંગ પૂર્વે મનમાં હતું કે સરકારી શાળા એટલે  વર્ગખંડોમાં એ જ અવાજ કરતા પંખા, સમય કરતાં મોડા આવતા શિક્ષકો, ભણવાનું બાજુ પર મુકી શિક્ષકના વટાણા ફોલતાં બાળકો, પીવાના પાણીની પરબે જામેલી લીલ, બિસ્માર વર્ગખંડો, માત્ર રિસેસમાં બાળકોને ભોજન માટે થાળી આપવા આવતા વાલીઓ અને સરકારી અધિકારી કે નેતાની મુલાકાત વખતે સજીધજીને આવતા આચાર્ય. સરકારી શાળાઓની કંઈક આવી જ ઓળખ બનેલી છે, પરંતુ આણંદના દેવજીપુરાની સરકારી શાળામાં ભણતાં બાળકોની માતાઓ વાતો કરી રહી હતી તે સ્પષ્ટ સંભળાતું હતું. વાતચીત કંઈક આવી હતી. કાલે જ મારા સાગરે ઘરઆંગણે બે છોડવા વાવ્યા છે. તેમની શાળાના શિક્ષકે કહ્યું છે કે દરેક વિદ્યાર્થીએ ઘરઆંગણે, ખેતરમાં કે ગામમાં, જ્યાં સારી જગ્યા મળે ત્યાં કમસે કમ પાંચ છોડ વાવવાના… આ સાંભળી શાળા મુલાકાતની ઉત્સુકતા વધી ગઈ.

ચરોતર અને તેમાં પણ આણંદ જિલ્લો હંમેશાંથી શિક્ષણમાં અગ્રેસર રહ્યો છે. વિદ્યાનગરમાં લગભગ દરેક વિદ્યાશાખાની મોટી કોલેજો આવેલી છે. તો વળી ગુજરાતની સારામાં સારી કહેવાય તેવી ખાનગી શાળાઓ પણ આણંદની ઓળખ બની ચૂકી છે, પરંતુ આજે આપણે વાત કરવાની છે આણંદ, નડિયાદની એવી શાળાની, જે છે તો સરકારી પરંતુ ખાનગી શાળાઓ જેવી જ સુવિધાઓ પણ ધરાવે છે. આણંદ રેલવે સ્ટેશન ઊતરતાં કોઈને પણ પૂછો કે દેવજીપુરાની પ્રાથમિક શાળામાં જવું છે તો તરત જ જવાબ મળશે કે, કુંજરાવના તાબે છે અને અફલાતૂન શાળા છે તેની જ વાત કરો છો ને..?  હા, ત્યાં જતાં થોડી મહેનત પડશે… નાનું ગામ એટલે સુવિધા તો વધુ મળે નહીં, પરંતુ સ્થાનિક પરિવહનનાં સાધનો મોજૂદ હોવાના કારણે ત્યાં પહોંચવામાં વધારે મુશ્કેલી ન પડે. આણંદથી સામરખા, સામરખાથી દેવપુરા ત્યાંથી કુંજરાવ અને કુંજરાવના છેવાડે આવેલું દેવજીપુરા. ત્યાં સુધી પહોંચતા ઘણો સમય થયો, પરંતુ રસ્તામાં જે કોઈ મળ્યું તે બસ આ જ શાળાની વાત કરતું હતંુ. એટલે ત્યાં પહોંચવાની જિજ્ઞાસા વધી ગઈ. દેવજીપુરાની શાળાએ પહોંચતા જ હું જાણે અમદાવાદની કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવી હોઉં તેવો મને અહેસાસ થયો. ચારેબાજુ હરિયાળી અને વચ્ચે શાળાનું કમ્પાઉન્ડ હતંુ. તમને ક્યારેય એવું ન લાગે કે આ કોઈ સરકારી શાળા હશે. શાળામાં ક્યાંય કચરોે કે ગંદકી તો જોવા ન મળી, પણ અહીંની સ્વચ્છતા મારા દિલને સ્પર્શી ગઈ. શાળામાં દરેક વર્ગખંડોમાં બાળકો ભણતાં હતાં, પણ ક્યાંયથી બિનજરૃરી અવાજ ન સાંભળવા મળ્યો. જાણે કે બાળકો સાચા અર્થમાં શિક્ષણ લઈ રહ્યાં હોય તેવું રમણીય વાતાવરણ જોવા મળ્યુંુ.

કોઈ ખાનગી શાળામાં ઉપલબ્ધ હોય તેવી દરેક સુવિધા આ શાળામાં મોજૂદ હતી. અરે, એમ પણ કહી શકાય કે ઘણી સુવિધાઓ તો એવી હતી જે ખાનગી શાળામાં લાખો રૃપિયાની ફી ભર્યા પછી પણ આપણા બાળકોને મળતી નથી. એક વાત મને જાણવા મળી કે આ શાળામાં અભ્યાસ કરતા એક પણ બાળકનાં માતા-પિતા ભણેલા નથી. રોજેરોજ કમાય અને ખાય તેવી તેમની પરિસ્થિતિ જાણી દુઃખ થયું. ગામમાં પાકા મકાન એકલદોકલ જ છે. ઘણાં બાળકો એવાં છે જેમને અભ્યાસ માટે શાળામાં આવવું હોય તો તેમણે પોતાના નાના ભાઈ-બહેનને સાથે લઈને આવવા પડે છે, કારણ કે તેમને ઘરે સાચવવાળા કોઈ દિવસ હાજર હોતાં નથી. બધાં કામે નીકળી જતાં હોય છે. આવી સ્થિતિમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો બાળકોને પ્રોત્સાહન આપે છે અને તેમના જ પ્રયાસોના કારણે આ શાળામાં બાળકોની સો ટકા હાજરી હોય છે.

દેવજીપુરાની પ્રાથમિક શાળામાં ઇન્ફર્મેશન ટૅક્નોલોજી, ગ્રીન કન્સેપ્ટ અને ઇકો ફ્રેન્ડલી ઇનિશિએટિવ્સ જેવા આધુનિક વિચારોનો અદ્ભુત તાલમેલ જોવા મળે જ છે. સાથે-સાથે શ્રેષ્ઠ શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસને પણ મહત્ત્વ આપવામાં આવે છે. આ સરકારી શાળાની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી. તે સમયે માંડ ત્રણ-ચાર વિદ્યાર્થી અભ્યાસ માટે આવતા હતા. શિક્ષણ માટે લોકોમાં

જાગૃતિનો અભાવ કહો કે સારા શિક્ષકોની અછત, પરંતુ તે સમયે શાળાનો આજે જોવા મળે છે તેવો વિકાસ થશે તેવું વિચારવું પણ અઘરું હતંુ. ૨૦૦૯માં શાળાના પ્રિન્સિપાલ તરીકે બકોરભાઈ પટેલની નિમણૂક થઈ. આ પછી ધીમે-ધીમે શાળા વિકાસના ફાસ્ટ ટ્રેક પર દોડવા લાગી. આઠ વર્ષની અથાગ મહેનતના અંતે આજે શાળા જ્ઞાનરૃપી એવું વટવૃક્ષ બની છે જેના છાંયડે હજારો બાળકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં, છેલ્લાં ત્રણ વર્ષથી આંતરિક મૂલ્યાંકનમાં અગ્રેસર રહી શાળા સતત એ- ગ્રેડ મેળવતી રહી છે.

અહીં પ્રેક્ટિકલ દ્વારા શિક્ષણને સરળ બનાવાયું છે. બાળકોને બાયોગેસનું મહત્ત્વ સમજાવાય છે અને બાયોગેસને લગતાં નિયમિત શૈક્ષણિક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમથી શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવામાં આવ્યું છે. જેના કારણે બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો લગાવ વધ્યો છે. બાળકો મુક્તપણે પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે તે માટે દર શનિવારે બાળસભાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં બાળકો પોતાની કૃતિઓ દ્વારા પોતાની સર્જનક્ષમતાનો પરિચય કરાવેે છે. આ સમયે પ્રિન્સિપાલથી લઈને શિક્ષકો તથા બધા જ વિદ્યાર્થીઓ હાજર રહે છે. નોંધનીય છે કે, આ શાળામાં હાલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

કહેવાય છે કે બાળકોના સંસ્કારોનું ઘડતર કરવામાં શાળાનો ફાળો વધુ હોય છે. બાળક પોતાના જીવનનો સારો એવો સમય શાળામાં પસાર કરે છે અને ત્યાં જ તે જીવનના પાઠ શીખે છે. આ સંસ્કારો જીવનપર્યંત તેની સાથે રહે છે. આ  અભિગમ સાથે શાળામાં રામહાટ ચલાવવામાં આવે છે. રામહાટ થકી બાળકોમાં પ્રામાણિકતાના ગુણોનું સિંચન કરવામાં આવે છે. રામહાટનું સંચાલન શાળાના મોટા બાળકો કરે છે. રામહાટમાંથી બાળકો પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, નોટબુક જેવી શિક્ષણ સામગ્રી લઈ શકે છે. તેમણે કેટલી સામગ્રી લીધી તેની જાણકારી તેમણે શિક્ષકને આપવાની રહે છે. આ રીતે બાળકો પર ભરોસો મુકી તેમને સત્યની સાથે રહેવાનું શીખવવામાં આવે છે. શાળા પોતાનું પાકું મકાન ધરાવે છે. જેમાં અદ્યતન વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, પ્રાર્થનાખંડ, ભોજનકક્ષ, વૉટરરૃમ,  કુમાર, કન્યા અને શિક્ષકો માટે અલાયદા સેનિટેશન બ્લોક, પ્લે એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શાળાના રસોઈઘરમાં બાળકો માટે રોજ ભોજન તૈયાર થાય છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન ન મળે, તેઓ પ્રેક્ટિકલ પણ શીખે એ માટે શાળાના કમ્પાઉન્ડમાં જુદી જુદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં ચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ જેવા આકારની દીવાલ ઊભી કરવામાં આવી છે. જ્યાંથી બાળકને લાઇવ શિક્ષણ મળે છે. શાળા પરિસરની ફાજલ જમીનમાં દુર્લભ ઔષધિઓના છોડવા રોપવામાં આવ્યા છે. જેથી બાળકો નાનપણથી જ અમૂલ્ય ઔષધિને ઓળખતા થાય. વરસાદી પાણીના સંગ્રહ માટે ખાળકૂવો છે. આ પાણી સીધું જ વાવેલા શાકભાજીને આપી શકાય તેવી ઊભી કરેલી સંરચના કાબિલેદાદ છે.

માત્ર શાળાને જ નહીં, આખા ગામને હરિયાળું બનાવવા શિક્ષકો અને પ્રિન્સિપાલે સાથે મળીને નિર્ધાર વ્યક્ત કરેલો છે. શાળાના દરેક વિદ્યાર્થીએ પાંચ છોડ રોપવા અને તેની માવજત કરવાનુંં નક્કી કર્યું છે. ગામની મુલાકાત લેતાં દરેક ઘર, ખેતર અને સીમમાં વૃક્ષોનું વાવેતર થયેલું જોવા મળે છે. ગામની ગ્રીન લાઇબ્રેરીમાં બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું શીખવવામાં આવે છેે. જેમાં લીલો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે. તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે. શાળામાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વર્ષના અંતે બાળકોને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો અને પ્રવાસનું પણ આયોજન કરાય છે. મહત્ત્વની વાત એ છે કે, આ શાળાનું ગુણવત્તાવાળું શિક્ષણ અને વિશિષ્ટ સુવિધાઓના કારણે આણંદ, ભાલેજ અને આજુબાજુનાં ગામોમાંથી બાળકો અહીં ભણવા આવે છે. પોતાના બાળક માટે પ્રવેશ લેવા આવતા વાલીઓ પ્રેમથી ૧૧ રૃપિયા આપે છે, પરંતુ તેનો પણ સ્વીકાર કરવામાં આવતો નથી. અહીં એક પણ રૃપિયાની ફી વગર શિક્ષણ આપવામાં આવે છે.

શાળાના પ્રિન્સિપાલ બકોરભાઈ પટેલ કહે છે, ‘જ્યારથી આ શાળાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ શાળા મારા માટે બીજું ઘર બની ગઈ છે. શાળાના વિકાસમાં અમારા સ્ટાફનો પણ પૂરતો ફાળો છે. અહીં આવતાં દરેક બાળકને સમાન દ્રષ્ટિએ જોવામાં આવે છે. એક સમય એવો હતો કે બાળકોને ડિસિપ્લિન શું છે તેની ખબર નહોતી, પરંતુ આજે દરેક બાળક શિસ્તમાં રહે છે. એટલું જ નહીં, અમે બાળકોને એવું શીખવીએ છીએ કે દરેક ઇતર પ્રવૃત્તિમાં તે પોતે જ ઉત્સાહભેર ભાગ લે. કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગુજરાત સરકારનો ૨૦૧૬-૧૭નો સ્વચ્છતા ઍવોર્ડ અમારી શાળાને પ્રાપ્ત થયો છે. ભવિષ્યમાં બાળકો માટે વધુ કામ કરી શકાય તેવી અમારી ભાવના છે.’

આણંદ જિલ્લાના હાડગુડમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા પણ આવું જ બીજું ઉદાહરણ છે. શાળાના ગેટ આગળ પહોંચતા જ ત્યાં સુવાક્ય લખેલું જોવા મળ્યું. ‘બ્લેક કલર ભાવાનાત્મક રીતે ખરાબ હોય છે, પરંતુ દરેક બ્લેક બોર્ડ વિદ્યાર્થીઓનું જીવન વ્હાઇટ બનાવી દે છે.’  આ શાળાની ખાસ વિશેષતા જ એ છે કે દરેક વાતને અહીં સુવાક્ય દ્વારા રજૂ કરવામાં આવી છે. શાળામાં પ્રવેશ કરતા જ સીસીટીવી કેમેરામાં તમે કેદ થઈ જાવ છો. શાળાની એક-એક દીવાલ સુવાક્યો થકી જાણે તમારી સાથે વાતો કરતી હોય તેવું લાગે છે. સીડીઓ પર પણ અલગ-અલગ રીતે ગણિત અને હિન્દી વિષયની જાણકારી આપતંુ લખાણ જોવા મળે છે. શાળાની નેમ પ્લેટમાં જ વિકાસના વાવેતર લખાયેલંુ છે જે સ્પષ્ટ કરે છે કે, ખરેખર અહીં વાતો નહીં, પણ કામ થાય છે. આઝાદી પહેલાં ૧૮૯૩માં સ્થપાયેલી આ શાળાએ તાજેતરમાં જ ૧૨૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. નવ વિદ્યાર્થીઓથી શરૃ થયેલી આ શાળાની સાચી પ્રગતિ છેલ્લાં પાંચ વર્ષમાં થઈ છે. આજે ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. ગત વર્ષે ૧૨૨ સ્ટુડન્ટ અન્ય ખાનગી શાળાઓમાંથી અહીં આવ્યા છે. તે બાબત પુરવાર કરે છે કે, શાળામાં શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહી છે. શાળામાં કુલ ૨૫ વર્ગખંડો છે. અહીં બાળકોને પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ લગાવવામાં આવી છે. કન્યા અને કુમાર વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ સેનિટેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. શાળાનાં બાળકો માટે ખાસ પ્રકારનું મધ્યાહ્ન ભોજન માટેનો શેડ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણ ઉપરાંત ઇતર વાંચનમાં રસ વધે તે હેતુસર ૬ થી ૮ ધોરણનાં બાળકો માટે પુસ્તકાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દર પંદર દિવસે બાળકને નવું પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે. અહીં બાળકોના ખાસ વિદ્યાર્થી-કાર્ડ બનાવવામાં આવે છે. જેમાં બાળકની અંગત માહિતી ઉપરાંત વર્ષ દરમિયાન થયેલી દરેક પ્રવૃત્તિની રૃપરેખાની નોંધ કરેલી હોય છે. કોઈ પણ વિદ્યાર્થી વિશે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો આ કાર્ડ દ્વારા સહેલાઈથી મળી રહે છે. કોમ્પ્યુટર એ આજના યુગમાં પાયાનું શિક્ષણ ગણાય છે. જેથી આ શાળામાં દરેક વિદ્યાર્થીને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે. તે માટે બારથી પણ વધુ કોમ્પ્યુટર ધરાવતી અલાયદી લેબ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સ્માર્ટ ક્લાસના કન્સેપ્ટને પણ અહીં સફળતા મળી છે. તો પર્યાવરણની જાળવણી માટે ફૂલ- છોડની વાવણી ઉપરાંત તેની માવજત લેવાનું પણ અહીં શીખવાય છે. દરેક તહેવાર, ડેની ઉજવણી ધામધૂમથી થાય છે. નવરાત્રીમાં તો બાળકો ગરબા રમવાની મજા લેતાં હોય છે. તો વળી દિવાળી, ક્રિસમસ, હોળી, ધુળેટી, ગણેશઉત્સવ જેવા દરેક તહેવારો મનાવવામાં આવે છે.

બાળકોની ફિટનેસને અનુલક્ષીને રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ શાળાનાં બાળકોએ અનેક રમતોમાં ટ્રોફી જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. વર્ષ દરમિયાન ત્રણ પ્રવાસનું આયોજન થાય છે. ઉપરાંત નાની-મોટી પિકનિકનું આયોજન પણ કરવામાં આવે છે. સંગીતથી શીખવવામાં આવેલી કોઈ વસ્તુ ભૂલાતી નથી તેવા આશય સાથે અહીં ખાસ પ્રકારે પ્રાર્થના સમયે બાળકોને સંગીત શીખવવામાં આવે છે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળો, શિક્ષક દિન પ્રજાસત્તાક દિન જેવા અનેક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ હર્ષભેર જોડાય છે.

આ વિશે વાત કરતાં શાળાના પ્રિન્સિપાલ હિરેનભાઈ મેકવાન કહે છે, ‘પાંચ વર્ષથી આ શાળાનું સંચાલન કરું છું. અમે શરૃઆતથી જ બાળકને પોતાનું સ્ટેન્ડ લેતાં શીખવીએ છીએ. સ્વ.કલામ સાહેબે કહ્યું હતું કે, સપના તેના જ સાકાર થાય છે જે ખુલ્લી આંખે સપના જોવે છે. બાળકો માટે અમે ખુલ્લી આંખે સપના જોઈએ  છીએ. અહીં અભ્યાસ કરતું બાળક ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનયર, વકીલ કે સારી પોસ્ટ પર કામ કરે તેવી અમારી ભાવના છે. શાળાના શિક્ષકો પણ બાળકોને સારું આપવાના બેસ્ટ પ્રયાસો કરી રહ્યા છે. અમારા બાળકો અમારું ગૌરવ છે.’

નડિયાદની બાજુમાં હજારેકની વસ્તી ધરાવતંુ ગામ એટલે વાલ્લા. બિલકુલ ગામડાની પરિભાષામાં બંધ બેસતા આ ગામમાં પહોંચતા જ તેની શાળાની મુલાકાત લીધા વગર તમને સંતોષ ન થાય. શાળાના વિદ્યાર્થીઓ જ નહીં, ગ્રામજનો પણ જાણે હજુ વિદ્યાર્થીઓ જ હોય તેવો માહોલ અહીં જોવા મળે છે. એક સારું પુસ્તક તમારા જીવનને બદલી શકે છે. ગામમાં વાંચન

પ્રવૃતિને ઉત્સાહથી જોવાય છે. માટે જ મારું ઘર મારું પુસ્તકાલય હેઠળ રાજ્યનો બીજો અને જિલ્લાનો પ્રથમ પ્રયોગ આ શાળામાં કરવામાં આવ્યો, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં સંસ્કારોનું સિંચન કરતા અને જીવનનો મહત્ત્વનો ભાગ બની રહેતાં પુસ્તકો વાંચવા માટે આપવામાં આવ્યાં. આ શાળામાં મારો વર્ગ એ જ સ્વર્ગ, એ ધ્યેયમંત્ર સાથે વર્ગખંડમાં ચારેય દિશાઓ અને ઉપર-નીચે જે-તે શૈક્ષણિક એકમની રંગીન ચિત્રાત્મક રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગના તમામ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ પણ અહીં મુકાયેલા જોઈ શકાય છે. પ્રેક્ટિકલ જ્ઞાન માટે શાળાની દીવાલો પર ફૂલ, ફળ, પંખી, પતંગિયા, માછલીઓ વગેરેનાં ચિત્રો બનાવાયાં છે. જેના કારણે જૂથકાર્યમાં વિદ્યાર્થીઓ સરળતાથી વિભાજિત થઈ શકે અને વર્ગમાં પોતાનો ફોટોે જોઈ આત્મગૌરવ અનુભવી શકે. ટૂંકમાં હરતાં, ફરતાં, રમતાં, ગમતાં શીખતાં જાય તેવું વાતાવરણ અહીં સર્જવામાં આવ્યું છે. શાળાનાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને વડીલો, માતા-પિતાનો આદર કરતા થાય તે હેતુસર શ્રવણ સંસ્કાર પર્વની ઉજવણી કરવામાં આવે છે. શાળાનાં બાળકો નિયમિત રીતે ઘરડા ઘરની પણ મુલાકાત લે છે અને વડીલોને જરૃરી સામગ્રી પૂરી પાડે છે. જેની વ્યવસ્થા શાળામાંથી જ કરવામાં આવે છે. જળ એ જીવનદાતા છે એ વાતને સાર્થક કરતા જળ સંસ્કાર પર્વની ઉજવણી પણ કરવામાં આવે છે. ઉપરાંત પર્યાવરણ જાગૃતિ, વિવિધ નિદાન યજ્ઞ, કુપોષણ પર પોષણ, ચકલી બચાવો અભિયાન, આકસ્મિક આપત્તિ સમયે રાહત કાર્ય જેવા અનેક કાર્યક્રમો આ શાળાનો વિશેષ ભાગ બની ચૂક્યા છે.

સન્ડે સ્કૂલ એ આ શાળાનો નવો કોન્સેપ્ટ છે. દરેક રવિવારે આ શાળામાં સવારે ૯થી ૧૧ દરમિયાન વિદ્યાર્થીઓને વાંચન, લેખન, ગણનનો વિશેષ મહાવરો કરાવી તેમના શૈક્ષણિક સ્તરને સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે. ઉપરાંત તેમના શૈક્ષણિક, સામાજિક, માનસિક અને શારીરિક ઘડતરની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. અહીં વાંચન ગ્રંથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં એકસાથે ૨૧ બાળકો બેસી વાંચી, વિચારી શકે તેવી રળિયામણી ગ્રંથ કુટિર બનાવવામાં આવી છે. આ શાળાને અલગ પાડે છે શૈક્ષણિક કઠપૂતળી ખેલ, એટલે કે પરંપરાગત લોકકલાને અહીં જે મહત્ત્વ અપાય છે તે કદાચ અન્ય જગ્યાએ જોવા મળતું નથી. આજની પેઢી આ બધું વિસરતી જાય છે, જ્યારે આ શાળામાં આવા ખેલ દ્વારા બાળકોને એક નવા જ પાઠ શીખવવામાં આવે છે. કઠપૂતળીના ખેલ દ્વારા દરેક મુદ્દાને રજૂ કરવાનું શીખવતી હોય તેવી કદાચ આ એક માત્ર શાળા છે. આ શાળા અનેક પુરસ્કારોથી સન્માનિત થયેલી છે. પછી તે વાંચે ગુજરાત હોય કે સ્વચ્છતા અભિયાન હોય, દરેક ઉપલબ્ધિ આ શાળાની આગવી ઓળખ બની ચૂકી છે. ગુજરાત ઉપરાંત ભારત સરકારે પણ આ શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓને પુરસ્કાર અને બહુમાનથી સન્માનિત કર્યા છે.

શાળાની પ્રગતિમાં જેમનો મોટો ફાળો રહ્યો છે તેવા ઉપાચાર્ય હિતેશભાઈ બ્રહ્મભટ્ટ  કહે છે, ‘પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા કહેતા કે સારા સમાજની રચના સારા શિક્ષણથી જ થઈ શકે. બસ પછી નક્કી કર્યું હતું કે જ્યારે પણ તક મળશે, હું તે કરી બતાવીશ. જ્યારે વાલ્લા શાળામાં મને તક મળી પછી અમે અથાગ પ્રયત્નો કર્યા. ધીમે ધીમે કામ કરતા રહ્યા અને સફળતા મળતી રહી. મારા પત્ની નયના બ્રહ્મભટ્ટ પણ આ જ શાળામાં શિક્ષિકા છે. તે પણ મને પૂરી મદદ કરે છે. શાળાનો સ્ટાફ પણ હેલ્પફુલ છે. સૌથી વધુ આનંદ બાળકો માટે છે, જે દરેક કાર્યમાં સાથે હોય છે. ઘણી મહેનત પછી આજે વાલ્લા ગામની આ નાનકડી શાળાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્યાં બાળકોને આવવું ગમે છે, ભણવું ગમે છે અને રોકાવું પણ ગમે છે.’

વડોદરા શહેરની આ શાળાની વાત જરાક અલગ છે, કારણ કે શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ થકી શાળાને ઓળખ મળી છે. ગુજરાતના જાણીતા ગઝલકાર હનિફ સાહિલને કોઈ ઓળખની જરૃર નથી. તેવી જ રીતે આજે તેમના પુત્ર શકીલ પઠાણ પણ કોઈ ઓળખના મોહતાજ નથી. જેની પાછળનું મુખ્ય કારણ છે એમઇએસ હાઈસ્કૂલ, નાગરવાડા. આઝાદી પહેલાંની આ શાળામાં શકીલ જ્યારે પ્રિન્સિપાલ બનીને આવ્યા ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે વડોદરા શહેરની આ સરકારી શાળાને મારે ટોચ પર લઈ જવી છે. હવે પ્રશ્ન હતો કે શરૃઆત કેવી રીતે કરવી, કારણ કે એકબાજુ સરકારી શાળા પ્રત્યે લોકોની રુચિ ઓછી હોય છે. બીજી બાજુ ખાનગી શાળાઓ સાથે કોમ્પિટિશન કરવાની. પણ બધાનો સહકાર મળે તો દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. એવું જ કંઈક બન્યું. ૧થી ૧૨ ધોરણની આ શાળામાં વિદ્યાર્થીઓને બેસ્ટ અને કંઈક અલગ મળે તે હેતુસર અનેક કાર્યક્રમો શરૃ કરવામાં આવ્યા. જેમાં ભૂલકાઓને એમની ભાષામાં શિક્ષણ આપવાનું શરૃ કર્યુંુ. રમત સાથે જ્ઞાન મેળવવાની રીત અહીં સાચા અર્થમાં સાર્થક કરવામાં આવી. હાલ શાળામાં અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સાહિત્યમાં રસ હોય તેવાં બાળકો માટે ખાસ પ્રકારનું સાહિત્યનું જ્ઞાન પીરસવામાં આવે છે. ઉપરાંત જે બાળક જેમાં પારંગત હોય તેમને તે ક્ષેત્રમાં આગળ વધવાની વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકનો રસ જાણી તેમની મદદ કરવામાં આવે છે. અહીં નિયમિત રીતે ટેસ્ટ લેવામાં આવે છે. જે વિદ્યાર્થી નબળો હોય તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કોમ્પ્યુટર કલાસ, સ્માર્ટ ક્લાસ જેવી અદ્યતન સુવિધાઓ પણ છે. ઉપરાંત પીવા માટે શુદ્ધ પાણી, રમવા માટે મેદાનની પણ વ્યવસ્થા છે. મહિનાના અંતે કોઈ એક ક્ષેત્રની સેલિબ્રિટીને બોલાવીને બાળકો સાથે તેમની મુલાકાત કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ શાળા વડોદરા શહેરની વચ્ચોવચ હોવા છતાં પણ અનેક સરકારી શાળાઓ માટે તે પ્રેરક બની રહી છે.

શાળાના પ્રિન્સિપાલ શકીલ અહેમદ પઠાણ કહે છે, ‘હું શાળા સાથે અનોખા સંબંધથી બંધાયેલો છું. કોઈને અતિશયોક્તિ લાગતી હોય, પરંતુ શાળામાં અભ્યાસ કરતા દરેક બાળક પ્રત્યે મારી ફરજ રહેલી છે. તેમનાં માતા-પિતા જેટલા વિશ્વાસથી તેમને અમારી પાસે મુકે છે સામે પક્ષે અમારી પણ તેટલી જ જવાબદારી બને છે. અમારી શાળાને સરકાર તરફથી અનેક પુરસ્કારો મળ્યા છે. બાળકો પણ અનેક સ્પર્ધા જીતી ચૂક્યા છે. અમારું સાચું ઇનામ તો અમારા બાળકોનું ભાવિ છે. અહીંથી પાસ થઈને બાળક જ્યારે પોતાના જીવનની શરૃઆત કરે અને તેમાં તે સફળ થાય ત્યારે ખરેખર લાગે છે કે અમે કંઈક કરી રહ્યાં છીએ.’

આ ઉદાહરણો એ સૂચવે છે કે સરકાર જોર આપે કે ગામ-શહેરના જાગૃત નાગરિકો જોર આપે અને સરકારી શાળાનું સુકાન સારા આચાર્યને સોંપે તો સરકારી શાળાનું શિક્ષણ ખાનગી શિક્ષણને આંટે એવું મળે અને તો વાલીઓને પરસેવાની કમાણી બાળકોની તોતિંગ ફી પેટે ભરવામાંથી પણ મુક્તિ મળે. કોર્ટના ફી ઘટાડાના આદેશની રાહ જોવામાંથી પણ મુક્તિ મળે. આમ થઈ શકે એમ છે. સરકારી શાળાઓનાં મકાનો અને મેદાનો અને શિક્ષકો છે. જરૃરત છે ગુણવત્તા સુધારવાની. શાખ સુધારવાની. એમ થાય તો ફરી ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવાહ ફંટાઈ શકે છે.

———–.

અહીંથી પાસ થઈને બાળક જ્યારે પોતાના જીવનની શરૃઆત કરે અને તેમાં તે સફળ થાય ત્યારે ખરેખર લાગે છે કે અમે કંઈક કરી રહ્યાં છીએ – શકીલ અહેમદ પઠાણ, પ્રિન્સિપાલ, એમઇએસ સ્કૂલ, નાગરવાડા, વડોદરા

———–.

ઘણી મહેનત પછી આજે વાલ્લા ગામની આ નાનકડી શાળાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્યાં બાળકોને આવવું ગમે છે, ભણવું ગમે છે અને રોકાવું પણ ગમે છે – હિતેશ બ્રહ્મભટ્ટ, ઉપાચાર્ય વાલ્લા પ્રાથમિક શાળા, વાલ્લા, નડિયાદ

———–.

દરેક બાળકને સમાન દ્રષ્ટિએ જોવામાં આવે છે. એક સમય એવો હતો કે બાળકોને ડિસિપ્લિન શું છે તેની ખબર નહોતી, પરંતુ આજે દરેક બાળક શિસ્તમાં રહે છે – બકોરભાઈ પટેલ, પ્રિન્સિપાલ, દેવજીપુરા, પ્રાથમિક શાળા, આણંદ

———–.

સપના તેના જ સાકાર થાય છે જે ખુલ્લી આંખે સપના જોવે છે. બાળકો માટે અમે ખુલ્લી આંખે સપના જોઇએ છીએ. વિદ્યાર્થી સારી પોસ્ટ પર કામ કરે તેવી અમારી ભાવના છે – હિરેન મેકવાન, પ્રિન્સિપાલ, હાડગુડ પ્રાથમિક શાળા, આણંદ

———–.

અઢી કરોડની સરકારી ઈકો ફ્રેન્ડલી શાળા…

રાજય સરકારે રાજકોટ નજીક શાપર ઔદ્યોગિક ઝોનમાં રૃ.ર.પ૦ કરોડના ખર્ચે ઈકો ફ્રેન્ડલી શાળાનું નવું બિલ્ડિંગ બનાવી એક નવી પહેલ કરી છે. શાપર ઔદ્યોગિક ઝોન છે, અહીંની સરકારી પ્રાથમિક શાળામાં આસપાસના કારખાનામાં કામ કરતા શ્રમિકોનાં બાળકો મોટા ભાગે અભ્યાસ માટે આવતાં હોય છે. આ બાળકોને સારું શિક્ષણ સારા વાતાવરણમાં મળે એ હેતુથી આ ઇકો ફ્રેન્ડલી શાળા બનાવવામાં આવી છે. આ શાળામાં ૧૭ વર્ગ ખંડ, ર પ્રયોગશાળા, મધ્યાહ્ન ભોજન માટે અલગ કિચન શેડ, ૧૦ ટોઈલેટ, એક મલ્ટી ફંકશન હોલ, શાળાની ફરતે કમ્પાઉન્ડ હોલ, રમત માટે મેદાન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શાળાના ઓરડાઓ એવી રીતે બાંધવામાં આવ્યા છે કે કુદરતી રીતે જ હવા ઉજાસ રહે, ઓરડામાં પ્રકાશ સતત રહે, હવા માટે પંખાની જરૃર ન રહે તે બાબતનો ખ્યાલ રાખીને બાંધકામ કરાયું છે. ઉપરાંત શાળામાં પર્યાવરણ જળવાય તે હેતુથી ગ્રીન હાઉસનો કન્સેપ્ટ ધ્યાનમાં રખાયો છે.

————————.

You might also like