અભિયાનઃ ચર્લિંગ ઘાટ – ગૌતમ અમીન

પીટર ધ ગ્રેટ નહીં પીટર એ નોર્મલ!

વેંતિયાં દેખી કે પહાડી જોઈને મન નાનું મોટું શું કરવું

હાથી કે મચ્છર શું કર્મ કરે છે એ સમજી મગજ મરડવું

*

રામાયણની કથા બહુમતી લોકો જાણે છે. એમાંય જાણકારો રામાયણનું ખરું પિક્ચર ક્યાં શરુ થાય છે એ સમજે છે. સનક, સનન્દન, સનાતન ને સનત ઋષિઓ વિષ્ણુ દર્શન માટે જાય છે. દ્વારપાલ જય વિજય એમને ના પાડી રોકે છે. કેમ? ચારે દેખાવમાં બાળક હતાં એટલે. ત્રેતામાં રાજા બલિના દ્વારપાલ બનેલા વિષ્ણુને ઓછા આંકવામાં આવે છે, સર્વ પ્રથમ મનુષ્યરૂપે થયેલ અવતાર વામનને બલિ રાજા નાના ગણે છે એવી વાત છે. અરે આ કલિમાં જ જુઓને લાલ બહાદુર શાસ્ત્રીને મર્યાદિત ધારી બેઠેલા તાકાતવર એવં કદાવર મનુષ્યો નહોતા?

 

બિગ ઇઝ બેસ્ટ એ મુક્ત અર્થતંત્ર વા પશ્ચિમી ગોરી જીવન શૈલીની એક ખાસિયત છે. ટીવી નવું નવું આવ્યું ત્યારે ૭૦ એમએમની સામે ક્ષુલ્લક ગણાતું. પણ, થયું એવું કે નાનો નાનો પણ રઈનો દાણો અંતે દાલમેં કુછ કાલા તો ચહિયે હી સુધી પહોંચ્યો. બચ્ચન ને અમરીશ પૂરી જેવા સાઇઝેબલ સ્ટાર્સથી પોંખાતી આંખો આમિર ને સલમાન જેવા સામાન્ય હાઇટના સિતારાઓના પ્રેમમાં પડી એ સાથે ટીવીના બંધનમાં પણ બેઠી. સ્વચ્છ મનોરંજન યાદ હોય એને કદાચ “દેખ ભાઈ દેખ હેં” યાદ હશે. જેના લેખક હતા ફારુકિ. જોનાથન સ્વિફ્ટની “ગુલિવર્સ ટ્રાવેલ્સ”માંના એક ટાપુ “લિલીપુટ”થી એ ફેમસ. “સ્વયંવર ૨૦૦૦”ના હોસ્ટ બનેલા એ કલાકારની ઊંચાઈ ચાર ફૂટ સાત ઇંચ. કે કે ગોસ્વામી(સીઆઇડીનો ઢેંચુ) ૩ ફૂટ. બાળક કલ્પેલા ને આજે સૌના લાડીલા વડીલ બની ગયેલા ટીવી પર અસામાન્ય દેહધારી જ્યોતિ ને જુહી જેવી સ્ત્રીઓ પણ રંગ રાખે છે. અરે ૨ ફૂટ ૬ ઇંચના આપણા મલયાલમ એક્ટર અજય કુમાર સૌથી નીચા ફિલ્મ એક્ટર તરીકે ગિનેસ બુકમાં નામ ધરાવે છે.

 

હોલીવુડમાં તો ૧૪૭ સેમીના ડેની દવિટોનેય ઠીંગણા ગણવામાં આવે છે. “ધ મેન વિથ ધ ગોલ્ડન ગન”નો બટકો “ગુંડો” હર્વી ઘણાને યાદ હશે. ગેરી કોલમેન, જોસેફ કોકસ, કેની બેકર. મહિલા અદાકારા બ્રિજેટ પાવર્સ. “ઓસ્ટિન પાવર્સ: ધ સ્પાય હુ શેગ્ડ મી”થી ઘણા પોપ્યુલર થયેલા વર્ની ટ્રોયર. વુડબર્ન, જેસન, મેથ્યુ, વોર્વિક. “ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી” ને “પ્લેનેટ ઓફ એપ્સ”માં રોલ કરી ચૂકેલા મૂળ ભારતના દીપ રોય. એક બાજુ માત્ર શરીરની હાઇટ ઓછી હોય એવા અભિનેતા તો બીજી બાજુ સપ્રમાણ રીતે ટૂ સ્મોલ હોય એવા, મિજેટ. એવામાં જેનું માથું ને ધડ પુખ્તવયનું પરંતુ હાથ પગ ટૂંકા હોય એવા ડવાર્ફ એકટર ખાસ્સા અલગ તરી આવે છે. કહેવાતા નેચરલ ઉર્ફે નોર્મલ દેહધારીઓની દ્રષ્ટિ ને મન એમને વધુ આશ્ચર્યથી જુએ. શક્યત: આઘાતથી. સામાન્યત: મશ્કરીથી પણ. એવા મનુષ્યોને “આપણા” સમાજમાં હકીકતે એક વિચિત્ર જીવ તરીકે મહદ ટ્રીટ કરવામાં આવે છે. ફાંટાબાજ કુદરતની કરામત કે પૂર્વ જન્મના પાપનું ફળ કહીને એમને નકામા યા વધારાના તો ઠીક પણ “ક્ષુદ્ર” કે “મલેચ્છ”થી પણ નીચે ગણનારા ઓછા નથી.

 

એવા જ એકોન્ડ્રોપ્લેઝ્યાના શિકાર બનેલા પીટર ડિંકલિજ એ.કે.એ. ટાયરિઓન લેનિસ્ટર ઓફ ધ મોસ્ટ વોન્ટેડ શો “ગેમ ઓફ થ્રોન્સ” લાંબા જીવનની ઊંચી દિવાલો ચઢીને એઝ ઓફ ટુડે ઊંચા વેતન દર સાથે ઘણા લાંબા સમયથી એક વિશાળ કિરદાર નિભાવી રહ્યા છે. કોઈએ કલ્પ્યું ના હોય ત્યારે જ અત્યંત ચાહિતા પાત્રને મારી નાંખવા માટે પ્રસિદ્ધ એ સિરિઅલ પીટર ડિંકલિજના સક્ષમ ખભા પર ટકેલી છે એવું નથી. પણ, સામે ડાયરેક્ટરને એય ભાન છે કે ટાયરિઓન લેનિસ્ટર(પીટર ડિંકલિજ) જીવે છે તો શોને પાંચમો ચાંદ લાગેલો છે. ચાર ફૂટ પાંચ ઇંચના આ મહાનુભાવ કમ સે કમ ૬૪ વાર એવોર્ડ માટે નોમિનેટ થયેલ છે. “રાજા નષ્ટ થઇ ગયેલો ઉદ્દેશ છે, હું તો બાકીના બધાં જે આપણે છીએ એની ચિંતામાં છું.” આવી મુદ્દાસરની સ્પષ્ટ ને મર્મવેધી વાત જ્યારે પીટરના મોઢામાંથી નીકળે ત્યારે દર્શકોની નજર સલામ કરવા માંડે છે. કોમન આઈ માટે હાઇલિ લિમિટેડ દેખાતો વ્યક્તિ જ્યારે “મહાન માણસો માટે ઘણું વધારે પડતું લખાઈ ગયું છે, ચક્રમો માટે જરૂરી છે એટલું પણ નથી લખાયું.” કહે ત્યારે જોનાર એની હાઇટ અનકોમનલિ હાઇ જોઈ શકે છે. “હું એથી કંઇક ઘણા મોટા રાક્ષસી ગુના માટે જવાબદાર છું, હું વામન હોવા માટે દોષી છું.” કહેતા ટાયરિઓનના પાત્ર દ્વારા જાણે પીટર સ્વયં ચાબખો મારે છે. “જ્યારે તમે કોઈની જીભ કાપી નાખો છો ત્યારે તમે તેને જુઠ્ઠો નથી સાબિત કરતા પણ, તમે વિશ્વને કહી દો છો કે એ જે બોલશે તેનાથી તમે ડરો છો.”. ચુનંદા શબ્દમાં કડવી વાસ્તવિકતા કહેવાનો એક પણ સાચો મોકો ચૂક્યા વિના પીટર બોલે છે “શક્તિશાળીઓ હંમેશા નિર્બળનો શિકાર કરે છે, એ રીતે જ તો એ લોકો મૂળે શક્તિશાળી બન્યા હોય છે.”.

 

બાત સીધી સી હેં, મોસ્ટલિ આપણે શારીરિક રીતે ખુદની કે જનરલિ મેજોરિટીમાં હોય છે એવા માનવીઓની સામે મર્યાદિત દેખાતા લોકોને ફક્ત અન્ડરએસ્ટીમેટ નથી કરતા, અન્ડરમાઇન પણ કરીએ છીએ. પીટર ડિંકલિજને બચપણથી અડોશ-પડોશ, સ્કૂલ કે સગા-સંબંધીઓ વચ્ચે એમના ડવાર્ફ હોવાને લઈને તકલીફ પડી હતી. પણ, એમણે પોતે જે કરવું હતું, જીવનમાં પોતે જે બનવું હતું એ ધ્યેય કદી ના છોડ્યો. એમણે અભિનયક્ષેત્રમાં જ આગળ વધવું હતું. ટાયરિઓન એકવાર સલાહ આપે છે “તમે કોણ છો એ કદી ના ભૂલો, એને બખ્તરની જેમ પહેરી રાખો. તમને દુ:ખ આપવા માટે એનો કદી ઉપયોગ નહીં થાય.”. એમણે ડ્રામાની ડિગ્રી લીધી પછી મિત્ર ઇઆન સાથે થીએટર કમ્પની શરુ કરી. પરંતુ, એ ના ફાવ્યા. ઘરનું ભાડું ના ભરી શકવાને કારણે ન્યૂયોર્કમાં લગભગ રોડ પર આવી ગયા. ઓળખીતા પારખીતાના ઘરે સોફામાં સૂવું પડ્યું. આખરે કોઈ ડેટા પ્રોસેસિંગ કમ્પનીમાં ૬ વર્ષ કામ કર્યું. પોતાને ગમતા કાર્યથી તદ્દન ભિન્ન કામમાં જોતરાવાના દર્દ કરતા એમને પોતાના પગ પર ઊભા થવું મહત્વનું લાગ્યું. સફળ થયા બાદ એમણે સ્વીકારેલું કે એ નોકરીને કારણે હું ટકી ગયો. આગળ જતા કામ મળવામાં ઘણી અડચણ આવી. એમના બોડિના કદ-આકારને કારણે એમને અમુક તમુક પ્રકારના રોલ જ મળતા, જે મોટે ભાગે એ રિજેક્ટ કરતાં ને અભિનયક્ષેત્રે આગળ વધવામાં, અભિનયકળાને ન્યાય આપે એવા કામ જ પસંદ કરવાની કોશિશ કરતા. ઇવેન્ચ્યુઅલિ સમસ્ત દુનિયાએ એમને પ્રેમ ને માનથી ભીની તાલીઓથી વધાવ્યા.

 

જોવાની ખૂબી એ છે કે પ્રચંડ સફળતા બાદ પણ પીટર પોતાને ડવાર્ફ લોકોના પ્રતિનિધિ નથી ગણતા. એમનો ભાવ એવો છે કે દરેક ડવાર્ફની પોતાની કહાની છે, જે હું નથી જીવ્યો. શું “સામાન્ય” માણસમાં આવી ક્લેરિટી ઓફ થોટ્સ હોય? જીવનમાં સમાજ તરફથી ઘણી નકારાત્મકતા અથડાઈ હોવા છતાં પીટરના માનસમાં કોઈ પ્રકારે પ્રતિઘાતી યા હિંસક વલણ નથી દેખાતું. તેઓ પ્યોર શાકાહારી છે. પ્રાણીઓના હક્ક માટે સતત સક્રિય છે. ઇન્ટરનેટ પર એમના લગીર પણ દંભ વિનાના તેમજ ટૂંકી ને પોઇન્ટ-ટુ-પોઇન્ટ વાત કરતા વિડીઓ છે, જેને પ્રવચન કહેતા પણ અચકાટ થાય. પીટર સિમ્પ્લિ સેઝ “તમારી બાકીની રહેલી જિંદગીને તમને મળવા જાગૃત કરો. અર્થસભર લાગે કે નિર્ણાયક લાગે એવી ક્ષણો શોધ્યા ના કરશો, એ કદી નહીં આવે. તમને ન્યાય આપે એવી ક્ષણો તો અવતરી ચૂકી છે. અને એ ફરી પણ જન્મેલી જોવા મળશે જ. તમે કદાચ મોકો ચૂકી જાવ પરંતુ, થોડા વખતમાં જ કશું (હકરાત્મક) ઘટશે, મારો વિશ્વાસ કરો. ઘટનાઓ ક્રમબદ્ધ ગોઠવતી જશે.”. વેલ, ઘણાને થશે કે જે શારીરિક રીતે વિનિયત ના હોય એને આ પીટરની ગાથામાંથી શું શીખવાનું? ઉત્તર એટલો જ કે લુક એટ પીટર, એણે જે વાત કરી એ ઓન્લી ડવાર્ફ માટે નથી. શું આપણે પણ એવી ઇક્વાલિટી નહીં પણ ઇક્વિટી વાળો નજરિયો ના કેળવી શકીએ? મેટર ચપટી ધૂળ ને સંઘરેલ સાપની નથી. હ્યુમન બિઇંગની છે. અને આપણે પણ  હ્યુમન “બિઇંગ” જ છીએ, હ્યુમન “બિન” અર્થાત ઓલરેડી બની ચૂકેલા કમ્પ્લીટ હ્યુમન નથી.

——–

બુઝારો

તત્ત્વ પર મર્મ હોય. મર્મ પર અર્થ હોય. અર્થ પર શબ્દ હોય. શબ્દ પર લિપિ. અને “લિપિ” શબ્દ નો એક અર્થ થાય છે બાહ્ય દેખાવ.

vatsyara@gmail.com

You might also like