મોરબીનો સિરામીક ઉદ્યોગ ચીનને પછાડશે !

મોરબીનો સિરામીક ઉદ્યોગ આજકાલ કરતા સો વર્ષ જૂનો થઈ ગયો છે. મોરબી આજે વિવિધ પ્રકારની ટાઈલ્સ તૈયાર કરીને દુનિયામાં નામના મેળવી રહ્યું છે. આજે ભારત ઉત્પાદિત  ૯૦ ટકા ટાઈલ્સનું નિર્માણ મોરબીમાં થાય છે. ટાઈલ્સનું વૈશ્વિક બજાર જ્યાં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે ત્યાં ભારતમાં એ આંકડો ૧૨.૦ ટકા આસપાસ છે. એમાં મોરબીનું યોગદાન સૌથી વધુ છે. મોરબીને યાદ કરવાનું કારણ એટલું જ કે મોરબી સિરામીક એસોસિએશનના સહયોગથી ૧૬-૧૯ નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ માટે દુનિયાનું સૌથી વિશાળ સિરામીક એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. ગત વર્ષથી શરુ થયેલી આ પ્રવૃત્તિ આ વર્ષે વધુ વિસ્તાર પામી છે. ૫૦ હજાર ચોરસમીટરમાં ફેલાયેલું હોય તેવું તે દુનિયાનું પહેલું ટાઈલ્સ એક્ઝિબિશન હશે તેમ તેના આયોજકો કહી રહ્યાં છે. પ્રદર્શનમાં ૬૫ દેશોના ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડ્સ, આકાર અને ડિઝાઈનમાં દુનિયાભરના સિરામીકો એક છત નીચે આવનાર છે. ગત વર્ષે પહેલી વખત આયોજન કરાયું હોવા છતા પ્રદર્શનને અંતે રુ. ૫૦૦ કરોડના મૂલ્યનો વેપાર થયો હતો અને અંદાજિત રૂ. ૧૩૦૦ કરોડના નવા ઓર્ડર મોરબીના સિરામીક ઉદ્યોગને મળ્યાં હતા. આયોજકોનો દાવો છે કે ૨૦૨૦ સુધીમાં તે ટાઈલ્સનું સો ટકા માર્કેટ કવર કરીને ચીનને પછાડ આપશે.

You might also like