માંડવીના સર્જને સર્જ્યા ઓઇલ પેઇન્ટના ગૌતમ બુદ્ધ

સામાન્ય રીતે સર્જનના હાથમાં ઓપરેશનના સાધનો હોય પરંતુ માંડવીના સર્જને પોતાનો શોખ સંતોષવા હાથમાં પીંછી અને રંગ પકડ્યા અને સર્જાયું ગૌતમ બુદ્ધના ૪૫ ઓઇલ પેઇન્ટના ચિત્રોનું સુંદર પુસ્તક. ‘યુ નેવર નો’ પુસ્તકમાં ગૌતમ બુદ્ધના ચહેરાની અલગ અલગ છટાઓને કલાકાર- સર્જને કેનવાસ પર ઉતારી છે. આ પુસ્તક અંગે વાત કરતી વખતે ડૉ. કૌશિક શાહ જણાવે છે કે, ‘નાનપણથી જ મને ચિત્રોનો શોખ હતો. સર્જન બન્યા પછી મારા શોખ માટે સમય ફાળવી શકતો ન હતો. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી મેં નિયમિત ચિત્રો દોરવાનું શરૃ કર્યું. મેં ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ અંગેનું ઘણું સાહિત્ય વાંચ્યું હતું. તેમાંથી જ મને ગમેલા વિચારોને નોંધી લીધા હતા અને આ પુસ્તકો વાંચતી વખતે જ મને ગૌતમ બુદ્ધના ચિત્રો દોરવાનો વિચાર આવ્યો. મેં અલગ અલગ સાઇઝના ૪૫ ચિત્રો દોર્યા છે. સૌથી મોટું ચિત્ર ૫ બાય ૫ ફૂટનું અને સૌથી નાનું ૧ બાય ૧ ફૂટનું છે. અમુક ચિત્રો દોરતા ૩-૪ મહિના પણ લાગ્યા છે. તો અમુક ચિત્રો બનાવતી વખતે સળંગ સમય મળી જતાં ૪-૫ કલાકમાં પણ પૂરા થયા છે. હું થાઇલેન્ડ ગયો હતો ત્યાં ‘વટ ફારા દોઇના સ્તુપ’ પાસે દોરાયેલા ગૌતમ બુદ્ધના ચિત્રો જોયા હતા, તેમાંથી તેમનો ચહેરો કેવો હોવો જોઇએ તેની મને કલ્પના આવી હતી. જે ચિત્રો મનમાં વસી ગયા તેમને મેં કેનવાસ પર ઉતારવા પ્રયાસ કર્યો છે. ૪૫ ચિત્રોની આખી શ્રેણી પૂરી કરતાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.’ આ ચિત્રો જ્યારે પુસ્તક સ્વરૃપે બહાર પડ્યા ત્યારે તેમને ‘આ તો હજુ શરૃઆત છે’ એવું લાગ્યું હતું. તેમને ભગવાન બુદ્ધ વિશે હજુ વધુ વાંચવાની અને વધુ ચિત્રો દોરવાની ઇચ્છા છે. હાલમાં તેઓ તેમના બીજા શોખ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી વિશે પુસ્તક તૈયાર કરી રહ્યા છે. જે નજીકના ભવિષ્યમાં બહાર પડશે.

You might also like