Categories: Gujarat

આ લડાઈ ભાજપ વિરૃદ્ધ ગુજરાતની જનતાની છે, સત્તા પરિવર્તન નક્કી છે – ભરતસિંહ સોલંકી

ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારોની યાદીને અંતિમ રૃપ આપવાની કવાયત વચ્ચે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અભિયાન સાથેના ચૂંટણી સંવાદમાં ગુજરાતનાં બદલાયેલા રાજકીય હવામાન, રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અને કૉંગ્રેસનાં સંગઠન અંગે વિસ્તારથી વાત કરી ગુજરાતમાંથી હવે ભાજપની વિદાય નક્કી હોવાનો દાવો કર્યો હતો………………………………….

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનાં મતદાન માટેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. કૉંગ્રેસ હાઈકમાન્ડ તેના ઉમેદવારોની પસંદગીને અંતિમરૃપ આપવામાં વ્યસ્ત છે તેવા સમયે અમદાવાદથી દિલ્હી જતા પૂર્વે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અભિયાન સાથેના ચૂંટણી સંવાદમાં એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ વખતે અમે નહીં લોકો કહી રહ્યા છે કે ગુજરાતમાં કૉંગ્રેસ આવી રહી છે. કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં જે જન સમર્થન મળી રહ્યું છે તે જ તેનો પુરાવો છે. આ વખતની ચૂંટણી લડાઈ એ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની નહીં પણ ભાજપ અને ગુજરાતની જનતા વચ્ચેની છે અને તેમાં ગુજરાતની જનતાની જીત પાક્કી છે. કૉંગ્રેસ ગુજરાતની જનતાની પડખે ઉભી રહી છે અને રહેશે. અમે ગુજરાતને પાંચ – છ ઉદ્યોગપતિની માલિકીનું બનવા નહીં દઈએ, અમે જનતાને ગુજરાતનાં માલિક બનાવવા માગીએ છીએ.

સંવાદનો દોર આગળ વધારતા ભરતસિંહ કહે છે, અત્યારે ગુજરાતમાં દરેક વર્ગ દુઃખી છે. ખેડૂત, મહિલા, યુવાન, આંગણવાડી બહેનો હોય કે ફિકસ પગારમાં નોકરી કરનારા હોય ગુજરાતમાં સામાન્ય જનતાનાં ચહેરા પરથી નૂર ઉડી ગયું છે, પરેશાન છે ત્યારે અમે એવી સરકાર લાવવા માગીએ છીએ જેનાથી ગુજરાતની દુઃખી જનતાનાં ચહેરા પર ખુશાલી જોવા મળે. ખુશ રહે ગુજરાત અને નવસર્જન ગુજરાતનો નારો એટલે જ અમે આપ્યો છે. ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે અમારી પાર્ટીનાં પ્રયાસો છે પણ એ માત્ર જીડીપી જેવા આંકડામાં જ વિકાસ થાય તેવું અમે નથી ઈચ્છતા પણ ગુજરાતની પ્રજાનો હેપીનેસ ઈન્ડેક્ષ મતલબ કે ખરા અર્થમાં સુખાકારી આવે અને લોકોનાં ચહેરા પર તે ખુશાલી જોવા મળે તેવું ગુજરાત અમે બનાવવા માગીએ છીએ. ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા બાદ હ્યુમન ડેવલપમેન્ટનાં તે કાર્યો બંધ થઈ ગયા છે તે અમે ફરી ચાલુ કરવા માગીએ છીએ અને તે જ અમારો એજન્ડા છે.

૧૯૬૦માં ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર આવી, અલગ અલગ મુખ્યપ્રધાનોનાં નેતૃત્ત્વમાં કૉંગ્રેસની સરકારોએ ગુજરાતનો વિકાસ સતત કર્યો છે. એ રિફાઈનરી હોય કે રોડ, રસ્તાની વાત હોય દરેક સ્તરે ૧૯૯૦ સુધી વિકાસની ગતિ ચાલુ જ રહી હતી. બાદમાં બિન કૉંગ્રેસી સરકાર આવી એટલે ધીરે ધીરે ગુજરાતનાં માલિક લોકોનાં બદલે બે – ચાર ઉદ્યોગપતિઓ થવા લાગ્યા. શિક્ષણ એક વેપાર થઈ ગયો, આરોગ્યની સેવાઓ કથળતી ગઈ, સરકારી લાખો હેકટર જમીનો ઉદ્યોગપતિઓને લીઝ પર અપાતી ગઈ. આમ સામાન્ય પ્રજાના ચહેરા પરથી ખુશીનાં બદલે ટેન્શન આવતું ગયું. કોઈને કોઈ પ્રકારે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આ ચૂંટણીમાં અમે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડીશું તે અમારું વિઝન હશે. તેમાં અમે ખેડૂતોનાં દેવાં માફી, યુવાનોને રોજગાર અથવા બેકારી ભથ્થુ, શિક્ષણનું અને આરોગ્યનું સ્તર સુધારવા પર ભાર મૂકવા સહિતનાં મુદ્દાઓનો સમાવેશ કરી રહ્યા છીએ.

ભરતસિંહ સોલંકી કહે છે, ગુજરાતનાં મધ્યમવર્ગે જે ભાજપને ખોબે ખોબે મત આપ્યા એટલું જ નહી ચૂંટણીફંડ પણ આપીને સત્તા આપી એ જ ભાજપે આજે મધ્યમવર્ગનાં પેટ પર લાત મારી છે. ગુજરાતની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આ જ મધ્યમવર્ગ તેની તાકાત બતાવશે અને ચૂંટણીની દિશા તે જ નક્કી કરશે. કૉંગ્રેસ પક્ષે મધ્યમવર્ગનો અવાજ બનવાની કોશિશ કરી છે. મોંઘવારીનું આંદોલન હોય કે ફિકસ પગારદારનો પ્રશ્ન હોય, કૉંગ્રેસે સરકાર સામે આંદોલનો કર્યા છે અને સરકાર સામે આંદોલન કરનારાને સપોર્ટ કર્યો છે.

કૉંગ્રેસ આ વખતે કઈંક જુદા જ સ્વરૃપમાં જોવા મળી રહી છે, નેતાઓ મંદિરોમાં ફરી રહ્યા છે તેવા એક સવાલનાં જવાબમાં ભરતસિંહ એવું કહે છે કે, માર્ચ ર૦૧પમાં જયારે મેં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો ત્યારે કૉંગ્રેસની હાલત નબળી હતી. કૉંગ્રેસની ઈમેજ દલિત – મુસ્લિમની પાર્ટી છે તેવી હતી. ખરા અર્થમાં કૉંગ્રેસ એ સર્વધર્મમાં માનનારી પાર્ટી છે. અમે ધીરે ધીરે કૉંગ્રેસની છબી બદલવાનો પ્રયાસ કર્યો. મધ્યમવર્ગનો અવાજ બનીને પક્ષે મધ્યમવર્ગમાં સ્થાન મેળવ્યુ. સંગઠન નાનું હતું તેનાં સ્થાને વધુને વધુ લોકોને સમાવીને વિસ્તાર્યુ. નિરીક્ષકોને ત્રણ સ્તરીય પ્રદેશ, જિલ્લા અને પાલિકા સ્તરે નિમણૂકો આપી. આમ કૉંગ્રેસની એક નવી છબી બનાવવાનો અમે પ્રયાસ કર્યો. તેનો અમને જિલ્લા અને તાલુકા સ્તરે જે ચૂંટણીઓ થઈ તેમાં લાભ મળ્યો. ર૩ જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસનું શાસન આવ્યું હતું.

કૉંગ્રેસ બહુમતી સમાજની સાથે રહેવાનો પ્રયાસ કરે છે. મંદિરે દર્શન કરવા માટે જઈએ તો તેને સોફટ હિન્દુત્વ તરફ કૉંગ્રેસ જાય છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પણ મારી દૃષ્ટિએ આવું કંઇ જ નથી. અમે દરેક સમાજની સાથે રહેવા માગીએ છીએ. કોઈ તેને ‘ખામ’ થિયરી એવું કહે છે પણ આવી કોઈ થિયરી પણ નથી. ગુજરાતની જનતાની સાથે રહેવું અને તેની સમસ્યાઓનું સમાધાન થાય એ એક માત્ર અમારો એજન્ડા છે. રહી વાત આ ચૂંટણીની તો અમને ગુજરાતની જનતા પર પૂરો ભરોસો છે. કૉંગ્રેસનું કમિટમેન્ટ અને રાહુલ ગાંધીને ગુજરાતમાં જે જોરદાર આવકાર મળી રહ્યો છે લોકો ઉત્સાહથી રાહુલ ગાંધીની સભાઓમાં અને રોડ શોમાં જોડાઈ રહ્યા છે તે જ બતાવે છે કે કૉંગ્રેસ મજબૂત બની છે અને તેના આધારે જ અમે કહીએ છીએ કે કૉંગ્રેસને ૧ર૦ જેટલી બેઠકો મળશે અને ગાંધીનગરની ગાદી પર હવે ડિસેમ્બરમાં સત્તા પરિવર્તન નકકી છે.

કૉંગ્રેસનું સંગઠન ભાજપ કરતા નબળંુ હોવાની આલોચના થઈ રહી છે તે મામલે સોલંકી કહે છે કે ગ્રાસ રૃટ લેવલથી સંગઠન મજબૂત બને તે માટે કૉંગ્રેસે અગાઉથી કામ શરૃ કરી દીધુ હતું. બૂથ મૅનેજમેન્ટ સુધી કૉંગ્રેસનો પાયો મજબૂત છે. બૂથનાં કાર્યકરોમાં જયારે ફોર્મ ભરાવાયા ત્યારે જ આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સંગઠનના જોરે જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસને મોટી સફળતા મળી છે. આ ચૂંટણીમાં ટિકિટ આપવાના મુદ્દે પણ એ જ વાત કરવા માગું છું કે જિલ્લા પંંચાયતની ચૂંટણીઓમાં પાયાના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હતી તો તેનું પરિણામ મળ્યુ હતુ. આ વખતે વિધાનસભામાં પણ પાયાનાં કાર્યકરોને જ ટિકિટ અપાશે એટલે ટિકિટને લઈને કોઈ કચવાટ ઉભો થવાનો નથી. શું તમને આંતરિક જૂથબંધી આ વખતે જોવા મળે છે ? એવો સામો સવાલ કરી ભરતસિંહે મોટા નેતાઓ વચ્ચે સીએમપદને લઈને કોઈ ખેંચતાણ નથી તેવો સંકેત આપતા એમ કહ્યું કે સીએમ કોણ થશે તે ચૂંટાયેલા ધારાસભ્યો અને હાઈકમાન્ડ નક્કી કરશે. આ મામલે કોઈ વિવાદ છે જ નહીં એટલું જ નહીં હું તો આ વિધાનસભાની ચૂંટણી પણ લડવાનો નથી. હું આ ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના ૧૮ર ઉમેદવારોનો પ્રચાર કરીશ અને તેમને જીતાડવા પૂરી તાકાત લગાવીશ.

હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશના જોરે કૉંગ્રેસ ચૂંટણી જીતવા માગે છે, કૉંગ્રેસના સંગઠનમાં જોર નથી ? તેવા સવાલો સાથે કૉંગ્રેસના સંગઠનની જે ટીકાઓ થઈ રહી છે તેના જવાબમાં ભરતસિંહ કહે છે, કૉંગ્રેસનું પોતાનું સંગઠન મજબૂત છે અને સમાજની સાથે કૉંગ્રેસ રહેલી દેખાય છે એટલે અલ્પેશ  ઠાકોર અને તેની ટીમ અમારી સાથે જોડાઈ છે તેને ભાજપની પણ ઓફર હતી પણ કૉંગ્રેસની વિચારધારા તેને યોગ્ય લાગી હશે એટલે જોડાયા છે.

આવું જ હાર્દિક અને જીજ્ઞેશનું છે, તેઓ કેમ ભાજપનો વિરોધ કરે છે ? તે પણ એક સવાલ છે. આ યુવા આંદોલનકારીઓને કૉંગ્રેસમાં સારી બાજુ દેખાઈ હશે એટલે જ તેઓ અમને સમર્થન કરી રહ્યાં છે. બીજંુ કૉંગ્રેસનાં સંગઠનની વાત કરીએ તો ર૦૧પમાં આ કોઈ લોકોનો અમને સાથ નહોતો તેમ છતાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કૉંગ્રેસે બાજી મારી હતી. એ જ બતાવે છે કે કૉંગ્રેસનું સંગઠન ગ્રાસ રૃટ લેવલથી મજબૂત છે કૉંગ્રેસની પોતાની એક શકિત અને સંગઠનની તાકાત છે.

——————————————–

ભૂલ તો ભાજપને જ ભારે પડશે!

ચૂંટણીની રણનીતિમાં ભાજપ કૉંગ્રેસના નેતાઓ ચૂંટણી ટાણે કોઈને કોઈ ભૂલ કરે જેની આકરી કિંમત ચૂકવવી પડે છે. અગાઉ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં  મોદીને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોતના સોદાગર કહ્યા હતા અને તે મુદ્દો ભાજપે ખૂબ ઉછાળ્યો હતો અને તેનો રાજકીય લાભ લીધો હતો. આ વખતે પણ રાહુલ કે કૉંગ્રેસનાં નેતાઓ ભૂલ કે છબરડા કરે તેની રાહ જોવાઈ રહી છે? ભરતસિંહ સોલંકી કહે છે આવા લોકોની હાલત શિયાળ જેમ લાળ ટપકાવે એવી છે. હકીકત તો એ છે કે ભાજપ ખુદ સતત ભૂલ કરતું આવ્યું છે. પહેલા આનંદીબહેનને ઘરે બેસાડયા, નોટબંધી કરી પછી જીએસટીનું ભારણ લાદવાની ભૂલ કરી. લોકો જાહેરમાં કઈં બોલતા નથી પણ સમય આવે તે બતાવે છે. આમ એક પછી એક ભૂલો ખુદ ભાજપ પક્ષ કરે છે તે તેને ચૂંટણીમાં ભારે પડશે. આ ચૂંટણીમાં તે સાબિત થઇ જવાનું છે.

——————————————–

Maharshi Shukla

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

10 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

10 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

10 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

11 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

11 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

12 hours ago