કંટકઘેરી કૉંગ્રેસ પર રાહુલ ધ બોસનું અધ્યક્ષારોહણ

ભારતીય પ્રજા રાહુલ ગાંધીમાં બહુ ઝીણી નજરે રસ લેવા લાગી છે. તેઓ ક્યાં જાય છે, કોને મળે છે, શું બોલે છે એમાં સામાન્ય નાગરિકો રસ લે છે. જે રીતે પોતાના સંતાનની પુખ્ત સમજણ વિચાર, અભિવ્યક્તિ અને કાર્યકૌશલની પ્રતીક્ષા હોય છે તે જ રીતે લોકશાહી દેશની પ્રજાને પોતાના નેતામાં સ્વાભાવિક રીતે જ રસ પડે છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની પ્રચારાત્મક ચૂંટણી સભાઓ ભરચક જવા લાગી એનાથી સમગ્ર વાતાવરણ પલટાઈ ગયું. પ્રદેશ કૉંગ્રેસની અનેક મર્યાદાઓ છતાં રાહુલ ગાંધી છવાઈ જવા લાગ્યા. એમણે કેટલાક બહુ રસપ્રદ નિરીક્ષાણો રજૂ કર્યા. એ બધા જ ભાજપની વિરુદ્ધમાં ન હતા, પરંતુ એ બહાને તેમણે ગુજરાત અને દેશ વિશેના પોતાના વિઝનની રજૂઆત કરી જેનો પડઘો દેશભરમાં પડ્યો ભાજપના સત્ય, અર્ધસત્ય અને અસત્યથી યુક્ત ધુંઆધાર પ્રચાર સામે રાહુલનો નવો અવાજ લોકોએ કાને ધર્યો. રાષ્ટ્રીય સ્તરના નેતા માટે એક રાજ્યની હાર-જીત એટલી મહત્વની નથી હોતી જેટલી એના પક્ષની પોલિસી. રાહુલ ગાંધીની લોકિપ્રયતામાં એકાએક આવેલી પ્રારંભિક ભરતીને જોઈને કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ એમને પક્ષના સર્વોચ્ચ અધ્યક્ષપદે બેસાડી નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો, જે અણધાર્યો પણ છે. કારણ કે ઈ.સ. ર૦૧૯ની સંસદની ચૂંટણીના પૂર્વપ્રભાતે તેઓ અધ્યક્ષપદની ધૂરા સંભાળશે એવી માન્યતા હતી.

કૉંગ્રેસ પાસે ઐતિહાસિક રાજકીય વારસો અને વૈભવ છે. મનમોહનસિંહના શાસનકાળના એક જ છેલ્લા દાયકામાં કૉંગ્રેસની ગરિમાને ઝાંખી પાડે એવી સંખ્યાબંધ ઘટનાઓ બની જેના પરિણામે એક મુખ્યમંત્રીનો પ્રધાનમંત્રી તરીકે પ્રજાએ વિકાસ શકય બનાવ્યો. ભારતીય રાજકારણના ઈતિહાસમાં ઈ.સ.ર૦૧૪ વિકાસના વિકાસનું વર્ષ હતું. પરંતુ ઈ.સ.ર૦૧૭ સુધીમાં કેન્દ્રની એનડીએ સરકારે જે આઘાતો આપ્યા તે તેઓના મતે વાજબી ઠરાવી શકાય એવા હોય તોય ભારતના વિરાટ જનસમુદાય માટે અણચિંતવ્યા અને જિંદગીને વેરણછેરણ કરી નાંખનારા હતા. સરકારના આડેધડ તરંગો સામે પ્રજાએ અભૂતપૂર્વ શિસ્તના દર્શન કરાવ્યા અને પ્રજાના જ સંયમને કારણે દેશ પરથી અરાજકતાની મોટી ઘાત ગઈ. આજે પણ વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રોફેશનલો અને આમ પ્રજાને યશ આપવાને બદલે એનડીએ સરકાર શેખી મારવામાંથી ઊંચી આવી નથી. હદ તો ત્યારે થાય છે કે ચૂંટણી સભાઓમાં પણ ભાજપના નેતાઓને નોટબંધીના રોકેટ સમયની પ્રજાની શિસ્તપૂર્ણ લાંબી લાઈનોનું આજ સુધી એકવર પણ સ્મરણ થયું નથી. હિંદુવાદ, સ્વયં પ્રબોધિત રાષ્ટ્રવાદ, અહંકર, બિનઅનુભવી નિર્ણયો, અનેક વિષયોમાં સમજ-જ્ઞાનની મર્યાદા વગેરે કારણોસર દેશમાં સમર્થ વિરોધપક્ષને વિકલ્પ સ્વરુપે જોવાની પ્રજાની જે નવી માનસિકતા છેલ્લા એક વરસમાં ઘડાઈ એણેે જ ખરેખર તો રાહુલ ગાંધી માટે ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ વચ્ચેનું અંતર દૂર કરી આપ્યું છે. નિર્ણય ચોક્કસ કૉંગ્રેસ વર્કિંગ કમિટીનો છે પરંતુ આજનો સમય પ્રજાએ નક્કી કરી આપેલો છે એમ કોઈને પણ લાગે છે. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના ઊંચા ગિરિશિખરોને અનુસરીને તથા સોનિયા ગાંધીની ચોક્કસ સમય સુધી પક્ષને પોતાના સંપૂર્ણ અંકુશમાં રાખવાની કુશળતા પામીને હવે નવી પહેલના પગલે કૉંગ્રેસ અધ્યક્ષ સ્વરૃપે રાહુલ ગાંધી કઈ રીતે કામ કરે છે તેના તરફ આખા દેશની નિત્ય નજર રહેવાની છે.

ભાજપ માટે કૉંગ્રેસની નવી પેઢી સામે ટકી રહેવાની તાકાત કેળવવી એ સમયનો તકાજો છે. કારણ કે રાહુલ ગાંધી પણ તેમની અનેક મજાક ભાજપે ઉડાવી હોવા છતાં તેમનાં પિતા રાજીવ ગાંધીની પ્રારંભિક મુદ્રા ‘મિસ્ટર ક્લિન’ જેવી જ છાપ લઈને અધ્યક્ષપદે સંગઠનમાં સત્તારોહણ કરી રહ્યા છે. તેમણે ગંભીરતાથી એકવાર કહ્યું હતું કે ચોતરફથી મારી ટીકા કરીને ભાજપે મારા બધાં અવગુણો ધોઈ નાંખ્યા છે અને તેમની દરેક ટીકામાંથી હું કંઈક શીખ્યો છું. જ્યારે કે સહુ જાણે છેક  ભાજપે રાહુલની મજાક ઉડાવવામાં શિસ્ત, વિવેક અને જાહેરજીવનની સર્વ અલિખિત આચારસંહિતાઓ અને સંસ્કારનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. પરંતુ રાહુલનો સમય ખરેખર હવે શરૃ થાય છે.

You might also like