કચ્છમાં પ્રાગૈતિહાસિક કાળના અવશેષોને ખતરો

કચ્છમાં ખનીજ કાઢતી વખતે પૂરતી સાવધાની રખાતી ન હોવાથી પ્રાગૈતિહાસિક કાળના ભૂસ્તરશાસ્ત્રીય મહત્ત્વના પુરાવા નાશ પામે છે. કરોડો વર્ષો પહેલાંના સજીવોના જીવાશ્મીઓના રક્ષણ માટે કચ્છમાં જીઓ પાર્ક બનાવવાની માગણી વર્ષોથી થતી આવી છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યની સરકારો આ બાબતે ગંભીરતાથી વિચારતી નથી. સરકારની બેદરકારીના કારણે છેલ્લાં થોડાં વર્ષોમાં ૫૦ ટકાથી વધુ અવશેષો નામશેષ થઈ ગયા છે…..

 

કચ્છની ધરતીમાં અનેક પ્રકારના ખનીજો ધરબાયેલા છે તે તો બધા જ જાણે છે, પરંતુ આ ખનીજો કાઢતી વખતે કરોડો, અબજો  વર્ષ જૂના, પૃથ્વીની ઉત્પત્તિ વખતના અગણિત અને અદ્વિતીય ગણી શકાય તેવા ભૂસ્તરીય અવશેષોનો નાશ થઈ રહ્યો છે. માનવીની ગુનાહિત બેદરકારીના કારણે આ અલભ્ય વારસા પર ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વભરમાં આવા અવશેષો જીઓ પાર્કમાં સચવાઈ રહ્યા છે. ભારતમાં એક પણ જીઓ પાર્ક નથી. કચ્છ જીઓ પાર્ક માટે આદર્શ જગ્યા છે. અહીંની ધરતી આવા અવશેષો સાચવીને બેઠી છે. વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવા અવશેષો જોવા માટે દેશ-વિદેશના સંશોધકો કચ્છ આવે છે. વૈશ્વિક ધરોહર કહી શકાય તેવા આ અવશેષો સાચવવા માટે કચ્છની વિશિષ્ટ સાઇટને જીઓ પાર્ક જાહેર કરીને તેનું જતન કરવાની જરૃર છે.

જીઓ પાર્ક એટલે એવો વિસ્તાર જ્યાં કુદરતી સંપદાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી જતન થાય, ત્યાંની સંપદાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થાય તે બાબતનું ધ્યાન રખાય. આ વિસ્તારમાં અભ્યાસુઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને તેના વિકાસ અને હવે પછી આવનારી કુદરતી આપત્તિઓ વિશે જાણી શકે અને અભ્યાસ કરી શકે. આથી જ વિશ્વભરમાં આવા વિસ્તારોનું ભારે જતન થાય છે. યુનેસ્કો આવા વિસ્તારોને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે. અમેરિકા અને ચીન જેવા દેશોએ આવા અનેક જીઓ પાર્ક બનાવ્યા છે, જે વૈશ્વિક ધરોહરનું રક્ષણ કરે છે. અમેરિકા અને ચીન જેવા દેશોમાં આવા વિસ્તારમાંથી એક પથ્થર પણ ઉપાડવા પર સખ્ત પ્રતિબંધ હોય છે. ત્યાં સંશોધકો કે પર્યટકો જઈને વિશ્વની ઉત્પત્તિને લગતી વિગતો જોઈ શકે અને અલગ-અલગ કાલખંડમાં પ્રકૃતિમાં થયેલા ફેરફાર અંગે જાણી શકે છે. જે-તે સમયમાં થઈ ગયેલાં પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ કે સૂક્ષ્મ જીવોના જીવાવશેષોના અવલોકન થકી તે સમયની વિગતો વિશે અભ્યાસ કરી શકાય છે.

કચ્છ ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ સમૃદ્ધ પ્રદેશ છે. અહીં પૃથ્વીની ઉત્પત્તિ અને ત્યાર પછીના ટ્રાયાસિક, જુરાસિક, ટર્સરી, ક્વાટર્નરી જેવા કરોડો વર્ષો પહેલાંના યુગના અવશેષો જોવા મળે છે. તેના અભ્યાસ થકી દરિયો અને જમીનનાં સ્તરોમાં થયેલા ફેરફારો વિશે જાણી શકાય છે. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને હાલના સમયમાં પણ કચ્છનું ભૂપૃષ્ઠ સતત સક્રિય છે. અહીં અલગ-અલગ સમયે જોવા મળેલા ભૂકંપ અને જ્વાળામુખીનાં લક્ષણો દેખાય છે. વિવિધ પ્રકારના ફોલ્ટ અને ફોલ્ડ જેવી રચનાઓ પણ અહીં જોવા મળે છે. અહીં ૬૫૦થી વધુ પ્રજાતિના અવશેષ મળે છે. અહીં જોવા મળતી અમુક વિશેષતા હિમાલય તો શું પરંતુ વિશ્વમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.

કચ્છના ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસમાં જેમનું અમૂલ્ય પ્રદાન છે તેવા ભૂસ્તરશાસ્ત્રી ડૉ. એસ.કે. બિશ્વાસ કચ્છમાંથી ભૂસ્તરશાસ્ત્રીય અવશેષો લુપ્ત થઈ રહ્યા છે તેની વાત કહેતાં જણાવે છે, ‘અહીંના ભૂસ્તરશાસ્ત્રીય અવશેષો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં અનન્ય છે. આ વિસ્તારમાં ગાઢ જંગલો નથી તેથી કુદરતી રીતે જ આવા અવશેષો સહેલાઈથી જોઈ શકાય તેવી રીતે ખુલ્લા થયેલા છે. જેના કારણે જ અમે કચ્છને ભૂસ્તરશાસ્ત્રનું પાઠ્યપુસ્તક માનીએ છીએ. અહીં ૬.૫ કરોડ વર્ષ પહેલાંના જીવાશ્મીઓ છે. આ જીવાશ્મીઓની જાળવણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે અહીં આવનારા સંશોધકો, પ્રવાસીઓ કે સામાન્ય લોકો મરજી પડે તે રીતે લઈ જાય છે. અહીં એમોનાઇટ્સ ફોસિલ (કરોડો વર્ષો પહેલાંના શંખલા જેવા, ગોળાકાર આકારના જળચર જીવોના અવશેષો) ઉપરાંત અનેક પ્રકારના નાના-મોટા, અતિસૂક્ષ્મ જીવાણુઓના અશ્મીઓ કાંપમાં દટાયેલા મળી આવ્યા છે, પરંતુ ખનીજ મેળવવાની લ્હાયમાં આ અવશેષો નાશ પામી રહ્યા છે. ઘડુલીથી નારાયણ સરોવરનો પટ્ટો ઘણો જ મહત્ત્વનો છે. બાબિયા ટેકરી પર પરવાળા જીવોના અવશેષો હતા. જેના કારણે ચંદ્રપ્રકાશમાં આખી ટેકરી જાણે બરફની બની હોય તેવું લાગતું હતું, પરંતુ અહીંં લિગ્નાઇટની ખાણમાં ખોદકામ ચાલુ થયું અને તેમાંથી નીકળેલા કચરાના કારણે આખી ટેકરી જ દટાઈ ગઈ. હવે દૂરથી તો આ ટેકરી દેખાતી જ નથી, પરંતુ નજીકથી જોતાં તેમાંથી પરવાળાના જીવાશ્મીઓનો થયેલો નાશ ચોખ્ખો જોઈ શકાય છે.’

તેઓ જીઓ પાર્ક અંગે વાત કરતાં કહે છે, ‘નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૭માં તેમણે કચ્છમાં જીઓ પાર્ક બનાવીને વૈશ્વિક ધરોહરનું રક્ષણ કરવા અને દેશના પહેલા જીઓ પાર્કનું સર્જન કરીને દેશનાં અન્ય રાજ્યોને પણ રાહ બતાવવા અપીલ કરી હતી. જીઓ પાર્કનું મુખ્ય મથક ભુજમાં રાખીને દયાપર, વાયોર, નખત્રાણા, નલિયા, નરા, ખાવડા, ભચાઉ, રાપર જેવાં ૯ પેટા કેન્દ્રો રાખી શકાય. ખનીજનું ઉત્ખનન ન કરવું તેવું હું સૂચવતો નથી, પરંતુ જે-તે સાઇટ પર અવશેષોની જાળવણી કરવા માટે થોડો બે કિ.મી.નો પટ્ટો છોડીને ખોદકામ કરવું જોઈએ. આજે કચ્છમાં ધરબાયેલી અલભ્ય એવી સંપત્તિનો સરેઆમ નાશ થઈ રહ્યો છે.’

ડૉ.બિશ્વાસની વાતને સમર્થન આપતાં કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડૉ.મહેશ ઠક્કર જણાવે છે, ‘કચ્છના ભૂસ્તરશાસ્ત્ર અંગે ૧૮૭૨માં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ઑફિસર એ.બી.વાયનેએ એક દળદાર પુસ્તક બહાર પાડ્યું હતું. તેના આધારે જ અત્યાર સુધી ઘણું કામ થયું છે. કચ્છના જીવાશ્મીઓથી સમૃદ્ધ ભૂવિસ્તારને સાચવવા માટે અમે જી.એસ.આઇ.ને રજૂઆત કરી હતી, પરંતુ જીઓ પાર્ક બનાવવાનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી કે નથી આ માટે કોઈ ગ્રાન્ટ ફાળવાતી. અત્યંત મહત્ત્વની એવી ૧૫૦ જેટલી સાઇટ સાચવવા માટે ગુજરાત સરકારને જણાવ્યું હતું, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આ અંગે કંઈ પગલાં લેવા ભારપૂર્વક જણાવ્યું હતું, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું. પાન્ધ્રોમાં આવેલી કાળી નદીના પટમાં અસંખ્ય મહત્ત્વના જીવાશ્મીઓ છે. પહેલાં જે નદી માત્ર અડધો કિ.મી. પહોળી હતી, તેનો પટ ખોદાઈને આજે ૧૦ કિ.મી.ની ખાણ બની ગયો છે. તેમાંના જીવાશ્મીઓનો નાશ થઈ ગયો છે. જો ૧-૨ કિ.મી.ના વિસ્તારને છોડીને ખોદકામ કરાયું હોત તો તેનું જતન કરી શકાયું હોત. આ વિસ્તારમાં ૪ કરોડ વર્ષ જૂના લગુન ડિપોઝિટના (ખારા પાણીના તળાવમાં જમા થયેલા) જીવાશ્મીઓ અભ્યાસ માટે ખૂબ મહત્ત્વના હતા. નદીની બંને બાજુએ અઢી કિ.મી. છોડીને ખોદકામ કરવાનો નિયમ છે, પરંતુ માત્ર ૫૦૦ મીટરના અંતરે જ ખોદકામ થાય છે. કાળી નદીની આસપાસ ઝેરી પાણી ભરેલું તળાવ સર્જાયું છે. તેના કારણે ભૂતળનાં પાણી પણ ખરાબ થઈ ગયા છે. આવું ભવિષ્યમાં ન થાય અને કરોડો વર્ષો જૂની ધરોહર સાચવી શકાય, તેનું ભાવિ પેઢી માટે જતન કરી શકાય તે માટે જ જીઓ પાર્ક જરૃરી છે, પરંતુ તે માટે નથી લોકપ્રતિનિધિઓ જાગૃત થતાં કે નથી સરકારના મંત્રીઓ કે તેના અધિકારીઓ રસ બતાવતા. આથી આ અમૂલ્ય વારસાનું નજીકના જ ભવિષ્યમાં નામોનિશાન મીટાઈ જાય તો નવાઈ નહીં.’

કચ્છ યુનિ.ના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને જીઓલોજિસ્ટ ગૌરવ ચૌહાણ પણ આવી જ વાત કરતાં જણાવે છે, ‘કચ્છમાં ૨૦ કરોડ વર્ષનું ભૂસ્તર સહેલાઈથી જોઈ શકાય છે. જેના કારણે આટલો જૂનો ઇતિહાસ જાણી શકાય તેમ છે. બે પ્લેટની હલનચલનના કારણે કચ્છની ધરતી સતત હલે છે. આવા નાના-મોટા ભૂકંપ માટે જવાબદાર એવી હજારો ફોલ્ટ લાઇન અહીં છે. તેના અભ્યાસ પરથી ભૂકંપ અંગેની વધુ માહિતી મળી શકે તેમ છે. કાંપના થરના અભ્યાસથી કયા સમયે કેવા સજીવો અહીં વસતા હતા તેનો પણ ખ્યાલ આવી શકે તેમ છે. સામાન્ય રીતે દરિયામાં જોવા મળતાં કોરલ રીફ (પરવાળા) અહીં જમીન પર જોવા મળે છે. અહીં ૫-૬ ફૂટ વ્યાસના એમોનાઇટ્સના અવશેષો પણ મળી આવ્યા છે. જે-તે સમયે અહીં આવેલા બીજી યુનિવર્સિટીવાળા તે લઈ ગયા. આજે પણ અહીંથી અવશેષો ઉપાડવા પર કોઈ પાબંધી ન હોવાથી ગમે તે વ્યક્તિ ગમે તે અવશેષ ઉપાડી જાય છે. થોડાં વર્ષો પહેલાં ડાયનાસોરના પગના પંજાનાં હાડકાંનું અખંડ અશ્મી મળી આવ્યું હતું પરંતુ તે ક્યાં છે તેનો અતો-પતો નથી. આ અશ્મીઓને સાચવવાની તાતી જરૃર છે.’ કચ્છમાંથી મળતાં જીવાશ્મીઓને સાચવવા માટે યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં એક મ્યુઝિયમ બનાવાયું છે. જેમાં વિવિધ પ્રકારના અસંખ્ય અશ્મીઓ રખાયા છે. ગત વર્ષે લોડાઈ પાસેના કાસ ડુંગર પરથી ડોલ્ફિન જેવા ઇક્થિયોસોર નામના જળચર પ્રાણીનું અખંડ અશ્મી મળ્યું હતું. તેને આ મ્યુઝિયમમાં સાચવી રખાયું છે. આજે દેશવિદેશના અનેક સંશોધકો અને અભ્યાસુઓ કચ્છના અશ્મીઓનો અભ્યાસ કરવા માટે આ મ્યુઝિયમમાં કલાકોના કલાકો ગાળે છે.

જો કચ્છને જીઓ પાર્ક તરીકે જાહેર કરાય તો જીઓ ટૂરિઝમ પણ વિકસી શકે. અશ્મીને જોવા કે તેનો અભ્યાસ કરવા આવનારા પાસેથી નિયત ફી લઈને, ગાઇડ ઉપલબ્ધ કરાવીને સરકાર એક આર્થિક સ્ત્રોત ઊભો કરી શકે તો સાથે-સાથે અમુક સમય માટે અભ્યાસ માટે કોઈ અશ્મી આપીને તેની પણ ફી લઈ શકાય. આમ આવકનો એક સ્ત્રોત ઊભો કરી શકાય, પરંતુ તે માટે જીઓલોજિકલ સાઇટને વિકસાવવી જોઈએ.

ભૂકંપ દિવંગતોની યાદમાં ૨૦૦ કરોડથી વધુ ખર્ચીને એક સ્મારક ભુજિયા ડુંગરની તળેટીમાં બની રહ્યું છે તેવી જ રીતે કચ્છમાં કરોડો વર્ષોમાં દિવંગત થયેલા બીજા સજીવોની યાદમાં જીઓ પાર્ક પણ બનવું જોઈએ. પ્રો. મહેશ ઠક્કરના મતે જો તેમને રૃ. ૨૦૦ કરોડ ફાળવાય તો તેઓ ૫૦ જેટલી સાઇટ પર જીઓ પાર્ક વિકસાવી શકે. સરકારના હકારાત્મક અભિગમની થે-સાથે તે દિશામાં આગળ વધવાની પણ તૈયારી હોવી જોઈએ.

You might also like