નોટબંધીઃ જેમાં યુ-ટર્ન શક્ય નથી

 

એક વર્ષ પહેલાં આઠમી નવેમ્બરે રૃપિયા પાંચસો અને એક હજારના મૂલ્યની ચલણી નોટોને રદ કરવાના વિમુદ્રીકરણ કે નોટબંધીના નામે ઓળખાયેલા સરકારના નિર્ણયને સરકારી દૃષ્ટિકોણ ઉપરાંત અર્થશાસ્ત્રી, ઉદ્યોગપતિ, બિઝનેસમેન, શ્રમજીવી, સામાન્ય જન તેમજ રાજકીય–એમ અનેકની નજરે જોઇ શકાય. આવી અલગ અલગ રીતે જોવાની વૃત્તિ-પ્રવૃત્તિથી આ મહત્ત્વના આર્થિક નિર્ણય વિશે જુદાં જુદાં દૃષ્ટિકોણ અને ભિન્ન-ભિન્ન અસરો વિશે જાણવા મળે. એ પ્રત્યેક દૃષ્ટિકોણમાં એકાંગી ચિત્ર જ ઉપસે અને એ બધા દૃષ્ટિકોણને સંયુક્ત અને સમગ્ર રીતે જોવામાં તો પણ તેને વિશેનું સંપૂર્ણ કે સમગ્ર ચિત્ર જોવા જાણવા મળી શકે કે કેમ, એ સવાલ છે. કેમકે દેશના નાણાકીય વ્યવહારોમાં આમૂલ પરિવર્તન લાવનાર આવા નિર્ણયની કેટલીક અસરો તત્કાલીન અને હંગામી હોય છે તો તેની કેટલીક અસરો દૂરગામી અને વ્યાપક ફલક પરની હોય છે. આ દૂરગામી અસરોનું તત્કાલ આકલન કરવાનું મુશ્કેલ હોય છે અને એટલે તેને તત્કાલ સારા કે ખરાબ અથવા સફળ કે નિષ્ફળ ચોકઠામાં વિભાજીત કરવાનું અયોગ્ય અને નિરર્થક બની રહે છે. નોટબંધીથી દેશના સામાન્ય જનને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક તો હજુ તેની અસરમાંથી મુક્ત થઇ શક્યા નથી.

 

આમ છતાં સામાન્ય ધારણા કરતાં વિપરીત કહી શકાય એવું વ્યાપક જનસમર્થન સરકારના આ પગલાંને મળ્યું. કલાકો સુધી જૂની નોટો બદલવા કે જમા કરાવવા લાઇનમાં ઊભેલા લોકોના મુખેથી સરકારના નિર્ણય વિરુદ્ધ બોલવવાના પ્રયાસો છતાં સરકારનો નિર્ણય સારો હોવાનું રટણ કરતા લોકોના સ્વર ઘણી વખત પ્રતિબદ્ધ મીડિયાના લોકોને પરેશાન કરનારા હતા. કોઇ પણ સરકારમાં પ્રજાનો આવો અટલ વિશ્વાસ એ સરકારની મહામૂલી મૂડી જેવો હોય છે. આ વિશ્વાસ આજે પણ યથાવત છે કે કેમ એવો સવાલ થઇ શકે. પરંતુ આવો સવાલ કરનારા આમ નાગરિક નહીં, માત્ર વિદ્વદ્જનનો હોય છે એ પણ ભૂલવું ન જોઇએ. વિદ્વદ્જનોની એ મૂળભૂત પ્રકૃતિ હોય છે. ક્યારેક એવું બને છે કે જે વાત અશિક્ષિત, અભાવગ્રસ્ત સામાન્ય જન સમજી શકે છે એ વાતને સમજવાનો વિદ્વદ્જનો ધરાર ઇનકાર કરે છે. નોટબંધીના નિર્ણયની બાબતમાં પણ ઘણે અંશે આવું બની રહ્યું છે. અહીં મહત્ત્વની વાત એ છે કે સરકારના ઇરાદા અને હેતુ વિશે શંકા સેવી શકાય તેમ નથી. આટલી વાત સ્પષ્ટ હોય તો નિર્ણયની સફળતા-નિષ્ફળતાના પ્રમાણની બહુ ચિંતા કરવાની રહેતી નથી.

 

નોટબંધી એ મૂળભૂત રીતે દૂરગામી પ્રભાવ ઉત્પન્ન કરનારો નિર્ણય છે અને એટલે તેને ડિઝાસ્ટર કે આર્થિક હોનારતમાં ખપાવી દેવાથી દૂર રહેવું જોઇએ. જો એવું હોત તો આવી કહેવાતી હોનારતે સર્જેલી ખાનાખરાબીમાં સમગ્ર દેશ સબડતો હોત. પણ એવું બન્યું નથી. અને એક વર્ષના અંતે પરિસ્થિતિ મહદઅંશે સામાન્ય છે. સરકારના નિર્ણયનો રાજકીય રીતે વિરોધ કરનારા લોકોના માપદંડ ભિન્ન હોય છે. તેઓ લોકોની આંખે કાળા રંગના ચશ્મા પહેરાવીને લોકોને અંધકારનો અહેસાસ કરાવવા તત્પર હોય છે. નોટબંધીથી ત્રાસવાદમાં ઓટ આવી નથી એવું કહેવું એ લોકોને ભ્રમિત કરવા જેવું છે. સરહદ પારથી આવતી નકલી નોટોનો પ્રવાહ અટકી ગયો છે. ત્રાસવાદી સંગઠનો પૈસા માટે કાશ્મીરમાં બેન્ક લૂંટવા મજબૂર બન્યા એ આપણે લક્ષમાં લેતા નથી. નોટબંધીના અમલીકરણના સ્તરે કેટલીક ક્ષતિઓ હતી એ સ્વીકારવું રહ્યું. બેન્કિગ ક્ષેત્રની ભૂમિકા નોટબંધીમાં અત્યંત મહત્ત્વની હોય એ સ્વાભાવિક છે.

 

સરકારી નિર્ણયોની સફળતાનો આધાર આખરે તંત્ર પર હોય છે. નોટબંધીના આરંભના દિવસોમાં એક તરફ લોકો બેન્કોમાં કલાકો સુધી થોડા રૃપિયા માટે લાઇનોમાં ખડા હતા ત્યારે બીજી બાજુ બેન્કોના અધિકારીઓ-સંચાલકો દ્વારા નવી નોટોનો મોટો જથ્થો બારોબાર વગદાર લોકો પાસે પહોંચી જતો હતો. અનેકવાર આવી નોટોના પકડાયેલા જથ્થાએ બેન્કિગ તંત્રમાં કેટલાં છિદ્રો અને કેટલી અનૈતિકતા વ્યાપ્ત છે તેના દર્શન કરાવી દીધા. સરકારે આવા લોકો સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી આવા લાકો સામે ખાસ કોઇ પગલાં લેવાયા હોવાનો અહેસાસ લોકોને થયો નથી. સરકાર અને રિઝર્વ બેન્કે બેન્કિગ ક્ષેત્ર પર જે તકેદારી અને નજર રાખવી જોઇતી હતી તેનો અભાવ વર્તાયો હતો. દિવસો સુધી સરકાર બેન્કોના આવા અનૈતિક વ્યવહારને અટકાવી શકી ન હતી.

 

સરકારને માટે ભવિષ્યની દૃષ્ટિએ પણ એ એક મોટો બોધપાઠ બની રહેવો જોઇએ. આજની તારીખે સરકારે નોટબંધી પછી નાણાકીય વ્યવહારના ડિજિટાઇઝેશન અંગે બહુ દબાણ લાવવાની જરૃર નથી. ભારતીય જનમાનસમાં રોકડના વ્યવહારનું પરંપરાગત મહત્વ અને મૂલ્ય છે. તેનો સ્વીકાર થવો જોઇએ. લોકો સાહજિક રીતે, સમજપૂર્વક નવી ટેકનોલૉજી અને પદ્ધતિ અપનાવે એ જરૃરી છે. એને પ્રોત્સાહિત કરવામાં આવે એ સમજી શકાય. પણ ડિજિટાઇઝેશન માટે ફરજ પાડવાનું કોઇ રીતે યોગ્ય નહીં ગણાય.

——————-.

તરુણ દત્તાણી ‘અભિયાન’ મેગેઝિનના એડિટર છે.

You might also like