નોટબંધીના લેખાજોખાઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ..

‘ભાઈયોં ઔર બહેનો,

દેશ કો કાલે ધન, આતંકવાદ ઔર ભ્રષ્ટાચાર સે મુક્ત કરાને કે લિયે સખ્ત કદમ ઉઠાના જરુરી હો ગયા હૈ. આજ મધ્યરાત્રિ, યાનિ ૮ નવમ્બર દો હજાર સોલાહ કી રાત્રિ કો બારહ બજે સે, વર્તમાન મે જારી પાંચસો રૃપેં, ઔર એક હજાર રૃપેં કી કરન્સી નોટ, લીગલ ટેન્ડર નહીં રહેગેં. યે મુદ્રાયેં કાનૂનન અમાન્ય હોંગી…’

 

તારીખ આઠ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજે આઠેક વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લાંબા સંબોધનમાં ઉપર મુજબની વાત કરી હતી. તેમના સંબોધનમાં જાહેરાત હતી કે આજ મધ્યરાત્રિથી જ રુ.પાંચસો અને એક હજારની ચલણી નોટો ચલણમાંથી કાયદેસર રીતે રદ કરવામાં આવી છે. સાથે બીજા પણ કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જેમ કે, ૧૦ નવેમ્બર ૨૦૧૬થી ૨૪ નવેમ્બર ૨૦૧૬ સુધી રુપિયા ૪ હજારની મર્યાદામાં રુ.૫૦૦ અને ૧૦૦૦ની નોટ બેંકમાં બદલાવી શકાશે. બેંકમાંથી ઉપાડની મહત્તમ મર્યાદા રુ. ૪ હજાર અને એટીએમથી રુ. ૨ હજાર ઉપાડી શકાશે. શરુઆતમાં બેંક અકાઉન્ટમાંથી એક દિવસમાં રુ. ૧૦ હજાર અને અઠવાડિયે રુ. ૨૦ હજાર ઉપાડની મહત્તમ મર્યાદા રહેશે. ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારોમાં કોઈ ફેરફાર નહીં કરાય. નોટબંધીને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે યાદ આવે છે એ દિવસો..

 

નોટબંધીની એ રાત..

કેટલાક સમાચારો પ્રમાણે, નોટબંધીની આખી યોજના છ મહિના પહેલા આકાર પામી હતી. સરકારના આ નિર્ણયની જાણકારી માત્ર ગણતરીના લોકોને જ હતી. જેમાં કેન્દ્રિય મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને વર્તમાન ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ, નાણાં સચિવ અશોક લવાસા, આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસ અને નાણામંત્રી અરુણ જેટલીનો સમાવેશ થાય છે.  નોટબંધીની એ રાત્રે દેશભરમાં કેવી પરિસ્થિતિ પેદા થઈ હતી તેનો ચિતાર તે સમયના વર્તમાન પત્રોમાં ઝીલાતો જોવા મળે છે, કેવી હતી પરિસ્થિતિ? અમીર-ગરીબ, જુવાન-બુઢ્ઢાં, સ્ત્રી-પુરુષ, છોકરા-છોકરીઓ, સાજા-માંદા, બેકાર-નોકરિયાત, વેપારી-મજૂર, ગામડિયો-શહેરી એમ દેશ આખો બધા કામો છોડીને લાઈનમાં ઉભો રહેવા મજબૂર બની ગયો.

 

વડાપ્રધાને ૧૧ નવેમ્બર સુધી સરકારી હૉસ્પિટલો, મેડિકલ સ્ટોર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરલાઈન્સ, જાહેર ક્ષેત્રના પેટ્રોલ અને સીએનજી પંપો વગેરે સ્થળે જૂની નોટો સ્વીકારવાની છૂટ આપી હોઈ લોકો ત્યાં દોડ્યાં. આ તરફ સોની બજારમાં અચાનક રોનક આવી ગઈ. માલેતુજારો અડધી રાત્રે સોનું ખરીદી જૂની નોટો થાળે પાડવા ઉમટી પડ્યાં.

 

ચારેબાજુ હોહા વચ્ચે વોટ્સએપ અને ફેસબુક સહિતના સોશિયલ માધ્યમો પર નોટબંધીનાં મુદ્દે જબરી મજાકો ચાલેલી. કેટલાકે પાંચસોની નોટમાં નાસ્તો મૂક્યો તો કોઈએ એક હજારની નોટમાં ભૂંગળું વાળીને શીંગચણા ભર્યા. કોઈ ટીખળીએ વળી જૂની નોટોને સુખડનો હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો એક ફોટામાં બકરી આગળ પાંચસો, એક હજારની નોટોનો ઢગલો કરવામાં આવ્યો હતો. આ પહેલા સોશિયલ મીડિયાના ચોરે અમેરિકન પ્રમુખની ચૂંટણીની ચર્ચા થતી હતી ત્યાં અચાનક નોટબંધીની ચર્ચા શરુ થઈ ગઈ.

 

નોટબંધી પછીના એ યાતનાભર્યા દિવસો  

ખરી તકલીફ તો નોટબંધી પછીના દિવસોમાં શરુ થઈ હતી. અફરાતફરીના માહોલમાં સૌથી વધુ વેઠવાનું મધ્યમવર્ગને આવ્યું. તેમને જીવનજરુરી ચીજવસ્તુઓ મેળવવામાં આંખે પાણી આવી ગયા. બહાર ગામ ગયેલા મુસાફરો અટવાયા, તો લગ્ન પ્રસંગ લઈને બેઠેલા અનેક પરિવારોની તો પનોતી બેઠી. તેઓ છતે પૈસે ખરીદી ન કરી શક્યાં. લગ્ન પ્રસંગ પાછો ઠેલવાના પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા. જેમની પાસે પાંચસો અને એક હજારની જૂની નોટ સાચવેલી હતી તે સામાન્ય માણસ અચાનક દરિદ્ર બની ગયો. આ બધામાં શ્રમજીવીઓ, રોજમદારોની હાલત સૌથી કફોડી હતી. તેમના બેંકોમાં અકાઉન્ટ નહોતા. જે કંઈ થોડીઘણી જૂની નોટો હતી તેને કેવી રીતે બદલાવવી તે દ્વિધામાં તેઓ અટવાયા. હાઈવે પરની ચેક પોસ્ટ પર વાહનોની કતારો લાગી ગઈ હતી. જેના કારણે દૂધથી લઈને શાકભાજી સુધીની તંગી ઉભી થઈ ગયેલી. દેશભરમાં મોટાભાગના માર્કેટિંગ યાર્ડો અને નાના વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ પડ્યાં.

 

બીએસઈ સેન્સેક્સ ૨.૩૬ ટકા સાથે ૬૫૧.૪૯ પોઈન્ટ ઘટ્યો. એનએસઈ નિફ્ટીમાં પણ ૨.૬૪ ટકાના ઘટાડા સાથે ૨૨૫.૪૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો. ૧૮ નવેમ્બરે મણિપુરના છાપાઓએ ધંધો કરવા માટે રુપિયા ન હોવાનું જણાવીને ઑફિસો બંધ કરી દીધી. એટલું જ નહીં જ્યાં સુધી જરૃરી રુપિયાની સગવડ ન થઈ જાય ત્યાં સુધી છાપા બંધ રહેશે તેવી જાહેરાત કરી દીધી. કરચોરો માટે આ કટોકટીનો સમય હતો. કેટલાક કારખાના માલિકોએ પોતાના કર્મચારીઓના એક વર્ષ સુધીના એડવાન્સ પગાર જૂની નોટોમાં કરી દીધાં. તો કેટલાકે ખાનગીમાં તેમના ઓળખીતાઓના બેન્ક અકાઉન્ટમાં ૨૦ થી ૪૦ ટકાના ડિસ્કાઉન્ટે પોતાના રુપિયા ટ્રાન્સફર કરાવી દીધાં. છેલ્લે ખેડૂતોના ખાતા અને જનધન અકાઉન્ટનો પણ આ રીતે ઉપયોગ થયો. આટલી અરાજકતા વચ્ચે દેશભરમાં ૧૫૦થી વધુ લોકોના જીવ ગયા.

 

આ ૮મી નવેમ્બરે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થનાર છે ત્યારે ચારેબાજુ તેના ઉદ્દેશોને લઈને ફેરચર્ચા શરુ ગઈ છે. ભ્રષ્ટાચાર, કાળું નાણું અને નકલી નોટોનો ખાત્મો તેના મુખ્ય હેતુઓ હતા. આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક તરીકે પ્રમોટ કરાયેલ નોટબંધી આગામી સમયમાં આર્થિક ક્રાંતિ આણશે અને અચ્છે દિન આવશે તેવી હૈયાધારણા વડાપ્રધાને આપેલી. હવે તો નોટબંધીની વર્ષી આવીને ઉભી છે ત્યારે તેની સફળતા નિષ્ફળતાની તાર્કિક ચર્ચા કરીએ.

 

નોટબંધીની વિવિધ ક્ષેત્રે અસરો

આજકાલ કોઈપણ ઘટનાને સૌથી પહેલા રાજકીય પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે છે. નોટબંધી પણ તેમાંથી બાકાત નથી. ત્યારે શરુઆત રાજકીય અસરોથી કરીએ. જાણીતા રાજકીય વિશ્લેષક નયન પરીખ નોટબંધીની ભારતના રાજકારણમાં કેવી અસર થઈ તેની વાત કરતા કહે છે, “ભારતના રાજકારણમાં નોટબંધીની આર્થિક અસર નકારાત્મક હોવા છતાં તેની રાજકારણમાં જેટલી નેગેટિવ અસર પડવી જોઈતી હતી તેટલી પડી નહીં. તેની પાછળ નબળાં વિરોધ પક્ષો છે. લોકો જ્યારે વિચારે કે તેના જે ઉદ્દેશો હતા તે સિદ્ધ થયા છે ખરા? કાળું નાણું, નકલી નોટો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરે પર બ્રેક લાગી ખરી? આ દરેક મામલે જો વિચારીએ તો ખ્યાલ આવે છે કે નોટબંધી તેના જે ઉદ્દેશો હતા તેમાં એટલી પાર નથી પડી. છતાં મને લાગે છે વિરોધ પક્ષો આટલી મોટી ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે.

 

વિપક્ષોનો વિરોધ લોકો સુધી પહોંચ્યો નહીં એટલે રાજકીય રીતે નોટબંધીની નિષ્ફળતા ભાજપને નડવી જોઈએ તેટલી નડી નહીં. સામે ભાજપે નોટબંધી મામલે એક અલગ સ્ટ્રેટેજી અપનાવી હતી. તેણે લોકોને પડતી તકલીફને ગ્લોરિફાય કરવાનો પ્રયત્ન કર્યો. આખા મામલાને તેમણે ‘દેશ માટે બલિદાન’ના દેશભક્તિના મુદ્દે રંગી નાખ્યો. નબળા વિરોધ પક્ષના કારણે આ સ્ટ્રેટેજીનો પણ કોઈ પડકાર ઉભો થયો નહીં અને ભાજપ લોકોને આ બાબત ગળે ઉતારવામાં જે તે સમયે સફળ રહ્યો હતો. હાલ ગુજરાતમાં ચૂંટણી છે. જો વિરોધ પક્ષો નોટબંધીની નકારાત્મક અસરો અને તેનાથી થયેલા નુકસાનને અસરકારક રીતે મતદારો સમક્ષ લઈ જઈ શકે તો તેમને રાજકીય લાભ મળી શકે તેમ છે. જે રીતે લાગણીના સ્તર પર ભાજપે તેનો ઉપયોગ કર્યો હતો એવી જ કુનેહપૂર્વક વિરોધ પક્ષોએ તેના લેખાજોખા માંડીને મતદારો વચ્ચે જવાની જરુર છે. ચૂંટણી ગુજરાતમાં છે, નોટબંધી કેન્દ્ર સરકારનો મુદ્દો છે, પણ સત્તા પક્ષ એક જ છે. આ એવું જોડાણ છે જેનાથી ભાજપ આસાનીથી પીછો છોડાવી શકે તેમ નથી.”

 

નોટબંધીની રાજકીય અસર વિશે લોકો વધુ વિચારતા હોતા નથી. તેમના માટે કોઈ બાબત તેમને આર્થિક રીતે કેટલી અસરકર્તા છે તેના આધારે મહત્વ રાખતી હોય છે. અને નોટબંધી તેમને સીધી અસર કરી હોવાથી તેનું સચોટ મૂલ્યાંકન થવું જરુરી બની જાય છે. જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. કાર્તિકેય ભટ્ટ જનસામાન્યને ધ્યાનમાં રાખીને નોટબંધીની આર્થિક અસરોનું મુદ્દાસર વિશ્લેષણ કરતા કહે છે, “અર્થશાસ્ત્રના જૂનાં સિદ્ધાંતોમાં કાળું નાણું દૂર કરવાના જે ઉપાયો બતાવાયા છે તેમાં ચલણમાં રહેલી મોટી નોટો રદ કરવાનો પણ સમાવેશ થાય છે. એટલે જ કેટલાક લોકો નોટબંધીની સૈદ્ધાંતિક તરફદારી કરતા થયા હતા. પણ ૧૧ નવેમ્બર ૨૦૧૬ બાદ ભારતમાં જુદું જ ચિત્ર ઉભું થયું. દેશના અર્થતંત્રમાં કુલ ૧૭ લાખ કરોડનું ચલણી નાણું હતું. જેમાંથી ૧૫ લાખ કરોડનું ચલણ રુ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટમાં હતું. આમ સરકારે જૂની નોટો રદ કરી ત્યારે અર્થતંત્રમાંથી આશરે રુ. ૧૫ લાખ કરોડનું નાણું રદ થયું.

 

સરકારનું માનવું હતું કે જેની પાસે નોટોના સ્વરુપમાં કાળું નાણું છે તેઓ તેમના રૃપિયા બેંકોમાં જમા કરાવી કે બદલી શકશે નહીં. આખી પ્રક્રિયાને અંતે ૧૨-૧૩ લાખ કરોડ પાછા જમા થઈ જશે અને બેથી ત્રણ લાખ કરોડનું નાણું ચલણમાંથી રદ થશે. રોકડ વ્યવહારો પર નિયંત્રણ મૂકીશું એટલે ભ્રષ્ટાચાર ઘટશે, લોકો ટેક્ષ ભરતા થશે અને મોટી રકમના વ્યવહારો ચેકથી જ કરવા પડશે. સરકારનો ઉદ્દેશ સારો હતો પણ તે અધિકારીઓના અણઘડ વહીવટને કારણે પ્રજાને અરાજકતા અને અંધાધૂંધી સિવાય કંઈ જ આપી શક્યાં નહીં.

આવું કેમ થયું ?

(૧) પહેલી વાત તો એ કે મોટી નોટો રદ કરવાથી કાળું નાણું રદ થાય, પણ મોટી નોટ એટલે કઈ નોટો ? એક સમયે પાંચસો અને એક હજારની નોટ મોટી ગણાતી હતી. પણ છેલ્લા વર્ષોના ફૂગાવાને કારણે નાણાકીય મૂલ્યનું જે ધોવાણ થયું છે તેમાં ૫૦૦ની નોટનું કોઈ મૂલ્ય જ રહ્યું નહોતું. ૫૦૦ની નોટ રોજબરોજના વ્યવહારની નોટ બની ગઈ હતી. થોડા શાકભાજી ખરીદો, ગાડીમાં પેટ્રોલ પુરાવો અને થોડી ખરીદી કરો ત્યાં ૫૦૦ની નોટ પૂરી થઈ જતી હતી. ત્યારે સરકારે તેને રદ કરવાની જરુર નહોતી. એમ કરવાથી રોજિંદા વ્યવહારો ઠપ થઈ ગયા.

(૨) બીજી અગત્યની વાત એ હતી કે જ્યાં સુધી દેશમાં ખાનગીકરણ અને ઉદારીકરણ નહોતું ત્યાં સુધી કાળાબજારિયાઓ કાળું નાણું મોટી નોટોમાં રાખતા હતા. પણ ૧૯૯૧ બાદ દેશમાં જે રીતે આ બંનેનો ઉદય થયો ત્યારબાદ લોકો જમીન, બિઝનેસ, મેડિકલ કૉલેજો, સેલ્ફ ફાયનાન્સ શિક્ષણ સંસ્થાઓ, બેંકોમાં સોનું-ઝવેરાત એમ અનેક રીતે બેનામી સંપત્તિમાં બિનહિસાબી નાણું રાખી શકે છે. કેટલાક તો વળી વિદેશોમાં અનેક બેનામી સંપત્તિઓ ખરીદીને બેઠાં છે. તેમને નોટબંધીની કોઈ અસર ન થઈ. એટલે મૂળ ધારણા જ ખોટી હતી કે મોટી નોટો રદ કરવાથી કાળું નાણું સમાપ્ત થઈ જશે.

(૩) ત્રીજી બાબત એ કે, સરકારે પોતે જ મેડિકલ સ્ટોર અને પેટ્રોલ પંપો પર જૂની નોટો લેવાનું ચાલું રાખ્યું. સરકારી કરવેરા ભરવામાં પણ જૂની નોટો ચાલશે તેવી જાહેરાતના પગલે લોકોએ સ્થાનિક વેરા જૂની નોટો દ્વારા ભર્યા. હાલ દેશમાં ૫૦ હજારથી વધુ પેટ્રોલ પંપો પર રોજના લાખો વાહનો કરોડો રૃપિયાનું પેટ્રોલ ભરાવે છે. ત્યારે આ પ્રવૃત્તિ બે મહિના સુધી ચાલે તો માત્ર પેટ્રોલ પંપો પર જ કરોડો રુપિયાનું કાળું નાણું ધોળું થઈ જશે એ તો કોઈએ વિચાર્યું જ નહીં ! મોટા વાહનોવાળા તો રોજનું હજાર રૃપિયાનું પેટ્રોલ ભરાવે છે. નોટબંધીમાં પણ દેશભરમાં દોડતી લાખો ટ્રકો રોકડેથી એ પણ જૂની નોટોથી ડીઝલ ભરાવતી હતી એટલે એકાદ લાખ કરોડ તો પેટ્રોલ પંપો પર જ આવી ગયા હતા !

(૪) સરકારે દરેક વ્યક્તિ પોતાના બેંક ખાતામાં રૃ. ૨ લાખ સુધીની રકમ જમા કરાવી શકશે તેવી છૂટ આપી. આવકવેરા વિભાગ બે લાખ સુધી કોઈ પૂછપરછ કરવાનો નહોતો. એ રીતે જોઈએ તો, દેશના ૩૫ કરોડ બેંક ખાતેદારો જો રૃ. ૫૦ હજાર પણ બેંકમાં જમા કરાવે તો આંકડો ૧૭.૫૦ લાખ કરોડે પહોંચી જાય અને સરકાર કંઈ જ ન કરી શકે. થયું પણ એવું જ. ૨૫ કરોડ જનધન ખાતાઓમાં નાની મોટી રકમો જમા થઈ અને કાળું નાણું સફેદ થઈ ગયું! ભારતીય સમાજ વ્યવસ્થા આ કાળાંને ધોળાં કરવામાં મદદરુપ બની. કાકાએ ભત્રીજાના, ભાઈએ ભાઈના બેહિસાબી નાણાં પોતાના ખાતામાં જમા કરી આપ્યા. સરકારને ૩૦ ટકા ટેક્સ ભરવા કરતા સગાઓને ૧૫ – ૨૦ ટકા લાભ આપવો શું ખોટો એમ માનીને લોકોએ જ્યાં જગ્યા મળી ત્યાં રૃ. ૨,૦૦,૦૦૦ મૂકી દીધાં. ઘણી જગ્યાએ માલિકોએ નોકરોને મદદ કરી, કારીગરો, ડ્રાઈવરોએ શેઠિયાઓને મદદ કરી અને બેહિસાબી રુપિયા થાળે પડી ગયા.

(૫) રિઝર્વ બેંક એમ કહેતી હોય કે ૯૯ ટકા નોટો પાછી આવી ગઈ છે તો સરકારે બેંકો પાસેથી પ્રત્યેક દિવસની નોટોનો હિસાબ તપાસવો જોઈતો હતો. આટલા મોટા પાયે મિશન શરુ થયું હોય ત્યારે સોએ ૯૩-૯૫ ટકા નોટો પાછી આવે અને બે ત્રણ ટકા તો બહાર રહી જ જાય. પણ અહીં તો આ નોટો પણ આવી ગઈ એનો મતલબ એ કે, છેલ્લે પાછલા બારણેથી કોઈ નોટો બદલી ગયું છે. અને આ કામ બેંકના લોકો અથવા સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોની મદદ વિના થઈ શકે નહીં.”

 

અર્થશાસ્ત્રી પ્રો. હેમંત શાહના મતે, “નોટબંધીએ અસંગઠિત ક્ષેત્ર પર સૌથી મોટી અસર કરી છે.  જે લોકો કૅશમાં ધંધો કરતા હતા તેમને ભારે તકલીફ પડી. રોકડવિહીન વ્યવસ્થાના કારણે દેશભરમાં બે કરોડથી વધુ લોકો ઓછાવત્તા પ્રમાણમાં બેકાર થઈ ગયા. નોટબંધી અગાઉ જીડીપી ૭.૫ ટકા હતો તે પછીથી ઘટીને ૫.૭ ટકા થઈ ગયો. (આ આંકડો પણ એપ્રિલથી જુલાઈ ૨૦૧૭ સુધીનો હતો. જીએસટી બાદનો આંકડો આવવો હજુ બાકી છે.) નાના ઉત્પાદકો અને નાના વેપારીઓ કે જે દેશની અસંગઠિત ક્ષેત્રની ૯૨ ટકા રોજગારી પૂરી પાડે છે તેમને સૌથી વધુ અસર થઈ. તેમની આવકમાં અને ઉત્પાદનમાં બંનેમાં ઘટાડો થયો. નોટબંધીની સૌથી મોટી બાબત એ રહી કે તેનો એકેય હેતુ સિદ્ધ ન થયો. કાળું નાણું, ભ્રષ્ટાચાર કે નકલી નોટ- આ ત્રણમાંથી એકેય પર રોક લાગી નથી. ઉપરથી રૃ. ૨૦૦૦ની નોટ છાપી જાણે વધુ મોકળાશ કરી આપી. હકીકત તો એ છે કે, આ ત્રણેય અનિષ્ટના કેન્દ્રમાં નેતાઓ છે અને તેઓ પોતાના પગ પર કુહાડી ક્યાંથી મારે ? હવે ચૂંટણીઓ માત્ર પૈસાના જોરે લડાય છે. રાજકીય પક્ષોને આરટીઆઈના દાયરામાં આવવું નથી એ જ તેમના મેલાં મનની ચાડી ખાય છે.”

 

નોટબંધીની જેમ આર્થિક મોરચે વિવિધ અસરો પડી હતી તેવી જ સામાજિક ક્ષેત્રે પણ પડેલી. એમાં કેટલીક અસરો તો એવી છે જે આજ પર્યતઃ યથાવત છે. જાણીતા સમાજશાસ્ત્રી પ્રો. ઘનશ્યામ શાહ નોટબંધીની આવી જ કેટલીક સામાજિક અસરોની ચર્ચા કરતા કહે છે, “નોટબંધીની સામાજિક અસર એ થઈ કે, અસંગઠિત ક્ષેત્રમાં સૌથી વધુ લોકોએ રોજગારી ગુમાવવી પડી. માલિકોએ દરરોજ રોકડા રુપિયા ઉપાડવા શક્ય ન બનતા મજૂરોને અચોક્કસ મુદ્દત સુધી છૂટા કરી દીધા હતા. ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવું વધારે બન્યું હતું. દેશનો ભણેલો વર્ગ જે ઈન્ટરનેટ કે ઓનલાઈન પેમેન્ટ કરી શકતો હતો તેમની સુવિધાઓ સચવાઈ પણ છેવાડાના માણસની સ્થિતિ કફોડી બની. તેમની પાસે જાણકારી પણ નહોતી અને સુવિધા પણ નહોતી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરી શકવાના કારણે તેમનામાં લઘુતાગ્રંથિ આવી. હજુ તો માંડ તેઓ એટીએમ વાપરતા થયા હતા. એમાં પણ કૅશ ન હોવાના કારણે બેંકિંગ સિસ્ટમ પ્રત્યે તેમનામાં ભારે અવિશ્વાસ પેદા થયો. જેના કારણે તેઓ ફરી પાછા રોકડ જમા કરતા થયા.

 

આટલું ઓછું હોય તેમ બેંકોએ મિનિમમ બેલેન્સના નિયમ હેઠળ સીધા અકાઉન્ટમાંથી રુપિયા કાપવા શરુ કરી દીધા. લોકોએ એ પણ જોયું કે, વિજય માલ્યા જેવા અનેક ડિફોલ્ટરો બેંકોના કરોડો રુપિયાનું ફૂલેકું ફેરવીને વિદેશમાં મોજ કરતા હતા. સામે તેમણે લીધેલી લોનનો એક હપ્તો ચૂકી જવાય તો બેંકો દંડ ફટકારતી હતી. ગ્રામીણ વિસ્તારો મોટાભાગે કૉ.ઑપરેટિવ બેંકો પર નિર્ભર હતા. તેમાં કૌભાંડો બહાર આવતા ખેડૂતોમાં ભય પેઠો. તેમના માટે એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું કે વિશ્વાસ કોના પર કરવો. નોટબંધીના કારણે ગામડામાં પણ લોકો ઓનલાઈન પેમેન્ટ વિશે જાણવા મજબૂર બન્યા. પેટીએમ સહિતના ટ્રાન્ઝેક્શન કરતા થયા, પણ નોટબંધીની અસર ઘટતા ફરી પાછા કેશ તરફ વળી ગયા છે. સરકારી સિસ્ટમમાં આમ પણ લોકોને અવિશ્વાસ હતો એમાં નોટબંધીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. ભારત પહેલા નાઈજિરિયા, ઘાના, પાકિસ્તાન, ઝિમ્બામ્વે, ઉત્તર કોરિયા, સોવિયેત યુનિયન, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર એમ આઠ દેશોએ નોટબંધીનો અખતરો કરેલો પણ એકેય વખત તે સફળ રહી નથી તે ઈતિહાસ છે. સરકારે કમ સે કમ તેમાંથી ધડો લીધો હોત તો પણ ઘણું હતું.”

 

અને છેલ્લે, ૧૮ લાખ ગામડાઓ અને સવાસો કરોડના દેશમાં કરોડો રૃપિયા ક્યાંય દેખાયા નહીં. શરુઆતી બૂમરેંગને પારખીને જ સરકારે નોટબંધીને કાળાં નાણાં વિરોધી ચળવળ ગણવાને બદલે કેશલૅસની ચળવળ બનાવી દીધી હતી. શરુઆતમાં તે સારી ચાલી, પણ ધીમેધીમે તેમાં પણ રોકડ વ્યવહારો શરુ થઈ ગયા. સરકાર જ્યાં સુધી અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે એ વાત નહીં સમજે ત્યાં સુધી આવા ખર્ચાળ તાયફા થતા રહેશે. આ એક વર્ષમાં ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારો, આતંકવાદ, નકલી નોટો કશું જ બદલાયું નથી. હા, ખેડૂતો, રોજમદારો, કામદારો અને લાઈનમાં ઉભા રહેલા લોકોએ ઘણું ગુમાવ્યું. આ અફડાતફડીમાં સ્વજનો ગુમાવનાર પરિવારોએ દેશ માટે બલિદાન આપ્યું અને તેમને સામે શું મળ્યું તે પૂછવાનો પણ કોઈને સમય નથી.

—————————————–.

– નરેશ મકવાણા અભિયાન મેગેઝિનના રિપોર્ટર છે.

તેમનું મેઇલ આઇડી – naresh@sambhaav.com

You might also like