નોટબંધીના અગણિત લાભ હવે દેખાય છેઃ – યમલ વ્યાસ

નવેમ્બર ૨૦૧૬માં નરેન્દ્ર મોદી સરકારે રૃ. ૫૦૦ તથા રૃ. ૧૦૦૦ની ચલણી નોટો રદ કરી તેને એક વર્ષ થયું છે ત્યારે તેની અસરો ઉપર હજારો લોકોએ વિશ્લેષણ કર્યું છે અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અલગ રાજકીય પક્ષો તેની અસર અંગે ભિન્ન વિચાર વ્યક્ત કરી રહ્યા છએ. પરંતુ કેટલીક બાબતમાં અસર સ્પષ્ટ રીતે થઈ છે. કાળા નાણાં ઉપર અંકુશ બેંકોમાં જમા કરવામાં આવેલ નાણાંમાંથી લગભગ રૃ. ૩ લાખ કરોડ જેટલી જંગી રકમ જમા કરનારની આવક કે મિલકત તેમણે જમા કરાવેલ રકમ સાથે સુસંગત ન જણાતાં આવકવેરા વિભાગો તેમને નોટિસો મોકલી છે અને એક અંદાજ પ્રમાણે આ પ્રક્રિયાથી લગભગ રૃ. ૨ લાખ કરોડથી વધુ જેટલું કાળું નાણું પકડાશે.

 

બનાવટી નોટોનું પ્રમાણ સામાન્ય રીતે હોય તેના કરતાં ઘણું વધી ગયાની વાતો સાંભળવા મળતી હતી અને હજી પણ ચાલી રહેલી નોટોની ચકાસણીની પ્રક્રિયા પૂરી થયે આપણને પકાડાયેલ બનાવટી નોટોની રકમ અંગે અધિકૃત માહિતી મળશે. અમારા અંદાજ પ્રમાણે આ આંકડો પણ ધારણાં કરતાં મોટો હોઈ શકે છે.જેમણે ઘરમાં પડેલી મોટી રકમ બેંકોમાં જમા કરાવી અને તેની ઉપર ઓછામાં ઓછું ૪ ટકા વ્યાજ મળતું થયું એટલે તેમને નાણાં ઘરમાં મૂકી રાખવા કરતાં બેંકમાં મૂકવાથી આવક ઊભી થાય છે તે વાતનો અહેસાસ થયો. રોકડ વ્યવહારને બદલે બેંક દ્વારા અને તેમાંય ડિજિટલ વ્યવહારનો વ્યાપ શરૃઆતમાં ખૂબ વધ્યો પણ રોકડ રકમ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય થયા બાદ પણ ડિજિટલ વ્યવહારો હજી મોટા પ્રમાણમાં થઈ રહ્યાં છે. આતંકવાદી પ્રવૃત્તિ એક એવી પ્રવૃત્તિ છે જેમાં માત્ર રોકડનો જ ઉપયોગ થાય છે. એમાં પણ પાડોશી દેશમાંથી રૃપિયાની બનાવટી નોટો મોટા પાયે ઘૂસાડવામાં આવી છે તેવા રિપાર્ટ અને આ નોટો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિને વેગ મળતો હતો તેવી માહિતી પણ નોટબંધી કરવાનો નિણર્ય પાછળ હશે અને નોટબંધી પછી કાશ્મિરમાં પથ્થરબાજીથી માંડીને અનેક ગુનાહિત, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં ઘણો ઘટાડો થયો છે.

 

આ ઉપરાંત માત્ર રોકડનો ઉપયોગ જ થાય તેની ગેરકાયદે પ્રવૃત્તિઓ જેમ કે જુગાર, સટ્ટો, બેંટિંગ ઉપર પણ શરૃઆતમાં લગભગ પૂરો અંકુશ આવ્યો અને આજે પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

કુલ મળીને નોટબંધીના ફલસ્વરૃપ દેશના અર્થતંત્રને સ્વચ્છ અને વધુ સક્ષમ બનાવવામાં  પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારનો અમલ થવાની દિશામાં ખૂબ સારી પ્રગતિ થઈ છે અને ભારતના આર્થિક ઇતિહાસમાં નોટબંધી એ દેશના અર્થતંત્રને સુધારવા માટેના એક ઐતિહાસિક નિર્ણય તરીકે નોંધાશે તેમાં કોઈ શક નથી.

——————————-

(યમલ વ્યાસ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.)

તેેમનું મેઇલ આઇડી – yamalavyas@yahoo.com

————————————————————

You might also like