મહેબુબા મુફ્તી હિંસક ટોળાંની તરફદારી કેવી રીતે કરી શકે?

ભારતીય સૈન્ય સાથે જમ્મુ-કાશ્મીરના ગેરમાર્ગે દોરવાયેલા લોકો પથ્થરમારાથી માંડીને ગમે તેવો વ્યવહાર કરી શકે તેનો અર્થ એ નથી કે સૈન્યના જવાનોને તેમનો પોતાનો બચાવ કરવાનો પણ અધિકાર નથી અને તેનો અર્થ એ પણ નથી કે જમ્મુ-કાશ્મીરની રાજ્ય સરકાર તેના નાગરિકોના આપરાધિક કૃત્યના બચાવમાં ઊતરી આવીને ભારતીય સૈન્યની બેઇજ્જતી કરવામાં સહભાગી બને! જમ્મુ-કાશ્મીરમાં ગત સપ્તાહે જે કાંઈ બન્યું તેનો અર્થ આવો જ થાય છે. રાજ્યના શોપિયાં જિલ્લામાં ૨૭ જાન્યુઆરીના રોજ ગઢવાલ રેજિમેન્ટની એક ટુકડી બાલપોરા ખાતે સૅક્ટર-૧૨માં આવેલા સૈન્યના વડામથકે જઈ રહી હતી ત્યારે કાશ્મીરીઓનાં એક ટોળાંએ જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં કેટલાક જવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. સૈન્યના જવાને સ્વબચાવમાં ગોળીબાર કર્યો તેમાં ત્રણ કાશ્મીરીઓ ઘવાયા હતા. જેમાંથી બેનાં મૃત્યુ થયાં અને એકને ગંભીર હાલતમાં શ્રીનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બે કાશ્મીરી નાગરિકોનાં મૃત્યુ થયાં એટલે ઉગ્રવાદીઓની લાગણી દુભાઈ અને રવિવારે બંધનું એલાન આપી દેવાયું. રાજ્યના મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ પણ સૈન્યના ગોળીબાર વિરુદ્ધ નિવેદન આપ્યું.

સૈન્યના જવાનો જાણે નાગરિકોના હત્યારા હોય એવું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ થયો. મુખ્યપ્રધાન માટે એ શોભાસ્પદ ન ગણાય. બે નાગરિકોનાં મૃત્યુ અંગે દુઃખ અને દિલસોજી વ્યક્ત કરે એ સમજી શકાય, પરંતુ લોકોનું ટોળું એકત્ર થઈને સૈન્યના જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કરે તો નાગરિકોના ગેરકાયદે કૃત્યને સરકાર છાવરી શકે નહીં. રાજ્ય સરકારના આવા વલણને કારણે જ લોકોની સૈન્યના જવાનો પર હુમલા કરવાની હિંમત વધે છે. મહેબુબા મુફ્તીએ સૌ પ્રથમ પરિસ્થિતિનો તાગ મેળવવાની જરૃર હતી. સૈન્યના જવાને કઈ પરિસ્થિતિમાં ગોળીબાર કર્યો હતો એ જાણવું જરૃરી બની રહે છે. અહીં તો મુખ્યપ્રધાને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામન સાથે વાત કરીને સેનાના જવાનો સામે બે નાગરિકોની હત્યા અંગે એફઆઇઆર નોંધાવી દીધી છે. સિતારામને આવી એફઆઇઆર માટે મંજૂરી આપી હશે એ માની શકાતું નથી. તેમાં જવાનો સામે ૩૦૨ની કલમ લગાવાઈ છે, એક તરફ આ એફઆઈઆર નોંધાઈ છે ત્યારે બીજી બાજુ ઘટનાની મૅજિસ્ટેરિયલ તપાસના આદેશ અપાયા છે.

સૈન્યના જવાનોને સીધા હત્યાના અપરાધી ગણીને તેમની સામે એફઆઇઆર નોંધવાની કાર્યવાહી કરતાં પહેલાં સૈન્યના જવાનોની વાત પણ સાંભળવી જોઈએ. સૈન્યના પ્રવક્તાએ સમગ્ર ઘટનાક્રમની સિલસિલાબંધ વિગતો આપતાં કહ્યું છે કે સૈન્યની ટુકડી શોપિયાંના ગનૌપુરા ચોકમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક એકસોથી વધુ લોકોનાં ટોળાંએ જવાનો પર પથ્થરમારો શરૃ કર્યો હતો. થોડી જ વારમાં આ ટોળું બસો-અઢીસો લોકોનું થઈ ગયું હતું. ટોળાંએ સૈન્યનાં ચાર વાહનોને ઘેરી લીધા અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સૈન્યની ટુકડી સાથે રહેલા એક જુનિયર અધિકારીને પથ્થર વાગતાં તે બેભાન બની ગયા. એ પછી ટોળાંએ જવાનોને ખેંચી કાઢવાનો અને તેમનાં હથિયારો આંચકી લેવાના પ્રયાસ કર્યા. પરિસ્થિતિની ઉગ્રતા જોઈને અને એક જેસીઓને ખેંચી જતા અટકાવવા માટે સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન કહે છે કે ગમે તેવી અસાધારણ કે ઉશ્કેરણીજનક પરિસ્થિતિમાં પણ જો કોઈ નાગરિકનું મૃત્યુ થાય તો રાજ્યમાં રાજકીય પક્ષો સાથે ચાલતી શાંતિ-મંત્રણાની પ્રક્રિયા ખોરવાઈ જશે. મુખ્યપ્રધાનની વાતમાં તથ્ય હોય તો પણ માત્ર શાંતિ-મંત્રણાની ચિંતા કરીને લોકોનાં ટોળાંના હાથે સૈન્યના જવાનોને મરવા દઈ શકાય નહીં. આખરે તો સૈન્ય પણ કાશ્મીરમાં શાંતિ જાળવવાના ભાગ રૃપે જ ફરજ બજાવે છે. સૈન્યને પણ આત્મરક્ષણનો અધિકાર છે. અશાંત વિસ્તારમાં સૈન્યને મળેલા અધિકાર હેઠળ જવાને કરેલા ગોળીબાર અંગે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવાનું કોઈ રીતે યોગ્ય નથી. કપરી પરિસ્થિતિમાં કાશ્મીરમાં ફરજ બજાવતા સૈન્યના જુસ્સાને આ રીતે નબળો પડવા દઈ શકાય નહીં. સૈન્યના જવાનો પર પથ્થરમારો કરવા ધસી આવેલું આ ટોળું કાશ્મીરી ત્રાસવાદીઓના સમર્થનમાં બહાર આવ્યું હતું. ત્રણેક દિવસ પહેલાં જ એ વિસ્તારમાં એક અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનનો ઉગ્રવાદી ફિરદોસ અહમદ માર્યો ગયો હતો. કાશ્મીરમાં ફરજ બજાવતા સૈન્યના જવાનો અને અર્ધલશ્કરી દળો એક તરફ ત્રાસવાદીઓ સામે લડે છે તો બીજી બાજુ વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરતા પાકિસ્તાની સૈનિકો સામે લડીને સરહદનું રક્ષણ કરે છે. કોઈ પણ સંજોગોમાં સૈન્યના જવાનોના આત્મરક્ષણના અધિકારને નકારી શકાય નહીં. જવાનો પર હુમલા કરતા લોકોને પણ તેમની ભૂલ સમજાવવી જોઈએ. કાયદો હાથમાં લેતા હિંસક ટોળાંની તરફદારી કમસે કમ રાજ્ય સરકારે તો કરવી ન જ જોઈએ.

—————.

You might also like