‘કૉફી મગ’ નવલિકા – કિશોર અંધારિયા

એસ.જી. હાઈવે રોડ પરની સિટીપ્લસ ક્લબના ફર્સ્ટ ફ્લોર પર તાળીઓના અવાજની સાથે નિરાલી… કેતકી.. નિરાલી.. કેતકી…ના નારા ગુંજી ઊઠ્યા. શનિવારની સાંજ એટલે અહીં વિમેન સેટરડે. દરેક શનિવારે શહેરની મિલિયોનેર બિઝનેસ વુમન કે અતિધનાઢય પરિવારની સ્ત્રીઓ એકઠી થાય. ગોસિપ, ગેઈમ્સ અને ઘણુંબધું. છેલ્લે ડિનર તો ખરું જ. આજની ગેઈમ્સમાં એકસાથે કેતકી અને નિરાલી બંનેએ વિન કર્યું હતું. હાથ મેળવી એકબીજાએ વિશ કર્યું ત્યારે કેતકીને અચાનક અઠવાડિયા પહેલાંની વાત યાદ આવી. વિનાયક, એના પતિએ ડાઇનિંગ ટેબલ પર કોઈ મોબાઇલ ઍટેન્ડ કર્યા પછી તરત એને પૂછ્યંુ હતું ઃ ‘કેતકી, સારી ડાયમન્ડ રિંગ પરચેસ કરવી હોય તો ક્યાંથી મળે?’

કેતકીએ મજાકિયો ઉત્તર આપ્યો હતો, ‘કેમ, મને ગિફટ આપવા વિચારે છે? શેની?’

ટેવ મુજબ વિનાયક મોટેથી હસ્યો હતો અને પછી સોનેરી ફ્રેમના ચશ્માંને ઠીક કરતા કહ્યું હતું, ‘બોલ, કેવી ને કેટલી રિંગ લેવી છે? કોઈ ફિંગર બાકી ના રહેવી જોઈએ-વિધાઉટ રિંગ!’

‘આઈ એમ જસ્ટ જોકિંગ વિનાયક! તેણે વાત બદલી હતી અને વિનાયકે કહ્યું હતું એના કોઈ ફ્રેન્ડને માહિતી જોઈતી હતી.’

‘સરપ્રાઇઝિંગ!’ નિરાલીની ડાયમન્ડ રિંગ તરફ નજર નાખતાં કેતકી બોલી, ‘આ ક્યારે ખરીદી નિરાલી? મારા ખ્યાલ પ્રમાણે તારી પાસે આવા શેઇપની રિંગ નહોતી?’

‘રાઇટ’ નિરાલીએ જવાબ આપ્યો, ‘યસ, હમણાં પરચેસ કરી.. કેવી લાગી?’

‘ગમી. નાઇસ સિલેક્શન’ તેણે કહ્યંુ.

કેતકી અમદાવાદની જાણીતી દવા બનાવતી કંપની ‘એરાઈઝ ફાર્મા’ના માલિક વિનાયક વોરાની પત્ની. ગુલાબી ચહેરો, પરવાળા જેવા હોઠ, લાંબા કાળા વાળ. મુંબઈના શૅરબજારના કિંગ ગણાતા મહેન્દ્ર વડોદરિયાની પુત્રી. નિરાલી ઊંચી, પાતળી અને સુંદર. દેહલાલિત્ય તો અદ્ભુત, સાથે એની આંખોમાં ગજબનું સંમોહન. એની તરફ જુએ તે જલ્દીથી નજર ન હટાવી શકે. નિરાલી અલ્કેશ શાહ, હવે સ્વર્ગસ્થ અલ્કેશ શાહની પત્ની. અલ્કેશ એરાઈઝ ફાર્મામાં વિનાયક વોરાનો પાર્ટનર હતો. પૂનાથી અમદાવાદ આવતી ટ્રેન પાટા પરથી ખડી ગઈ. ફર્સ્ટ એસીના એક જ ડબા પર કાળનો ક્રૂર પંજો ફરી વળ્યો. એમાં અલ્કેશ પણ હતો. માત્ર આઠ વર્ષનાં લગ્નજીવનનો આ રીતે કારમો અંત આવ્યો. આઘાતનું ઘોડાપૂર ઊમટ્યું અને વખત જતાં શમી ગયું. એ વખતે નિરાલીને સાચો સધિયારો મળ્યો વિનાયક અને કેતકીનો. નિરાલી હતી ટેલેન્ટેડ. મુંબઈની પ્રતિષ્ઠિત કૉલેજમાંથી એમબીએની ડિગ્રી મેળવેલ. તેને અલ્કેશના મૃત્યુના આઘાતમાંથી બહાર લાવવા માટે સૌ પ્રથમ આ વિચાર વિનાયકને સ્ફૂર્યો. આમ પણ અલ્કેશ એનો પાર્ટનર હતો એટલે એનો અધિકાર પણ ખરો. નિરાલીને બિઝનેસ પાર્ટનર બનાવી ફર્મનું ઑફિસવર્ક સોંપવામાં આવે તો એનો ટાઈમપાસ થવા લાગે અને તેનું દુઃખ આ રીતે હળવું થાય. અલ્કેશ સાથેના મેરેજ પછી નિરાલી અમદાવાદ આવી ત્યારથી એને કેતકીનો પણ એટલો જ સાથ-સહકાર હતો. નિરાલીને એરાઈઝ ફાર્મામાં સાથે લેવાનું વિનાયકનું સૂચન એટલે જ કેતકીને ગમ્યું હતું.

એરાઈઝ ફાર્માની વિશાળ આધુનિક ઑફિસમાં નિરાલીને જુદી ચેમ્બર આપવામાં આવી. પહેલા દિવસની તેની એન્ટ્રી ધમાકેદાર રહી. મોહક ચહેરો, ઓફ વ્હાઈટ સેલ્ફ ડિઝાઈન્ડ્ કોટનની સાડી, પરફ્યૂમની માદક સુગંધ અને આ વ્યક્તિત્વમાં ઉમેરણ એટલે તેની પ્રભાવી પર્સનાલિટી. વિનાયકે સ્ટાફના કી-પર્સન્સ સાથે તેની ઓળખાણ કરાવી. પહેલા જ દિવસે નિરાલીએ સેલ્સ, માર્કેટિંગ અને પ્રોડક્શન ત્રણેય ડિપાર્ટમેન્ટના મૅનેજરને ચેમ્બરમાં બોલાવ્યા અને જરૃરી માહિતી લીધી. ઉપરાંત મેડિસિન બનાવતી હરીફ કંપનીના સેલિંગના આંકડા પણ જાણી લેવા કહ્યું.

બીજે દિવસે વિનાયક થોડો વહેલો ઑફિસે પહોંચી ગયો હતો. નિરાલી આવી એટલે સીધી વિનાયકની ચેમ્બરમાં ઘૂસી.

‘ગુડ મોર્નિંગ નિરાલી, યસ આવ, બેસ’ ધ્યાન પડતાં જ સામેની ચૅર તરફ અંગુલિનિર્દેશ કરતા એ બોલ્યોઃ

‘વિનાયક, ફોર એરાઈઝ ફાર્મા, તને એક વાત કહું?’

‘તારે પૂછવાનું ન હોય.. ગઈકાલનું તારું પર્ફોર્મન્સ એટલે…રિપીટેડલી આઈ સે, વેરી ઇમ્પ્રેસિવ..! તારી મૅનેજરિયલ સ્કિલ જોઈ હું ખરેખર પ્રભાવિત થઈ ગયો! મેં રાતે કેતકીને પણ આ બધું કહ્યું હતું.’

એ હસી, ‘થેન્ક્સ. હવે બિઝનેસની વાત કરીએ? કારણ કેતકીનો મેસેજ હતો આજે રાતે ડિનર માટે મારે તારે ત્યાં જ આવવાનું છે… એટલે બીજી વાત ત્યાં થશે.’

‘ઓ. કે. કહે.’

‘મારાં કેટલાંક ફાઇન્ડિંગ છે. ઓબ્વિયસલી, આઈ હેવ ઝીરો એક્સપીરિયન્સ. એથી ખોટા પણ હોઈ શકે બટ.. મેડિસિનમાં વપરાતાં મોટા ભાગનાં કેમિકલ્સ કન્ટેઇન્સ આપણે જે કંપની પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ એ આપણને જે રેઇટ પર સપ્લાય કરે છે એનાથી ઓછા ભાવે એ સિટીની બીજી ફાર્માસ્યુટિકલ્સ ફર્મને તે આપે છે.’

હવે આશ્ચર્યચકિત થવાનો વારો વિનાયકનો હતો, ‘આર યુ સ્યોર?’

‘એબ્સોલ્યૂટલી, બિકોઝ જે સ્ટેટેસ્ટિક્સ મેં મેળવ્યા તે ઓન રેકોર્ડ છે. પરચેસિંગ હેડ સાહુ પાસેથી ડિટેઇલ્સ મેળવી એમાં મને જાણ થઈ.’

રિવૉલ્વિંગ ચૅર પરથી ઊભા થઈ બંને હાથ ઊંચા કરી તાળીઓ પાડતા એ બોલ્યો, ‘એક્સલન્ટ નિરાલી! વેરી ગુડ.. અમારું તો ક્યારેય ધ્યાન જ ન ગયું!’ પછી જરા અટકીને આગળ બોલ્યો, ‘હવે એ કહે, તને કઈ સ્વીટ ગમશે? આજે ડિનરમાં એડ કરી દઈએ… મારા તરફથી!’

ટૂંક સમયમાં એરાઈઝ ફાર્માના રિઝલ્ટ સુધરી ગયા. પ્રોફિટ વીસ ટકા જેટલો વધી ગયો. વિનાયક એનું શ્રેય નિરાલીને આપતો હતો. તેનું એડ્મિનિસ્ટ્રેશન તથા પોલિસી વિષયક નિર્ણયો કંપની માટે ઘણા ફાયદાકારક નીવડ્યા હતા.

સાથોસાથ એક બીજી વસ્તુ બની. છેલ્લા થોડા મહિનાથી કેતકીને લાગતું હતું કે વિનાયક-નિરાલીના સંબંધ નોર્મલથી કંઈક વિશેષ બની રહ્યાં છે. એક જ બિઝનેસમાં જોડાવાથી સાથે રહેવાનું બને એ સ્વાભાવિક છે, કેતકીએ જ તે સ્વીકારેલ. હમણાં હમણાં વિનાયકની હાજરીમાં નિરાલીની આંખોમાં ઉદ્ભવતી એ લિપિ પોતે ખુદ સ્ત્રી હોવાથી સારી રીતે ઉકેલી શકતી હતી. અલબત્ત, પોતાના માટે કોઈ ઉપેક્ષા નહોતી, પણ વિનાયકનો નિરાલી પ્રત્યેના ઝુકાવનો અણસાર પણ એ અનુભવી શકતી હતી.

એક સાંજની વાત છે, કેતકી ઘરે હતી. પોતાના મહેલ જેવા આલીશાન બંગલાની આગળના ભાગે ચાર હજાર સ્ક્વેર મીટરમાં લૉન પથરાયેલી હતી. ગાર્ડનમાં આવેલ સફેદ રંગના કલાત્મક હીંચકા પર બેસી એ કોઈ મૅગેઝિનનાં પાનાં ફેરવી રહી હતી. ચોકીદાર અમરસિંઘે ગેટ ખોલ્યો અને વિનાયકની બીએમડબલ્યુ અંદર પ્રવેશી. કાર પોર્ચમાં પાર્ક કરી સીધો અંદર જવાને બદલે તે એ તરફ આવ્યો, હાય કેતકી, ઑલ વૅલ?’

‘યસ’ એને બેસવાનો ઇશારો કરતા તેણે કહ્યું, ‘કેમ મોડું થયું?’

‘એક ક્લાયન્ટ સાથે મિટિંગ હતી.’

‘ઓ. કે.’

વિનાયકને થયું અત્યારે કેતકીને કહી જ દેવું પડશે એટલે બોલ્યો, ‘મારે મલેશિયા જવું પડશે..’

‘કેમ…? ક્યારે?’ એ આશ્ચર્ય પામી.

‘એક ત્યાંની ફાર્મા કંપની આપણી સાથે ઇન્વેસ્ટ કરવાનું વિચારે છે… ડીલ મોટી છે… નક્કી બહુ મોડું થયું.. ફ્લાઇટ બુકિંગ પણ તાત્કાલિક કરાવવું પડ્યું.’

‘મેં પૂછ્યું… ક્યારે જવાનું છે  વિનાયક?’

‘પરમ દિવસે. સાંજની ફ્લાઇટ છે.’

‘અને તું મને છેક અત્યારે કહે છે.. સાથે કોઈ આવે છે અહીંથી?’

ક્ષણિક એ ખચકાયો, પછી બોલ્યો, ‘હા, નિરાલી આવે છે સાથે…’

કેતકીના અવાજની નારાજગીમાં હવે ગુસ્સો ભળ્યો, ‘વ્હોટ? નિરાલી?.. મલેશિયા..? અને તને આ વાત મને કહેવાની પણ જરૃર નથી લાગતી વિનાયક? હું પૂછું છું ત્યારે તો કહે છે!’

‘કમ ડાઉન કેતકી’ તેની વધુ નજીક સરકી એ બોલ્યો ઃ ‘આપણે હજુ વાત શરૃ કરી હતી.. હું કહેવાનો જ હતો.’

‘ઓ. કે. બટ ત્યાં નિરાલીની શું જરૃર છે?’

‘હોય તો જ ને!’ આ મોટું ડીલિંગ છે. નહિતર થોડો હું..’

‘મને લાગે છે વિનાયક, હવે વધુ પડતું થઈ રહ્યું છે આ.. હું નથી માનતી નિરાલી વગર ત્યાં તારું કામ અટકી પડે!’

‘આ બિઝનેસની વાત છે કેતકી, તું એમાં શા માટે પડે છે?’

‘છે કારણ.. કારણ આઈ એમ યોર વાઈફ..!’ તું આ રીતે કોઈ સ્ત્રીને લઈ પરદેશ જાય તો મને કંઈ ન થાય?’

‘પહેલી વાત કેતકી, નિરાલી એ કોઈ નથી, આપણી ફેમિલી ફ્રેન્ડ છે. બીજું એ હવે બિઝનેસ પાર્ટનર પણ છે!’

‘મને આવું બધું નથી પસંદ વિનાયક…’ ગુસ્સામાં એ હીંચકા પરથી ઊભી થઈ અંદર તરફ જતાં બોલી. વિનાયકે આગળ કંઈ કહેવાનું ટાળ્યું.

મલેશિયાના રમણીય પેટોન્ગ બીચ પર આવેલ કસા ડૅલ માર રિસોર્ટની ટેરેસ પર આવેલ રૅસ્ટોરન્ટમાં વિનાયક અને નિરાલી સામસામી ખુરશીમાં બેઠાં હતાં. સામે દરિયાનું ચોખ્ખું નીલું પાણી લહેરાતંુ હતું. કિનારે અથડાતાં મોજાંઓ ધવલ ફીણફીણ થઈ વિખરાઈ જતાં હતાં. નિરાલી ક્યારની એ નયનરમ્ય દૃશ્ય જોઈ રહી હતી. વિનાયકે તેના લીસા ગાલ પર હળવી ટપલી મારતા કહ્યું ઃ ‘તું તો દરિયાના પ્રેમમાં પડી ગઈ!’

નિરાલીએ એની તરફ ચહેરો ઘુમાવ્યો, ‘બેબી, આઈ એમ ઈન લવ ઓફ યુ ઓન્લી!’ એક્ઝેક્ટલી કહું તો તારા પ્રેમમાં પડ્યા પછી આઈ ફીલ એક્સટ્રીમલી હેપ્પી! આઈ થિન્ક, હું તારા વગર નહીં રહી શકું.’

‘આઈ ઓલ્સો’ તેની આંખોમાં આંખ પરોવી નિરાલીની ઊડતી લટ સરખી કરતા તેણે કહ્યું.

એટલીવારમાં બેરરે આવી કૉફીમગ તેમના ટેબલ પર સર્વ કર્યાં અને કહ્યું, ‘હેવ અ નાઈસ ડે સર, મેમ!’

નિરાલીના ચહેરા પરના હાવભાવ બદલાયા. કૉફીનો એક સીપ લઈ એ બોલી, ‘આઈ વૉર્ન યુ અગેઈન… મારે તું જોઈએ.. પૂરેપૂરો.. તારામાં કોઈ ભાગ પડાવે એ મને નહીં પાલવે…’

‘હું સમજું છું તારી ફીલિંગ્ઝ, ડોન્ટ વરી પરંતુ કેતકી…’

‘નહીં, હવે કેતકી પણ નહીં!’ એ ગુસ્સામાં હતી.

‘હું જાણું છું નિરાલી’ તેનો ગૌર હાથ હાથમાં લઈ એ બોલ્યો, ‘પરંતુ હું કહું શું?’

‘પ્લીઝ કૉફી લે..’ નિરાલીની આંખોમાં આટલું બોલતાં જ અચાનક અજબ પ્રકારની ચમક આવી, ‘…યસ કૉફી!… કૉફી કેતકીને પણ બહુ પસંદ છે નહીં?’

‘મતલબ નિરાલી?’

અને તેના પ્રેમમાં ગળાડૂબ પડેલ વિનાયક નિરાલીના માસ્ટર માઈન્ડમાં ચાલતા કેતકીનો ‘કાંટો’ દૂર કરવાના ‘પ્લાન’માં અવશપણે ઢસડાતો ગયો.

આ ફાર્મહાઉસ નહોતું, વાડી હતી. વિનાયકના મૂળ ગામ શામપરાના પૂર્વ સરપંચ સતુદાદાએ વિકસાવેલી. સતુદાદાની વાડી તરીકે જાણીતી. અમદાવાદથી ગાંધીનગર જતાં રસ્તા પર અંતરિયાળ ભાગે આવેલી. આંબાનાં ઘણાંબધાં ઝાડ હતાં. બે કૂવા હતા અને ત્રણ મોટા ઓરડાઓ. એ પણ સગવડ ભર્યા. વિનાયક અને બીજા મિત્રો ફેમિલી સાથે વર્ષમાં એક-બે વખત અહીં આવતા. આખો દિવસ રોકાતા. કુદરતને ખોળે ચેન્જ મળી જતો. વાડીના ત્રણ ચાર રખેવાળ અહીં દેશી ઢબની રસોઈ અને ચા-નાસ્તો પણ બનાવી આપતાં.

સવારથી વિનાયક, કેતકી અને નિરાલી અહીં આવ્યાં હતાં. મલેશિયાથી પરત આવ્યાં પછીના અઠવાડિયે વિનાયક અને નિરાલીએ આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. અત્યારે લાંબા વાંસના ઝૂંડ વચ્ચે ખુલ્લી જગ્યામાં ખુરશી ઢાળી ત્રણેય બેઠાં હતાં.

બપોરે આખા રીંગણાંનું શાક, કઢી, ખીચડી અને રોટલાનું પરંપરાગત લંચ લઈ તેમણે આરામ કર્યો હતો.

સૂરજ અસ્ત થતાં પહેલાં જ શિયાળાની સાંજનું અંધારું ઊતરી આવવા લાગ્યું હતું.

‘શું લાગે છે?’ નિરાલી આજે કંઈક અલગ મૂડમાં લાગતી હતી. ‘કૉફી પીયે?’

કેતકી કંઈ કહે એ પહેલાં જ વિનાયકે કહ્યું, ‘મજા આવશે.. આમેય કેતકીને કૉફી પ્રિય છે…’

એ તરત બોલી, ‘વ્હાય નોટ?’ ઓન ધ કોન્ટરારી, હું હજુ કહેવાની જ હતી!’

વાડીના રખેવાળ પૈકી ઠીંગુજી લાગતો માણસ દેખાતા નિરાલીએ તેને બોલાવ્યો અને કહ્યું, ‘ભાઈ, ત્રણ ફર્સ્ટ ક્લાસ કૉફી બનાવશો?’

‘…અને ખાંડ ઓછી હાંે!’ કેતકીએ સૂચન કર્યું. હકારમાં માથું ધુણાવી પેલો ગયો. વિનાયક કેતકી જોઈ ન જાય એ રીતે પોતાની ઠંડી ક્રૂરતા છુપાવતા નિરાલી તરફ જોઈ હસ્યો. બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું હતંુ. ગઈકાલે બંનેએ અહીં આવીને ઘણી મોટી પૈસાની લાલચ આપી સઘળી ગોઠવણ કરી રાખી હતી. એ પ્રમાણે સાંજે કૉફી ઓર્ડર કરવાની હતી અને કેતકીના કૉફી મગમાં પહેલેથી જ સ્લીપિંગ પીલ્સનો ઓવરડોઝ ભેળવી દેવરાવાનો હતો. ઘણી રકઝક પછી આ ઠીંગુજી માણસ અઢળક પૈસા જોઈ તૈયાર થઈ ગયો હતો. હવે થોડીવાર પછી વિનાયક-નિરાલી વચ્ચેનો કાંટો સિફતપૂર્વક દૂર થઈ જવાનો હતો. કેતકીનો ખેલ ખતમ થઈ જવાનો હતો. એની હત્યા પછી આગળ જતાં સમગ્ર ષડ્યંત્રનું ભીનું સંકેલાઈ જાય એ માટે જરૃર પડે વિનાયકે બીજા જે થાય તે રૃપિયા ખર્ચી નાખવાની મનોમન તૈયારી રાખી હતી. નિરાલી વિચારતી હતી આજની સાંજ પછી રાત નહોતી પડવાની, સોનાનો સૂરજ ઊગવાનો હતો!

એટલીવારમાં પેલો માણસ ટ્રેમાં ત્રણ કૉફી મગ લઈને આવ્યો. જાળવીને તેણે એક પછી એક ત્રણેયને એ હાથમાં આપ્યા અને નીચું જોઈને ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. વિનાયકે એક ઘૂંટ લઈ ‘ફાઈન ટેસ્ટ’ કહ્યું તથા તે બંનેને લેવા માટે હાથથી ઇશારો કર્યો. કેતકીએ કૉફી પીવાની શરૃઆત કરી એટલે તેને સ્મિત આપી નિરાલીએ પણ સીપ લીધો.

કૉફી પૂરી કર્યા પછી પંદર-વીસ મિનિટ ત્રણેયે આપસમાં અમસ્તી વાતો કરી. અચાનક વિનાયકનું ધ્યાન પડ્યું. નિરાલી બોલતી બંધ થઈ ગઈ હતી. તે ખુરશીનો ટેકો લઈ ઊભી થવા ગઈ એ ભેગી જ પડી ગઈ. તેની આંખો બંધ થઈ ગઈ. તે પોતાની જગ્યાએથી એને સંભાળવા જાય એ પહેલાં કેતકીની પણ એ જ હાલત થઈ. તે આગળ નમી અને માથું સીધું ટેબલ પર. એ ત્યાં જ બેઠાં બેઠાં ઢળી પડી. આશ્ચર્ય અને આઘાતથી એ દિગ્મૂઢ થઈ ગયો. વિનાયકની રગોમાં જાણે લોહી થીજી ગયું! કેમ આમ થયું? ભૂલથી બંનેના કૉફી મગમાં ઘેનની દવાનો હેવી ડોઝ ઠલવાઈ ગયો કે શું? પેલા માણસે એટલું પણ ધ્યાન નહીં રાખ્યું હોય? કેતકીની સાથે નિરાલી પણ ચિરનિદ્રામાં પોઢી ગઈ? બેયના ઢળી પડેલા દેહ જોઈ એ ડરી ગયો. થોડીવાર શૂન્યમનસ્ક થઈ ગયો. હવે શું કરવું? નિરાલીને ઢંઢોળવા પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ. એના હોશકોશ ઊડી ગયા. આસપાસ કોઈ નહોતું. અંધારંુ પણ ઠીક-ઠીક વધી ગયું હતું. જે થયું એને તો હવે પોતે બદલી શકે તેમ નહોતો. પોતાની જાતને આ ડબલ મર્ડર કેસમાંથી કેમ બચાવવી એ ઝડપથી વિચારવા લાગ્યો. એના મગજમાં ચમકારો થયો. આમ પણ પૂર્વયોજિત પ્લાન પ્રમાણે કેતકીની હત્યા પછી તે અને નિરાલી કારમાં આ સ્થળેથી નાસી છૂટવાના હતા. હવે એકલો જ જેમ બને તેમ જલદીથી અહીંથી ભાગી નીકળે તો? સતુદાદાની વાડી અંતરિયાળ ભાગમાં હતી. અહીં સીસીટીવી કેમેરા વગેરે તો ક્યાંથી હોય? વાડી સંભાળતા માણસોને આમેય પટાવવા અઘરું નહોતું. પેલો ઠીંગુજી માણસ તો કંઈ કરવાનો જ નહોતો! કેતકી અને નિરાલી કઈ રીતે અને કેમ અહીં પહોંચ્યાં એની વાર્તા તો પોલીસ ઇન્કવાયરીમાં પછીથી બનાવી શકાય!

બંનેના નિશ્ચેતન દેહ તરફ ઊડતી નજર નાખી એ ઝડપથી ઝાડી વટાવી વાડીના ઝાંપા સુધી પહોંચ્યો. બહાર સઘળું ઉજ્જડ, ખાલીખમ હતું. કાર સુધી પહોંચી અંદર ગોઠવાઈ કાર સ્ટાર્ટ કરી. હેડલાઈટના પ્રકાશથી અંધારાને ચીરતી કાર આગળ ચાલી.

પાંચ-સાત મિનિટ પછી મોબાઇલની રિંગ રણકી. પહેલાં થયું હમણાં કોઈનો ફોન ઉપાડવો નહીં, પરંતુ કંઈક કામનો હશે તો? સ્ટિયરિંગ એક હાથે કંટ્રોલ કરતાં તેણે ડાબા હાથે શર્ટના ઉપરના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો…. અરે? આ… શું? મોબાઇલ સ્ક્રીન પર કેતકીનું નામ ઝળકતું હતું! ભયનું એક લખલખું તેના શરીરમાંથી પસાર થઈ ગયું… આટલીવારમાં કેતકીના મૃતદેહ પાસે કોઈ પહોંચી ગયું?… એ આગળ વિચારવા લાગ્યો. હવે શું થશે? અગર જો મોબાઇલ નહીં ઍટેન્ડ કરું તો કોઈને વધુ શંકા જશે. એ કરતાં….

તેણે મોબાઇલ ઉપાડ્યો અને કહ્યું, ‘હેલો….’

‘કેતકી બોલું છું!’ ઊંડા કૂવામાંથી આવતો હોય એવો અવાજ પડઘાયો. વિનાયકના મનમાં ભૂચાલ ઊઠ્યો. સ્ટિયરિંગ પર માંડ કાબૂ રાખી શક્યો. ‘ક…કોણ?’ માંડ બોલી શક્યો એ.

‘કેતકી, તારી વાઈફ! બહુ જલદીથી ભૂલવા માંગે છે મને? મારો અવાજ પણ ન ઓળખ્યો?’

‘પણ… પણ હજુ હમણાં તો…’

‘…એનું મર્ડર કરીને નીકળ્યો અને એ જીવતી ક્યાંથી હોય એમ જ ને?… અને હવે તો નિરાલી પણ ગઈ સ્વર્ગે!’

‘તું…તું જીવિત છે…?’

‘તો જ હું તારી સાથે વાત કરી શકુંને વિનાયક? વેરી સિમ્પલ! …. અને હા, કાર રોકતો નહીં હમણાં, ચાલુ રાખજે નહિતર તારા નસીબમાં તમારા બંનેનો મલેશિયામાં બનાવેલ માસ્ટર પ્લાન કેમ ફેઈલ ગયો એ ક્યારેય ખબર નહીં પડે..!’

‘એટલે? તું કહેવા શું માગે છે કેતકી?’

‘ઓ. કે. જલ્દીથી કહી દઉં…. સાંભળી લે, કારણ તારી પાસે બહુ ઓછો સમય છે. પૂરા આઠ મહિનાથી તારા નિરાલી સાથેના અનૈતિક સંબંધની મને બધી જ જાણકારી હતી…. તારા પપ્પા અને મારા સસરાના વખતથી એરાઈઝ ફાર્મામાં નોકરી કરતા સુખવંત કાકાએ મને સૌ પ્રથમ આ વાત કરેલ… ત્રણ દિવસથી તમે અહીં સતુદાદાની વાડીમાં લાવી ઠંડા કલેજે મારી હત્યા કરવાનું કાવતરું ગોઠવતાં હતાં… મારા કૉફી મગમાં સ્લીપિંગ પીલ્સનો ઢગલો ઠાલવી દેવાનો એવો આઈડિયા નિરાલીનો અને એ તરકટનો માસ્ટર પ્લાન તારો!’

‘તને… કેવી રીતે ખબર પડી?’ એ ગભરાયેલા અવાજે બોલ્યો.

‘સાવ એટલે સાવ સીલી મિસ્ટેક કરી તેં! પુઅર બોય! કોઈ આવી ભૂલ કરે? આખરે મર્ડરનો મામલો હતો! તું અને નિરાલી આખા કાવતરાની કડી ગોઠવવાનું કામ ‘વૉટસઍપ’ પર કરતાં હતાં! મેં જોયું આજે વહેલી સવારે એ બધાં જ મેસેજ તેં ડિલિટ કરી નાખ્યા હતા, પરંતુ એ પહેલાં તું એટલી સતર્કતા ન રાખી શક્યો…. રાતે બે-ત્રણ વાગ્યે હું આરામથી તમારું ચેટિંગ વાંચી લેતી હતી! આગળની વાત ટૂંકમાં કહું…. અજાણી રહીને હું તમારી સાથે આવી… તેં વાડીમાં પેલા ગરીબ ઠીંગુજી માણસને કૉફીમાં દવા નાખવા દસ લાખ આપ્યા એને મેં એકાંત મળતાં દબોચી લીધો. મેં બતાવેલ પોલીસની બીકથી એ થથરી ઊઠ્યો. પછી એમાંથી ઉગરવા મેં એને રસ્તો દેખાડ્યો અને તેને કહ્યું- એ પૈસા તારી આગળ જ રહેશે. કરવાનું એ જ ઢબે છે… એ દવા હવે મારી સાથે આવેલ મેડમની કૉફીમાં નાખવાની છે…. તો હું તને બચાવી લઈશ! આમ મારું કામ મફતમાં થયું! નિરાલી ખરા અર્થમાં મૃત્યુ પામી… ખરેખર તો તારા હાથે જ કહેવાય! તને ખ્યાલ હોય તો નિરાલીએ પેલાને કૉફી બનાવવા કહ્યું ત્યારે હું ખાંડ ઓછી નાખવાની… એ પ્રકારનું બોલી હતી. એ મારા તરફથી એને આ કામ કરવા માટેનું ફાઈનલ ગ્રીન સિગ્નલ હતું!’

‘પરંતુ….કેતકી તું પણ….’

‘એ જ કહું છું વિનાયક, મેં તો એવી રીતે ઢળી પડવાનું માત્ર નાટક જ કર્યું હતું! તને ભરમાવવા માટે… હવે રહી છેલ્લી વાત… કારને સીધી ચલાવતો રહેજે. બ્રેક મારી ઊભી રાખીશ તો પેટ્રોલ ટેન્ક સાથે જોડેલ ડિવાઈસ દ્વારા તરત ધડાકો થશે અને કાર અગન ગોળામાં ફેરવાઈ જશે..!’

‘અને ચલાવતો રહું તો?’

‘તો એમાં ૪૦ મિનિટનું ટાઈમર ગોઠવાયેલું છે એ પછી…!’

‘તું સાચું કહે છે કેતકી?’ એનાં રૃંવાડાં ખડા થઈ ગયાં.

‘વિનાયક તું પણ મારું મર્ડર સાચે સાચ નહોતો કરવાનો?!’ એ કડવું હસી.

કાર હવે હાઈવે પર દોડી રહી હતી…

———END———

You might also like