મુઠ્ઠી ઊંચેરા શાયર ‘જલન માતરી’

 

અહમ્ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

 

લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ?

 

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

 

આ ત્રણેય રચનાઓ જેમના નામે બોલે છે તેવા ખુમારી અને ખુદ્દારીભરી ગઝલોના સર્જકનું મૂળ નામ તો અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, પણ ગુજરાતી ગઝલની દુનિયા તેમને ‘જલન માતરી’ના નામે ઓળખે છે. હાલમાં જ ૮૩ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવીને આ આલાગ્રાન્ડ શાયર જન્નત નશીન થયા છે. એ સાથે જ ગુજરાતી ગઝલ આકાશનો મરીઝ, શૂન્ય અને ઘાયલનો સમકાલીન છેલ્લો સિતારો પણ ખરી પડ્યો. ગુજરાતી ગઝલવિશ્વને જે કેટલીક અમર રચનાઓમાં મળી તેમાં જલન સાહેબનો ફાળો કેટલો તેના પુરાવા આપવાની જરૃર નથી. કેમ કે, તેમની અનેક રચનાઓ સમયની સાથે કહેવત અને લોકોક્તિનું સ્વરૃપ લઈ લે એટલી સચોટ અને મર્મવેધી સાબિત થઈ છે.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૃર?
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે

તેમના મૃત્યુના થોડા મહિનાઓ અગાઉ જ્યારે ‘અભિયાન’એ તેમની મુલાકાત લીધેલી ત્યારે તેમણે શ્રદ્ધાનો હો વિષય… મામલે જબરો બળાપો ઠાલવેલો. તેમણે સ્પષ્ટતા કરેલી કે, પોતે ‘પયગંબર’ નહીં પણ ‘પયંબર’ શબ્દ વાપરેલો છે છતાં છાપાંવાળા સમજ્યા વિચાર્યા વિના ‘પયગંબર’ લખી નાખે છે. એટલે જ અહીં જલન સાહેબની એ ફરિયાદને બરાબર યાદ રાખીને કાળજીપૂર્વક સુધારી લીધી છે. મુખ્યધારાના પત્રકારત્વમાં એ તેમની છેલ્લી મુલાકાત ‘અભિયાન’ પાસે સંભારણાંરૃપે સચવાયેલી છે.

૧ સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ ખેડા જિલ્લાના માતર ગામે જન્મેલા શાયર મેટ્રિક સુધી ભણ્યા હતા. એ વખતના મોટા ભાગના શાયરોની જેમ તેમની અટકમાં રહેલો માતરી શબ્દ પણ તેમના વતનની સાક્ષી પૂરે છે. માતરના આ એક જ પરિવારે ગુજરાતને ત્રણ શાયરો આપ્યા છે. ફખ્ર માતરી, વજ્ર માતરી અને જલન માતરી. ત્રણેય ભાઈઓમાં જલન સાહેબ સૌથી નાના. તેઓ ભણ્યા ઓછું, પણ ઉર્દૂ અને ગુજરાતી ભાષા પરની પકડ જબરી હોઈ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા-કરતા જ મોટાભાઈ ફખ્ર માતરી પાસેથી ગઝલનો વારસો મેળવેલો. શાયર ફખ્ર માતરીના નામથી તો પાકિસ્તાનમાં એક રોડ પણ હોવાનું કહેવાય છે.

કેટલાક લોકોનું કહેવું છે કે, જલન માતરી તેમના ઉપનામ પ્રમાણે જ સ્વભાવે ઉગ્ર હતા, પણ તેમની સાથે થયેલી એક બે મુલાકાતમાં તેમણે સતત ત્રણ કલાક બેસીને મોજથી વાતો કરેલી. એ અનુભવે કહી શકું કે, તેમનું ઉપનામ ભલે જલન હતું, પણ સ્વભાવે તેવો ભારે પ્રેમાળ હતા. આ વાતની પૂર્તિ એના પરથી પણ કરી શકાય કે, હાસ્યલેખક વિનોદ ભટ્ટે તેમને સંયમને કિનારે બેઠેલા સંત કહ્યા હતા. તો ગુજરાતી ગઝલમાં તેઓ કેમ આટલું મહત્ત્વ ધરાવે છે તેનો જવાબ જનાબ બરકત વિરાણી ‘બેફામ’ના શબ્દો મળે છે. બેફામે કહેલું કે, ‘પ્રયોગોના અતિરેકથી જ્યારે ગુજરાતી ગઝલનો દમ ઘૂંટાવા લાગ્યો હતો ત્યારે ગઝલની પરંપરાની મર્યાદામાં રહીને પ્રયોગ કરી શકે એવા શાયરની જરૃરિયાત ઊભી થઈ અને એ જરૃરિયાતનો જવાબ જલન માતરી સાબિત થયા…’ અહીં મજાનો વિરોધાભાસ એ હતો કે, દિવસ દરમિયાન પાંચ વખત નમાઝ પઢતા જલન માતરીએ ખુદા સાથે તકરારની રચનાઓ વધુ લખી છે અને એ જ સૌથી વધુ વખણાઈ છે. જેટલા આદરથી તેઓ રોજા રાખતા એટલી જ બગાવતથી ખુદા સામે ગઝલોમાં પ્રશ્નો પણ ઉઠાવતા. આવું અનોખું સંયોજન અન્ય કોઈ શાયરમાં જોવા મળતું નથી. આવી જ એક, તેમના તખલ્લુસને અનુરૃપ એક ગઝલ તેમણે ‘અભિયાન’ને સ્વહસ્તાક્ષરમાં લખી આપેલી. હાલ ગઝલને નામે જોડકણાં રચતા કહેવાતા શાયરોની જે મંડળી ઊભી થઈ રહી છે ત્યારે જલન સાહેબે શા માટે ઉતાવળ કરી તેનો જવાબ પણ મળી આવતો લાગે છે.

નથી રહી આ જહાં જીવનને લાયક ઓ જલન તેથી
છે એમાં આપણી શોભા કે વેળાસર જતા રહીએ 

—————.

You might also like