કેવી છે IPL ની કાયાપલટ?

ઈન્ડિયન પ્રીમિયર લીગને દસ વર્ષ પૂરાં થયાં અને આ વર્ષે અગિયારમી સિઝન રમાવા જઈ રહી છે. ખેલાડીઓની હરાજી સાથે સિઝનના શ્રીગણેશ પણ થઈ ગયા. જોકે, આ વર્ષે આઇપીએલની નવી સાઇકલ એટલે કે આવનારાં દસ વર્ષ માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ક્રિકેટ પ્રેમીઓમાં આઇપીએલને લઈને ઉત્સાહ જળવાઈ રહે, સાથે જ બીબાંઢાળ મનોરંજનને સ્થાને કંઈક નવું પીરસાય તેવા આશયથી આઇપીએલ-૧૧માં કેટલાક રોચક ફેરફાર કરવામાં આવ્યા છે….

 

ભારતીય ક્રિકેટ જગતનો મહાકુંભ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલની અગિયારમી સિઝન શરૃ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ૭ એપ્રિલથી શરૃ કરીને ૨૭ મે સુધી રમાનારી આ ટૂર્નામેન્ટના શ્રીગણેશ થયા ખેલાડીઓની હરાજી સાથે. કોર્પોરેટ જગતમાં ઇન્ડિયન પૈસા લીગ જેવા નામથી ઓળખાતા આ ટી-૨૦ ફોર્મેટ ક્રિકેટની આ સિઝનની ઓક્શન સેરેમની એટલે કે ખેલાડીઓની હરાજી ખૂબ રસપ્રદ રહી. કુલ ૧,૧૨૨ ખેલાડીઓએ આઇપીએલ સિઝન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૧૬૯ ખેલાડીઓની હરાજી થઈ. આઠ ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આઇપીએલના ફોર્મેટમાં થનારા બદલાવની તજવીજ દસમી સિઝન દરમિયાન જ હાથ ધરી દેવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૮થી બીસીસીઆઇ દ્વારા આઇપીએલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે આઇપીએલનો એક દાયકો પૂરો થયો, એ સાથે જ આવનારા દસ વર્ષ માટેના ફેરફારોની તૈયારી હાથ ધરી દેવામાં આવી હતી. ટૂંકમાં દસમી સિઝન દરમિયાન જ અગિયારમી સિઝનના નવા અવતારની આતુરતા ઊભી કરવામાં આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે પ્રિ-પ્લાનિંગ હાથ ધરી દીધું હતું.

ભારતમાં રમતોની ઇમેજ બદલવામાં ઇન્ડિયન પ્રીમિયર લીગનો બહુ મોટો ફાળો રહ્યો છે. વિદેશોમાં તો ફૂટબોલ, ચેસ, બાસ્કેટ બોલ જેવી રમતોમાં પ્રીમિયર લીગ વર્ષોથી રમાતી આવી છે. જોકે, ભારતમાં આ પ્રકારનું ક્રિકેટ ફોર્મેટ લાવવાનો અને તેને હિટ બનાવવાનો શ્રેય ચોક્કસપણે લલિત મોદી જેવા ગેમિંગ કોર્પોરેટ પ્લેયરને ફાળે જાય છે. આઇપીએલની દસમી સિઝન ચાલતી હતી, ત્યારે જ બીસીસીઆઇ અગિયારી સિઝનથી આવનારાં દસ વર્ષની સાઇકલ માટેના જરૃરી બદલાવો લાવવાની તૈયારીમાં લાગી ગઈ હતી.

સ્વાભાવિક રીતે ભારતીય પ્રજા મનોરંજન પ્રિય તો છે જ સાથે જ પરિવર્તન પ્રિય પણ છે અને એટલે જ બીબાંઢાળ ફોર્મેટને આગળ ધપાવવાને બદલે બીસીસીઆઇએ તેમાં જરૃરી ફેરફારો કરવાની રૃપરેખા એક વર્ષ અગાઉથી જ નક્કી કરી લીધી હતી. આઇપીએલમાં કરવામાં આવેલા ફેરફારોની વાત કરીએ તો ખેલાડીઓની હરાજીથી લઈને, પ્રસારણ માટેના હક, ટીમની સંખ્યામાં વધારો વગેરે જેવા ફેરફારોની સંભાવના જોવાઈ રહી હતી. જોકે, જે પ્રમાણે શક્યતાઓ જોવાઈ રહી હતી, તે પ્રમાણેના જ ફેરફારો થયા છે, એવું પણ નથી. ફેરફારોને લગતી કેટલીક સંભાવનાઓ સાચી ઠરી છે, જ્યારે કેટલીક ખોટી.

દસ વર્ષ અગાઉ જ્યારે આઇપીએલની શરૃઆત થઈ ત્યારે ક્રિકેટના આ ફોર્મેટને સફળતા સાંપડશે કે કેમ તે અંગે ભારે અવઢવ હતી. કેટલીય આશંકાઓ હતી અને સાથે જ કુતૂહલ પણ હતું. જોકે, એ કહેવું ઉચિત રહેશે કે આ લીગ ટૂર્નામેન્ટે ભારતીય ખેલ જગતમાં એક નવી જ હલચલ ઊભી કરી અને અન્ય રમતો અને તેના બજારમાં પણ એક નવા જ પ્રાણ ફૂંક્યા. આજે વિશ્વકપ જેટલી જ ઉત્સુકતા આઇપીએલ ટૂર્નામેન્ટ માટે જોવા મળે છે. ભારતીય ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય ફલક પર ઓળખ અપાવવામાં અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાનો મોકો આપવાનો શ્રેય આઇપીએલને જાય છે. ઇનફેક્ટ, ભારતીય ક્રિકેટ જગતમાં આઇપીએલને ઇન્ડિયન પ્લેટફોર્મ લીગ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. ક્રિકેટરોને તેમનું કૌશલ્ય બતાવવાની તક તો આ લીગ ટૂર્નામેન્ટ પૂરી પાડી જ છે, સાથે જ અન્ય રમતોને પણ આ ફોર્મેટમાં દિશા ચીંધવામાં તેમજ માર્કેટિંગ અને કોર્પોરેટ કલ્ચરને રમતજગત સાથે જોડવામાં પણ આઇપીએલે મહત્ત્વની ભૂમિકા ભજવી છે એટલે સ્વાભાવિક રીતે ઇન્ડિયન પ્લેટફોર્મ લીગ કહેવામાં અતિશયોક્તિ નથી.

ટીમની સંખ્યામાં વધારો નથી કરાયો
ડબલ રાઉન્ડ રોબિન અને પ્લે ઓફ નોકઆઉટ ફોર્મેટ પર આધારિત આ લીગ ટૂર્નામેન્ટમાં ટીમની સંખ્યામાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી હતી. એટલે કે આઠ ટીમોને સ્થાને દસ કે બાર ટીમને રમાડાય તેવી આગાહી કરવામાં આવી હતી. ટીમની સંખ્યામાં વધારો થવાને કારણે કોઈને નુકસાન જાય એમ પણ નહોતું. આઇપીએલમાં જોડાવવા માટે ફ્રેન્ચાઇઝીઓ તૈયાર છે, બીજી તરફ બીસીસીઆઇને પણ નાણાકીય રીતે ફાયદો થાય એમ હતું સાથે જ વધારે ખેલાડીઓને રમવાની તક પણ મળે એમ હતી. જોકે, આ શક્યતા ઠગારી નીવડી, કારણ કે ટીમની સંખ્યામાં કોઈ વધારો નથી થયો. આ વર્ષે પણ આઠ ટીમો જ આઇપીએલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ટીમની સંખ્યા નહીં વધારવા પાછળ મેચના શિડ્યુલને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જો ટીમની સંખ્યા વધે તો મેચનું શિડ્યુલ પણ લંબાય અને તેની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પડે. તેથી ટીમની સંખ્યામાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પૂણે ટીમનો ઉમેરો થયો હતો. આ વર્ષથી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ પણ આઇપીએલ ટૂર્નામેન્ટમાં ફરી જોડાઈ છે. તેથી ટીમની સંખ્યા કદાચ દસ પર પહોંચે પણ અહીં પણ ટ્વિસ્ટ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સની અવેજીમાં ગુજરાત લાયન્સ અને પૂણે સુપરજાયન્ટ્સને ઉતારવામાં આવી હતી. હવે જ્યારે જૂની બે ટીમ પાછી ફરી છે ત્યારે ગુજરાત લાયન્સ અને પૂણે સુપરજાયન્ટ્સનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. એટલે કુલ આઠ ટીમો વચ્ચે જ આઇપીએલનો જંગ જામશે.

રિટેન્શન પોલિસી
આઇપીએલ-૧૧ની સૌથી રોચક અને ધ્યાનાકર્ષક વાત એ હતી કે આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર ફ્રેન્ચાઇઝીઓને રિટેન પ્લેયર્સ લિસ્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે ફ્રેન્ચાઇઝીએ જે ખેલાડીઓને પોતાની પાસે રાખવા હોય તેની યાદી તૈયાર કરીને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલને સોંપવાની હતી. આ યાદી ૪ જાન્યુઆરી સુધીમાં જમા કરાવી દેવાની વાત હતી. રિટેન્શન પોલિસી અંતર્ગત ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ ત્રણ ખેલાડીઓને પોતાની પાસે રોકી શકે એટલે તેમની હરાજી ન થાય અથવા રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ત્રણ ખેલાડીઓને ટીમમાં રોકી શકાય.

સેલરી કેપની મર્યાદામાં વધારો
આ વર્ષની હરાજીમાં શું નવું અને અલગ હતું એ જાણવાની ઉત્સુકતા સૌ કોઈને થાય. સૌથી પહેલો જે ફેરફાર કરવામાં આવ્યો છે એ સેલરી કેપમાં કરવામાં આવ્યો છે. ગત વર્ષ સુધી દરેક ટીમ ખેલાડીઓ પર વધુમાં વધુ ૬૬ કરોડ રૃપિયા ખર્ચી શકતી હતી, આ વર્ષે તેની મર્યાદા વધારીને ૮૦ કરોડ રૃપિયા કરવામાં આવી. આવતા વર્ષે સેલરી કેપની મર્યાદા ૮૨ કરોડ અને ત્યારબાદ ૮૫ કરોડ રૃપિયા રહેશે.

ટીમમાં ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો
 અત્યાર સુધી ટીમમાં કુલ ૨૭ ખેલાડીઓ લઇ શકાતા હતા. હવે આ સિઝનથી ટીમમાં ૨૫ ખેલાડીઓ જ સમાવી શકાશે. એટલે કે બે ખેલાડીઓ ઘટાડી દેવામાં આવ્યા છે. આઇપીએલની દસમી સિઝન સુધી ટીમમાં નવ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરી શકાતો તેમાં પણ કાપ મૂકવામાં આવ્યો અને હવે નવી ઇનિંગ્સથી વધુમાં વધુ આઠ વિદેશી ખેલાડીઓને જ ટીમમાં સમાવવાનો નિયમ લાવવામાં આવ્યો છે.

રાઈટ ટુ મેચ કાર્ડ
બીજો રસપ્રદ ફેરફાર છે રાઇટ ટુ મેચ કાર્ડનો. આ નિયમ અંતર્ગત ફેન્ચાઇઝી વધુમાં વધુ પાંચ ખેલાડીઓને પોતાની ટીમમાં રોકી શકે છે. હવે આ પાંચ ખેલાડીઓમાંથી વધુમાં વધુ ત્રણ ખેલાડીઓ ડાઇરેક્ટ રિટેન્શન એટલે કે પ્રત્યક્ષ રીતે રોકી દેવામાં આવે અથવા તો હરાજી દરમિયાન રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને પણ રોકી શકાય. જોકે, ટીમ માટે પણ રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક ટીમ વધુમાં વધુ ત્રણ વાર જ રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકશે. અગાઉ જે ખેલાડીઓની યાદી રિટેન્શન પોલિસી અંતર્ગત સબમિટ કરી દેવામાં આવી હોય એ ખેલાડીઓને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એટલે કે ફ્રેન્ચાઇઝી એ ખેલાડીઓ સિવાયના ખેલાડીઓ માટે રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે.  એટલે કે જો કોઈ ખેલાડી ગયા વર્ષ સુધી કોલકાતા નાઇટ રાઇડર માટે રમતો હોય અને અન્ય કોઈ ટીમ તેને સફળતાપૂર્વક ખરીદી લે પણ કોલકાતા નાઇટ રાઇડરને પણ એ જ ખેલાડી જોઈતો હોય તો કોલકાતા નાઇટ રાઇડર રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને એ ખેલાડીને અન્ય ટીમમાં જતો રોકી શકે.

રિટેન્શન પોલિસી અંતર્ગત જો ત્રણેય ખેલાડીઓ કેપ્ડ પ્લેયર્સ હોય એટલે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોય તો તેવા સંજોગોમાં ફ્રેન્ચાઇઝી રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ અન્ય કોઈ ભારતીય કેપ્ડ પ્લેયર માટે ન કરી શકે. ઉદાહરણ તરીકે ચેન્નઇ સુપર કિંગ્સે ત્રણ કેપ્ડ પ્લેયર – એમ.એસ. ધોની, રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાને ટીમમાં સમાવી લીધા હોય તો તે રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ રવિચંદ્રન અશ્વિન જેવા ભારતીય ટીમના ખેલાડી માટે ન કરી શકે. પછી તો ટીમે અનકેપ્ડ ખેલાડી એટલે કે અન્ડર ૧૯માં રમતા કે રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી વગેરેમાં રમતા ખેલાડીઓ માટે અથવા વિદેશી ખેલાડીઓ માટે જ રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે. જો ટીમે રવિચંદ્રન અશ્વિનને ખરીદવો હોય તો તેને હરાજીમાં ભાગ લેવો જ પડે અને સૌથી ઊંચી ફી ચૂકવીને ટીમમાં સામેલ કરવો પડે.

અનકેપ્ડ ખેલાડીઓ માટે અનોખી તક
આઇપીએલ ટૂર્નામેન્ટને કારણે ઘણા અનકેપ્ડ ખેલાડીઓને વિશ્વ ફલક પર ઓળખ સાંપડી છે. પોતાની પ્રતિભા દુનિયા સામે લાવવાનો મોકો મળ્યો છે. અન્ડર ૧૯ ટીમના ખેલાડી હોય, રણજી ટ્રોફી કે દુલિપ ટ્રોફી જેવી નેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા હોય તેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને કોચ સાથે રમવાનો-શીખવાનો મોકો મળતો થયો. એક સમય હતો, જ્યારે ભારતીય ખેલાડીઓ વિદેશની ધરતી પર ક્રિકેટ રમવા જતાં અથવા વિદેશી ક્રિકેટરો સાથે રમતા ત્યારે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ જણાતો. ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની જાતને પહેેલેથી જ હારેલા માની લેતા. જોકે, ૧૯૮૩ બાદ સમય બદલાવવા લાગ્યો અને હવે નવા ખેલાડીઓ જેઓ આઇપીએલના મંચ પર ઝળકી રહ્યા છે તેમનામાં ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો જોઈ શકાય છે. એક રીતે એમ કહી શકાય કે આઇપીએલ આવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાનું કૌવત બતાવવા માટેનો બેઝ પૂરો પાડે છે. હવે ચિત્ર એવું બદલાયું છે કે ભારતમાં રમાનારી જુદી-જુદી રમતોની લીગ ટૂર્નામેન્ટનો સમાવેશ વિશ્વની શ્રેષ્ઠ લીગ ટૂર્નામેન્ટમાં સ્થાન પામતી થઈ ગઈ છે. દેશ-વિદેશના ખેલાડીઓ ટૂર્નામેન્ટનો ભાગ બનવા માટે તલપાપડ થવા લાગ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે ધન વર્ષા. એક સમય હતો, જ્યારે આપણો ક્રિકેટર કાઉન્ડી ક્રિકેટ રમવા ઇંગ્લેન્ડ જાય તો તેનું સ્ટેટસ વધી જતું. તેને સારી એવી ફી પણ મળતી. હવે કાળચક્ર ઊંધું ફર્યું છે. ખેલાડીઓ ભારતની લીગ ટૂર્નામેન્ટમાં રમવામાં વધુ રસ બતાવે છે, કારણ કે તેઓ આખા વર્ષમાં કાઉન્ટી ક્રિકેટ રમીને જેટલી કમાણી ન કરી શકે એટલી કમાણી તેઓ આઇપીએલની એક સિઝનમાં રમીને કરી લેતા હોય છે. હવે ભાગ્યે જ એવો કોઈ ભારતીય ક્રિકેટર હશે, જે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવામાં રસ બતાવે. આમ જોવા જઈએ તો આઇપીએલએ એક રીતે આપણને ક્રિકેટની દુનિયામાં ગર્વ લેતા પણ કર્યા છે.

લલિત મોદીએ ઇંગ્લેન્ડની વિશ્વ પ્રસિદ્ધ ઇંગ્લિશ પ્રીમિયર લીગનો આધાર લઈને ઇન્ડિયન પ્રીમિયર લીગની રૃપરેખા તૈયાર કરી હતી. મોદીને એ સમયે અંદાજો આવી ગયો હતો કે આવનારા દિવસોમાં હવે ક્રિકેટ એ માત્ર રમત નહીં રહે પણ મનોરંજન અને કમાણીનું બહુ મોટું માધ્યમ બની જશે. આઇપીએલએ માત્ર ખેલાડીઓના ખિસ્સા જ નથી ભર્યા પણ બીસીસીઆઇને પણ માલામાલ કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના પ્રસારણ અધિકારોમાં  ૨૦૦૮ સુધીમાં બીસીસીઆઇએ જેટલાં નાણાં નહીં રળ્યા હોય એનાથી બેવડી કમાણી બીસીસીઆઇને આઇપીએલ થકી થઈ છે.

પ્રસારણના અધિકારમાં પણ પરિવર્તન
વર્ષ ૨૦૦૮માં જ્યારે આઇપીએલ ટૂર્નામેન્ટ શરૃ થઈ ત્યારથી લઈને વર્ષ ૨૦૧૭ એટલે કે ગયા વર્ષ સુધી પ્રસારણના હકો સોની ટીવી પાસે હતા. સોની ટીવીએ આઇપીએલ ટૂર્નામેન્ટનાં દસ વર્ષ માટેના પ્રસારણ હક માટે બીસીસીઆઇને રૃપિયા ૮,૨૦૦ કરોડ ચૂકવ્યા હતા. હવે આ વર્ષથી પ્રસારણ હક સોની ટીવીને નહીં, પરંતુ સ્ટાર ઇન્ડિયાને આપવામાં આવ્યા છે. આઇપીએલની આવનારી પાંચ સિઝન સુધીના પ્રસારણ હક સ્ટાર ઇન્ડિયા પાસે રહેશે અને આ માટે સ્ટાર ઇન્ડિયાએ બીસીસીઆઇને રૃપિયા ૧૬,૩૪૭ કરોડ ચૂકવ્યા. આઇપીએલની દરેક મેચ માટે સ્ટાર ઇન્ડિયાએ બીસીસીઆઇને ૫૫ કરોડ રૃપિયા આપ્યા. એટલે કે એક વર્ષમાં સ્ટાર ઇન્ડિયા બીસીસીઆઇને ૩,૨૭૦ કરોડ રૃપિયા આપશે. ટૂંકમાં અત્યાર સુધી સોની ટીવી થકી બીસીસીઆઇને જે કમાણી થઈ તેના કરતાં બેવડી કમાણી સ્ટાર ઇન્ડિયાને પ્રસારણના હક આપીને કરી. કહેવાય છે કે આ મીડિયા ડીલ અત્યાર સુધીની સૌથી મોટી મીડિયા ડીલ છે. અત્યાર સુધીમાં સૌથી મોંઘા મીડિયા રાઇટ્સ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ વર્ષ ૨૦૨૦-૨૪ માટેના બ્રોડકાસ્ટ, ડિજિટલ અને ઓડિયો રાઇટ્સ ૨૮૭ મિલિયન અમેરિકન ડૉલરમાં વેચ્યા છે અને તેના કરતાં પણ વધુ નાણાં એટલે કે ૫૦૮ મિલિયન અમેરિકન ડૉલર સ્ટાર ઇન્ડિયાએ બીસીસીઆઇને આપ્યા છે. બીસીસીઆઇએ છેલ્લાં દસ વર્ષમાં આઇપીએલના મીડિયા રાઇટ્સ થકી રૃ.૬૭૦૦ કરોડ કમાયા છે અને હવે આવનારાં પાંચ વર્ષમાં આ આંકડો બમણો થવાની શક્યતા છે.

ફ્રેન્ચાઇઝીઓના ગ્રાફની મુલવણી
જ્યારે આઇપીએલ લોન્ચ કરવાનો આઇડિયા લઈને લલિત મોદી માર્કેટમાં ઊતર્યા ત્યારે સૌ કોઈને આ પ્રકારનું ફોર્મેટ સફળ અને લોકપ્રિય રહેશે કે નહીં તેની મૂંઝવણ હતી. સૌથી મોટી મૂંઝવણ હતી ફ્રેન્ચાઇઝીઓને લઈને. જો ફ્રેન્ચાઇઝી આઇપીએલમાં રસ દાખવે અને ક્રિકેટરોની હરાજીમાં ભાગ લે તો એક ટીમ તૈયાર થાય અને તો જ આઇપીએલના ઇમેજિનેટિવ ફોર્મેટને વાસ્તવિકતાનું રૃપ મળે. સૌ કોઈ અવઢવમાં હતા, ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે મોટા મોટા કોર્પોરેટ હાઉસે આઇપીએલ લીગમાં રસ બતાવવાની શરૃઆત કરી. રોકાણ કરવાની, ટીમ તૈયાર કરવાની તૈયારી બતાવી અને આખરે આઇપીએલ ફોર્મેટ પેપરમાંથી ગ્રાઉન્ડ પર ઊતર્યું. આઇપીએલની શરૃઆતમાં સૌ કોઈને ડર હતો કે ફ્રેન્ચાઇઝીઓએ જે રોકાણ કર્યું છે કે રૃપિયા વાપર્યા છે તે ટૂર્નામેન્ટ થકી કમાણી કરી શકશે ખરી. જોકે, રસપ્રદ વાત એ રહી કે આઇપીએલમાં જે ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમના માર્કેટિંગ પર ભાર મૂક્યો- ટીમ પર પ્રોજેક્ટની જેમ ધ્યાન આપ્યું એ દરેક ફ્રેન્ચાઇઝીનો આઇપીએલમાં ગ્રાફ ઊંચાઈ પર રહ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ હોય કે પછી મુંબઈ ઇન્ડિયન્સ કે પછી રાજસ્થાન રોયલ્સ, પોતાની ટીમને માર્કેટિંગ પ્રોજેક્ટની જેમ ધ્યાન આપીને ફ્રેન્ચાઇઝીઓએ કમાણી કરવામાં પાછી પાની નથી કરી. બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબ જેવી પણ કેટલીક ફ્રેન્ચાઇઝીઓ છે જેણે ખોટના દિવસો જોવાના આવ્યા છે. જોકે, આઇપીએલમાં આવેલા પરિવર્તન ક્યાંક ને ક્યાંક ફ્રેન્ચાઇઝીને પણ મદદરૃપ થશે એવું માનવામાં આવી રહ્યું છે.

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ એટલે કે સીઓએએ આઇપીએલની બીજી સાઇકલ એટલે કે વર્ષ ૨૦૧૮-૨૦૨૭ સુધીના ચરણમાં નવા ફેરફારો લાગુ કરવાનું કામ હાથમાં લીધું હતું. જેમાં કમિટીએ ખેલાડીઓની હરાજી, પ્રસારણ અધિકાર, રિટેન્શન પોલિસી, રાઇટ ટુ મેચ કાર્ડ, મેચ ટાઇમિંગમાં ફેરફાર વગેરે જેવા બદલાવ કર્યા. ભવિષ્યમાં ક્રિકેટના આયોજન માટે નવાં કેન્દ્રોનો સમાવેશ કરવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આવનારાં વર્ષોમાં કદાચ કાનપુર, નોએડા જેવાં શહેરોનાં સ્ટેડિયમોનો ઉપયોગ કરવાની વિચારણા સીઓએ કરી રહી છે. ખેર, નવા ફેરફારો દર્શકોને કેટલા અંશે સ્પર્શે છે તે જોવું રહ્યું, કારણ કે આ ફેરફાર આઇપીએલની ફ્રેન્ચાઇઝી, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ સાથે જ જોડાયેલા હતા.

————

ખેલાડીઓનો મહાકુંભ – આઇપીએલ
આઇપીએલ-૧૧ માટે ૧૧૨૨ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૫૭૮ ક્રિકેટરો આઇપીએલની હરાજીમાં યોગ્ય ઠર્યા હતા. ૩૬૦ ભારતીય અને ૧૮૨ વિદેશી ખેલાડીઓ, ૩૪ અનકેપ્ડ અને ૨ એસોસિએટ ખેલાડીઓનો સમાવેશ થતો હતો. આ ૫૭૮માંથી ૧૮૨ ખેલાડીઓની પસંદગી કરવાની હતી. જેમાં ૧૧૩ ભારતીય ખેલાડીઓ, ૫૬ વિદેશી ખેલાડીઓ, ૯૧ કેપ્ડ, ૭૭ અનકેપ્ડ અને એક એસોસિએટ ખેલાડીનો સમાવેશ થાય છે. ૧૯ વાર રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો.

————

નેપાલી ક્રિકેટરનું આઇપીએલ લેન્ડિંગ
પહેલીવાર નેપાળના સત્તર વર્ષીય ક્રિકેટર સંદીપ લામીચાએ  આઇપીએલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને સંદીપનું નસીબ અને મહેનત બંને કામ કરી ગયાં. સંદીપની બેઝ પ્રાઈઝ વીસ લાખ નક્કી કરવામાં આવી હતી અને આ જ બેઝ પ્રાઈઝ પર દિલ્હી ડેરડેવિલ્સે સંદીપને ખરીદ્યો. વર્ષ ૨૦૧૬માં અન્ડર -૧૯ વર્લ્ડ કપમાં સંદીપે ખૂબ સરસ પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝમાં તે સૌથી વધુ વિકેટ ઝડપનારો બીજા નંબરનો ખેલાડી બન્યા હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કેપ્ટન માઇકલ ક્લાર્કે સંદીપના ટેલેન્ટને પારખ્યું હતું.

————

ઇન્ડિયન અન્ડર-૧૯ના સ્ટાર્સ ઝળક્યા
છેેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ લાઈમલાઈટમાં રહ્યા છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે પૃથ્વી શૉ. છેલ્લી કેટલીક મેચમાં અન્ડર-૧૯ ટીમના કપ્તાન પૃથ્વી શૉએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તેનો રિવોર્ડ તેને આઇપીએલની હરાજીમાં મળ્યો. પૃથ્વીની બેઝ પ્રાઈઝ વીસ લાખ નક્કી કરવામાં આવી હતી, જ્યારે દિલ્હી ડેરડેવિલ્સે તેને ૧.૨ કરોડ રૃપિયામાં ખરીદ્યો. કોલકાતા નાઇટ રાઇડર્સે કમલેશ નગરકોટીને ૩.૨ કરોડ રૃપિયામાંં ખરીદ્યો. શિવમ માવીને પણ ૩ કરોડ રૃપિયામાં ખરીદ્યો.

———–.

આઈપીએલમાં સાત ગુજરાતી ખેલાડીઓ
આઈપીએલની અગિયારમી સિઝનની હરાજી થઈ તેમાં ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર એ આવ્યા કે મૂળ પોરબંદરનો ખેલાડી જયદેવ ઉનડકટને ભારતીય ખેલાડીઓમાં સોૈથી ઊંચી બોલી રૃ.૧૧.પ૦ કરોડ સાથે રાજસ્થાન રોયલ્સની ટીમમાં સમાવેશ કરાયો છે. કુલ ૧૬૯ ખેલાડીઓની આઠ ટીમો વચ્ચે હરાજી થઈ હતી. આઈપીએલ ૧૧મી સિઝનમાં જયદેવ સહિત કુલ સાત ખેલાડીઓ રમશે તેમાં બે સગા ભાઈઓ હાર્દિક પંડયા અને કૃણાલ પંડયા મુંબઈ ઈન્ડિયનની ટીમમાંથી રમશે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા (ચેન્નઈ સુપર કિંગ્સ), અક્ષર પટેલ (કિંગ્સ ઈલેવન પંજાબ), પાર્થિવ પટેલ (રોયલ ચેલેન્જર બેંગ્લોર) અને યુસુફ પઠાણ (સન રાઈઝ હૈદરાબાદ)નો સમાવેશ થાય છે. ગુજરાતના જાણીતા ખેલાડી ચેતેશ્વર પુજારા અને ઈરફાન પઠાણને આઈપીએલ ૧૧મી સિઝનમાં કોઈ ખરીદાર મળ્યા ન હતા. અગાઉ આ બંને ગુજરાતી ખેલાડીઓ આઈપીએલ રમી ચૂકયા છે. આઈપીએલ ૧૧મી સિઝનમાં ગુજરાતી ક્રિક્રેટ રસિકો માટે એક નિરાશા એ છે કે છેલ્લાં બે વર્ષથી ગુજરાતના નામથી એક ટીમ આ ટૂર્નામેન્ટમાં સામેલ હતી. આ ટીમને લઈને ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. ગુજરાત લાયન્સ ટીમ અને પૂણેની ટીમના સ્થાને હવે ફરી રાજસ્થાન રોયલ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ટૂર્નામેન્ટમાં સમાવેશ થયો છે.

————.

You might also like