ટણકટોળીનો ફિયાસ્કો

અંબાલાલનો દીકરો દામોદર ટણકટોળીનો પ્રમુખ છે. આ ટણકટોળી એટલે તોફાનીઓની ટોળી. સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’માંથી ‘પદ્માવત’ થયેલી ફિલ્મનો વિરોધ થયો એટલે આ ટોળકીને તોફાન કરવાનું બહાનું મળી ગયું. ટણકટોળીમાં એક પણ છોકરો ક્ષત્રિય નથી. રતનસિંહ, પદ્માવતી કે અલ્લાઉદ્દીન ખીલજી કોણ હતા એ ટોળકીમાં કોઈને ખબર નથી. ત્યાં સુધી કે ૧પમી ઑગસ્ટ અને ર૬મી જાન્યુઆરીમાં શું ફરક છે તેની પણ ટોળકીમાં કોઈને ખબર નથી. છતાં રપમી જાન્યુઆરી ગુરુવારે ભારત બંધનું એલાન હતું ત્યારે અમારા ગામમાં તોફાન કરવામાં આ ટણકટોળી સૌથી વધુ સક્રિય હતી. આ ટોળકી પાટીદારોના આંદોલન વખતે પણ પાટીદારોથી વધુ આક્રમક થઈને દેખાવો કરતી હતી. દલિતોનો પ્રશ્ન હોય કે બીજી કોઈ પણ જ્ઞાતિનું આંદોલન હોય, આ ટણકટોળી તૂટી પડે છે, કારણ આ ટોળકીનું ગોત્ર ‘તોફાન’ છે.

ર૪મી જાન્યુઆરીની સાંજે દામોદરે ટોળકીના અન્ય સભ્યોને એકત્રિત કર્યા. દરેક સભ્ય પોતાના સ્કૂટરમાં પથ્થર સાથે રાખીને આવે એવી સૂચના આપી. દુકાનદારોને ડરાવવા માટે લાકડી અને તલવાર જેવા હથિયાર પણ સાથે રાખવાનો નિર્ણય થયો. દામોદર ભણવામાં ‘ઢ’ હતો એટલે સૌ પ્રથમ પોતાની સ્કૂલ બંધ રખાવવી. ત્યાર બાદ શહેરની બીજી શાળાઓ બંધ કરાવવી એવો ઠરાવ થયો.

દામોદરને ભણવું ગમતું નથી. એણે એકવાર મને પૂછ્યું હતું કે, ર૬મી જાન્યુઆરી અને ૧પમી ઑગસ્ટ બંને બાજુ-બાજુ આવે તો કેવું સારું? આ સાંભળીને મેં આશ્ચર્ય સાથે કહ્યું કે, એ બે રાષ્ટ્રીય તહેવાર વચ્ચે સાત મહિના જેટલું અંતર છે. તારે એ બંને તહેવારને સાથે લાવીને શું કરવું છે? ત્યારે એ બોલ્યો કે બે રજા સાથે આવે એટલે કહું છું.

આટલી હદે શિક્ષણપ્રેમી દામોદાર એક દિવસ રડતો હતો. મેં રડવાનું કારણ પૂછ્યું તો કહે કે, ફલાણા નેતા ગુજરી ગયા એટલે રડું છું. મેં ફરી આશ્ચર્યસહિત પૂછયું કે એ મુરબ્બી તારા સગા થતા હતા? ત્યારે એ રડતાં રડતાં નાક સાફ કરીને બોલ્યો કે, ના, અમારી ૭ર પેઢીમાં કોઈ નેતા કે નેતાના સગા થયા નથી. મોટા નેતાજી મરી ગયા એટલે આવતા વરસે ભણવામાં એક પાઠ વધારે આવશે એટલે હું રડું છું.

આ દામોદર તોફાનીઓની ટોળીનો સરદાર છે. તેણે ર૪મી જાન્યુઆરીની રાત્રે ટણકટોળી એકઠી કરીને બીજા દિવસે તોફાન કરવાનો માસ્ટર પ્લાન ઘડી નાખ્યો. દામોદરનો અઠંગ તોફાની મિત્ર પિન્ટુ પેટ્રોલ પણ લઈ આવ્યો. જેથી જરૃર પડે તો સ્કૂટર સળગાવવા સુધી જતાં રહેવું એવી ટણકટોળીની મેલી મંછા હતી.

* * *

રપમી જાન્યુઆરી, ગુરુવાર
દામોદર, પિન્ટુ અને ટણકટોળીના બીજા સભ્યો સવારે આઠ વાગ્યાથી શાળા તથા દુકાનો બંધ કરાવવા નીકળી પડ્યા. સૌ પ્રથમ તોફાની ટોળકી દામોદરની સ્કૂલ તરફ રવાના થઈ. પથુભા પાનવાળા પોતાની દુકાન ખોલીને અગરબત્તી કરતા હતા.

માણસમાં અને અગરબત્તીમાં એટલો જ તફાવત છે કે અગરબત્તી પોતે સળગે અને બીજાને સુવાસ આપે છે જ્યારે માણસ બીજાની સુવાસ જોઈને પોતે સળગે છે. પથુભાએ પાનની દુકાન કરી એ પહેલાં અગરબત્તી બનાવતા હતા. પથુભાની પહેલવાન છાપ અગરબત્તી અમારા પંથકમાં ખૂબ જ પ્રખ્યાત હતી. એમની અગરબત્તીની લોહચાહનાના વળતાં પાણી થયા તેનું કારણ ખૂબ રસપ્રદ છે. એમાં નિમિત્ત મુદ્રણરાક્ષસ થયો છે. પથુભાએ

એકસાથે એક લાખ બોક્સ છપાવવા માટે આપ્યાં હતાં. અમદાવાદથી બોક્સ છપાઈને સુરેન્દ્રનગર આવી ગયાં. એક લાખમાંથી સાઠ હજાર બોક્સ વેચાઈ ગયાં પછી કોઈનું ધ્યાન ગયું તો ‘પહેલવાન છાપ અગરબત્તી’ની જગ્યાએ ભૂલથી ‘અગરબત્તી છાપ પહેલવાન’ છપાઈ ગયું હતું. ત્યારથી પથુભાની અગરબત્તીના વેચાણમાં ઓટ આવી અને ધીમે-ધીમે ધંધો સાવ બંધ થઈ ગયો.

દામોદર અને પિન્ટુની ટણકટોળી પથુભાની દુકાન સામે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગી. પથુભાએ હાથમાં અગરબત્તી પકડી હતી અને આંખો બંધ હતી અને મુખમાં ભગવાનનું નામ હતું. ટણકટોળીનો દેકારો વધતાં પથુભા ધ્યાનભંગ થયા. તેમણે બંને આંખો સાથે જ ખોલી. અંબાલાલના છોકરાને બીજા ટપોરી જેવા છોકરાઓ સાથે મળીને સૂત્રોચ્ચાર કરતા જોયો. બાપુએ અગરબત્તી સ્ટેન્ડમાં ભરાવી દીધી. પોતાના હાથમાં અગરબત્તીની જગ્યાએ હોકી લીધી. મોઢામાં ભગવાનનું નામ હતું તેની જગ્યાએ અહીં ન લખી શકાય એવી ગાળ આવી ગઈ. પથુભા ઠેકડો મારીને દુકાનમાંથી બહાર આવ્યા. ત્યાં તો ટણકટોળી ઊભી પૂંછડીએ નાઠી. તમામ ટપોરીના પગની પિંડીઓ પોતપોતાના થાપા સાથે અથડાય એ રીતે ભાગ્યા. આગળ ટપોરીનું ટોળું અને પાછળ પથુભા. આ રેસ દોઢ કિલોમીટર સુધી દોડી.

એક છોકરો ગટરમાં પડ્યો. એક ભૂંડ સાથે ભટકાઈને નીચે પડ્યો. અમુક દિશા ભૂલી ગયા. દામોદરનું પાટલૂન ફાટી ગયું. પિન્ટુનો પેશાબ છૂટી ગયો. પથુભાએ ગટરમાં પડેલા ગિરીશને ગટરમાંથી બહાર કાઢીને ગાળ સાથે ગડદા માર્યા. જે ભૂંડ સાથે અથડાઈને પડ્યો એનો કોલર પકડીને ઢસડ્યો. ટણકટોળકી માટે રપમી તારીખે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. પથુભા દામોદરને ઓળખતા હોવાથી સીધા અંબાલાલને ઘેર આવ્યા. ઓસરીમાં જ અંબાલાલના બાપા ભીખાલાલ હીંચકા પર બેસીને છાપું વાંચતા હતા. ત્યાં આવીને પથુભાએ પડકારો કર્યો ઃ

‘અંબાલાલ ક્યાં છે?’

‘મઝામાં છું.’ બહેરા બાપાએ જવાબ આપ્યો.

‘અંબાલાલ ક્યાં છે?’ પથુભાએ ફરી પૂછ્યું.

‘મારી તબિયત ઓલરાઈટ છે.’ બાપાએ ફરી બાફ્યું.

પથુભાને યાદ આવ્યું કે ભીખાલાલ તો સાવ બહેરા છે. એમણે ઘરમાં જઈને સાદ પાડ્યો. અંબાલાલ… એ અંબાલાલ… થોડીવાર થઈ ત્યાં મોંઘીભાભી બહાર આવ્યાં. પથુભાએ ફરી એ જ સવાલ કર્યો ઃ અંબાલાલ ક્યાં છે? ‘તમારા ભાઈ મેથી લેવા ગયા છે, શિયાળો છે તો બાપુજી માટે મેથીપાક બનાવવો છે.’ મોંઘીભાભીએ કહ્યું.

‘બાપુજીને મેથીપાકની જરૃર નથી. મેથીપાકની જરૃર તો તમારા દામોદરને છે.’ બાપુએ બળાપો કાઢયો.

‘બાપુ, કેમ એવું બોલ્યા?’ મોંઘીભાભીને ફાળ પડી.

‘દામોદર ક્યાં ગયો છે?’

‘નિશાળે ગયો છે.’

‘ના, એ કપાતર નિશાળે નથી ગયો, પરંતુ દસ-પંદર ઉઘાડા પગની માનતાવાળા અને પૂંછડા વગરના વાંદરાઓને લઈને બજાર બંધ કરાવવા ગયો છે.’ પથુભાએ હકીકત રજૂ કરી.

‘હાય… રામ… ધીમે બોલો… બાપુજી સાંભળશે તો તમારા ભાઈનો વારો ચડી જશે.’ મોંઘીભાભીએ ચિંતા વ્યક્ત કરી.

‘બાપુજી ક્યાં કશું સાંભળે છે. એમને તો એમ જ છે કે ભગવાને કાન ચશ્માંની દાંડલી ટીંગાડવા માટે જ આપ્યા છે. આજે સવારના પહોરમાં દુકાન ખોલીને અગરબત્તી કરતો હતો ત્યાં તમારો દામોદર અને પ્રકાશ ચાવાળાનો પિન્ટુ દસ-પંદર છોકરાની ટણકટોળી લઈને આવ્યા. મારા દીકરા મારી દુકાન બંધ કરાવવા આવ્યા હતા. મેં કહ્યું કે આ પથુભાનો પાનનો ગલ્લો છે, કોઈ કો-ઓપરેટિવ બેંક નથી કે ગમે ત્યારે બંધ થઈ જાય.’

‘આવ્યા છો તો ચા પીતા જાવ.’

‘ના બહેન, દુકાન રેઢી છે અને હજુ પ્રાર્થના અધૂરી છે. આ તો તોફાનીને જોયા એટલે શ્લોક બંધ કરીને ગાળું દેવી પડી, લ્યો ત્યારે જે માતાજી…’ પથુભા રવાના થયા.

‘તબિયત સાચવજો બાપા…’ પથુભાએ કહ્યું.

‘અમારે દર ત્રીજા દિવસે નળ આવે છે.’ બાપાએ જવાબ દીધો.

* * *

સવારમાં વેરવિખેર થઈ ગયેલી ટણકટોળીને ફરી એકત્ર કરવામાં એક વાગી ગયો. બપોરે જમીને ફરી ટોળકી ઊભી થઈ. આ વખતે અઢારની જગ્યાએ બાર સભ્યો જ બચ્યા હતા, કારણ જે છ સભ્યો ગટર, ભૂંડ અને પથુભાની ઝપટમાં આવ્યા એમણે રાજીનામાં ધરી દીધા હતા. દામોદારની ઇચ્છા પોતાની શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રખાવવાની હતી. છ સ્કૂટર ઉપર કુલ બાર ટપોરી રવાના થયા. એમની પાસે પથ્થર, પેટ્રોલ, લાકડી અને બેનર્સ હતાં.

મેં ખાસ જોયું કે ટોળાં પાસે બેનર્સ હોય છે, પરંતુ મેનર્સ હોતી નથી. બેનરમાં ‘ગોલી લાઠી ઝેલેંગે’ જેવાં સૂત્રો હતાં. પશ્ચિમના કોઈ ચિંતકે કહ્યું છે કે, માણસમાં બુદ્ધિ છે એ આપની વાતને હું સ્વીકારું છું, પરંતુ માણસ જ્યારે ટોળામાં હોય છે ત્યારે એનામાં બુદ્ધિ હોતી નથી એ મારી વાતને આપ સ્વીકારો.

ટણકટોળી દામોદરની શાળાના પ્રવેશદ્વાર પાસે પહોંચી. ત્યાં પડેલા સ્કૂટર ઉપર પિન્ટુએ પેટ્રોલ છાંટ્યું. એ દીવાસળી ચાંપવા જતો હતો અને દામોદર પોતાની અંગત ખીઝ ઉતારવા માટે પ્રિન્સિપાલની કાચની ઑફિસને પથ્થર મારવા જતો હતો ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાસાહેબે ત્રાડ નાખી. પોલીસ પાસે માહિતી હતી કે ટણકટોળકી શાળાઓ બંધ કરાવવા આવશે. જાડેજાસાહેબની ત્રાડ પથુભાની ત્રાડ કરતાં વધુ આક્રમક હતી. પિન્ટુ હાથમાં દીવાસળી પકડીને ભાગ્યો. દામોદર પોતાના હાથમાં પથ્થર સાથે નાઠો. ટણકટોળકીના બીજા દસ સભ્યો અલગ-અલગ દિશામાં નાઠા. કોઈ રિક્ષા સાથે અથડાયું તો કોઈ થાંભલા સાથે અથડાયું. પિન્ટુએ એક દિવસમાં બીજીવાર પેન્ટ ભીનું કર્યું. દામોદર એવો નાઠો કે પોતાના ઘર સુધી પાછું ફરીને જોવા ઊભો ન રહ્યો.

શાળાના આચાર્ય જાડેજાસાહેબ પાસે આવીને એટલું બોલ્યા કે ક્ષત્રિયનું કામ તોફાન કરવાનું નથી, પરંતુ તોફાનીઓથી સમાજનું રક્ષણ કરવાનું છે જે તમે યથાયોગ્ય કર્યું છે.

જાડેજાસાહેબ આચાર્યને બે હાથ જોડીને બોલ્યા ઃ આપ ભૂદેવ છો. ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, સરહદ અને સમાજની સુરક્ષા માટે જ અમારો જન્મ થયો છે.

————-.

You might also like