પદ્માવત ફિલ્મનો વિરોધ હિંસક ન બનેઃ કોઈ પક્ષે જીદની જીત ન થવી જોઈએ!

વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ને સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપ્યા બાદ તેને રિલીઝ કરવાનો માર્ગ મોકળો થયો તેમ માનવામાં આવતંુ હતું. આ ફિલ્મ સામેનો વિરોધ તેજ થવાની સાથે હિંસક બની રહ્યો છે જે સમાજજીવનનો ચિંતાનો વિષય છે. વિરોધ વ્યક્ત કરવાનો દરેકને અધિકાર છે, પણ જાહેર મિલકતને નુકસાન ન થાય એ પણ એટલું જ જરૃરી છે…….

 

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ શૂટિંગના સમયથી ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે અને રાણી પદ્માવતીની રાજપૂત સમાજમાં જે માનમર્યાદા અને ગૌરવ સાથેની છબિ છે તેનાથી વિપરીત રીતે રજૂઆત કરવામાં આવી હોવાના મુદ્દાને લઈને કરણી સેનાએ વિરોધ કર્યો છે, જ્યારે અન્યાય થાય કે લાગણીઓને ઠેસ પહોંચે ત્યારે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે તેમાં બેમત હોઈ શકે નહીં, પણ આ વિરોધ અહિંસક હોય તો તે સમાજ જીવનના હિતમાં છે. અહિંસક આંદોલનની પણ એક જબરદસ્ત તાકાત હોય છે. ક્ષમા એ તો વીરોનું આભૂષણ રહ્યું છે. પદ્માવત  ફિલ્મને લઈને દેશભરમાં જુદા-જુદા સમાજના આગેવાનોનાં નિવેદનો સતત આવી રહ્યાં છે. સરકાર પક્ષેથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે, પણ હવે સમય આવી ગયો છે આ વિવાદનો કોઈ હલ શોધવાનો. સુપ્રીમના ચુકાદા બાદ હવે દરેક પક્ષે સંયમ જળવાય અને જીદની જીત નહીં, પણ શાલીનતાની જીત થાય તેવું ઇચ્છનારો એક મોટો વર્ગ છે.

આ ફિલ્મ સામે રાજસ્થાનથી શરૃ થયેલી વિરોધની આગ ભારતનાં અનેક રાજ્યો સુધી પહોંચી છે. ગુજરાત સહિત ચાર રાજ્યોએ તો આ ફિલ્મ રિલીઝ કરવા સામે પ્રતિબંધ મૂકતો નિર્ણય કર્યો હતો. આખરે મામલો સુપ્રીમ સુધી પહોંચતા સુપ્રીમ કોર્ટે ફિલ્મને દેશભરમાં રિલીઝ કરવાની લીલીઝંડી તો આપી દીધી, પણ કરણી સેના અને રાજપૂત સમાજનો રોષ ઠંડો પડવાને બદલે વધારે ભડકી રહ્યો છે. આ ફિલ્મનું નામ બદલાવીને પદ્માવત કરવામાં આવ્યંુ છતાં તેનો વિરોધ યથાવત્ રહ્યો છે. આ વિવાદિત ફિલ્મને તા. રપમીએ રિલીઝ કરવાનો નિર્ણય કરાયો છે, પણ કેટલાં રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થશે કે કેમ? તે એક મોટો સવાલ છે. તંત્ર ફિલ્મને રિલીઝ કરવા માગતા સિનેમા સંચાલકોને સુરક્ષાની ખાતરી આપી રહ્યું છે, પણ માહોલ એવો ઊભો થયો છે કે મોટા ભાગના  સિનેમાના  સંચાલકો જોખમ લેવા માગતા નથી. વર્તમાન સ્થિતિમાં ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન રાજ્યમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય જાહેર કરી ચૂક્યું છે. પદ્માવત ફિલ્મનો વિરોધ ગુજરાતમાં હિંસક વળાંક લઈ રહ્યો છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચિંતાનો વિષય છે. ગુજરાતના અનેક વિસ્તારમાં કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો આ ફિલ્મને રિલીઝ કરવા સામે વિરોધ કરી રહ્યા છે.

હાઈ-વે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં દહેશતના કારણે અનેક એસટી બસના રૃટ કેન્સલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડી છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઇતિહાસ સાથે ચેડાં ન થવા જોઈએ અથવા તો તથ્યોને તોડમરોડ સાથે રજૂ ન કરવા જોઈએ તેની સામે દરેક વર્ગના લોકો સંમત હોય છે, પણ વિરોધના નામે કાયદો હાથમાં લેવો ન જોઈએ તેવો મત ધરાવતો એક વર્ગ પણ છે.

આ ફિલ્મને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ફેંસલો આપી દીધો છે ત્યારે આ બંધારણીય સત્તાનું માન જળવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે જોવાની દરેકની ફરજ છે. આ મામલે હવે કોઈ સમાધાનકારી વલણ અપાનાવીને વિવાદને વંટોળ બનતો અટકાવવો જોઈએ. દરમિયાન સોમવારે લખનઉમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવા માટેનું સંજય લીલા ભણસાલીનું આમંત્રણ સ્વીકાર્યું હતું, પણ મંગળવારે તેમણે વલણ બદલ્યું છે. કોઈ ફિલ્મનો વિરોધ થયો હોય તેવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ ‘ફના’ અને ‘પરઝાનિયા’ ફિલ્મનો વિરોધ થઈ ચૂક્યો છે.

—————-.

You might also like